વિડિયોમાં તે ટ્રાવેલરે પોર્ટુગલના એક ગામની મુલાકાત લીધી હતી અને ત્યાંના અનુભવો વિડિયોમાં શૅર કર્યા હતા
આ છે એ ગામ
પોર્ટુગલમાં રહેતી એક ટ્રાવેલર અને કન્ટેન્ટ ક્રીએટરે તાજેતરમાં એક એવો વિડિયો પોસ્ટ કર્યો છે જેણે સરહદો પાર ચર્ચા જગાવી છે. વિડિયોમાં તે ટ્રાવેલરે પોર્ટુગલના એક ગામની મુલાકાત લીધી હતી અને ત્યાંના અનુભવો વિડિયોમાં શૅર કર્યા હતા. સૌથી રોચક વાત એ હતી કે આ ગામમાં ફક્ત એક જ વ્યક્તિ રહેતી હોવાનો દાવો તેણે કર્યો હતો. પોર્ટુગલના આ ગામનું નામ તલાસ્નાલ છે જે પર્વતોની વચ્ચે વસેલું છે. જોકે જ્યારે વસ્યું ત્યારે ભલે આ ગામમાં ગમે એટલા લોકો રહેતા હોય, આજે તો અહીં જ્યૉર્જ નામના એક વૃદ્ધ દાદા એકલા રહે છે. એક સમયે અહીં ૧૨૦ જેટલા લોકો વસતા હોવાની માહિતી ટ્રાવેલરે આપી હતી, જે ધીમે-ધીમે બીજે રહેવા ચાલ્યા ગયા. સ્થળાંતરનું મુખ્ય કારણ હતું ગામની દુર્ગમતા. પર્વતોની વચ્ચે હોવાથી આ ગામમાં પ્રાથમિક સુવિધાઓની ખોટ તો છે જ, સાથે અહીં પહોંચવું પણ ખૂબ મુશ્કેલ છે.
જ્યૉર્જદાદા એકલા અહીં કેવી રીતે રહેતા હશે? એના જવાબમાં તેઓ કહે છે, ‘પર્વતોમાં ફરવા આવતા ટૂરિસ્ટો માટે મેં બાર ખોલી રાખ્યો છે. તારા જેવા ટ્રાવેલર્સ મારા આ બારમાં આવે છે, પીએ છે અને મારી વાર્તાઓ સાંભળીને ન્યાલ થાય છે.’


