જેવી ટ્રેન પસાર થઈ જાય છે કે ટ્રૅક પર સૂતેલો છોકરો ઊઠી જાય છે અને ત્રણેય જાણે જંગ જીતી લીધી હોય એમ નાચવા લાગે છે. આ વિડિયો વાઇરલ થતાં જ ઓડિશાની સ્થાનિક પોલીસે આ ત્રણેય કિશોરોને પકડી લીધા છે.
ટ્રેનની નીચે ટ્રૅક પર કિશોર સૂઈ ગયો
હવે સોશ્યલ મીડિયા પર લાઇક્સ મેળવવાની દોડમાં લોકો હદ વટાવી રહ્યા છે. સાવ અણસમજુ અને કિશોર બાળકો ચોંકાવનારા અને વધુ વાઇરલ થવાના આશયથી જીવ જોખમમાં મૂકતા સ્ટન્ટ કરવા લાગ્યાં છે. તાજેતરમાં ઓડિશાના બૌધ જિલ્લાના તલુપાલી ગામ પાસે ત્રણ કિશોરોએ રવિવારની સાંજે એક ખતરનાક સ્ટન્ટ કર્યો હતો. વિડિયોમાં જોઈ શકાય છે કે દૂરથી હૉર્ન વગાડીને પૂરપાટ વેગે આવતી ટ્રેન જોઈને એક બાળક ટ્રૅકની વચ્ચે સૂઈ જાય છે. તે ટ્રૅકની પૅરૅલલ નથી સૂતો, પરંતુ એક પાટા પાસે તેના પગ છે અને બીજા પાટા પાસે તેનું માથું છે. સાંજે પાંચ વાગ્યાના સુમારે લેવાયેલા આ વિડિયોમાં કિશોર જેવો સૂઈ જાય છે કે ટ્રેન દોડતી આવે છે. બીજો છોકરો જોરજોરથી બૂમો પાડીને તેને જરાય નહીં હલવાની અને નહીં ઊઠવાની સલાહ આપતો રહે છે, જ્યારે ત્રીજો છોકરો વિડિયો લેતો રહે છે. જેવી ટ્રેન પસાર થઈ જાય છે કે ટ્રૅક પર સૂતેલો છોકરો ઊઠી જાય છે અને ત્રણેય જાણે જંગ જીતી લીધી હોય એમ નાચવા લાગે છે. આ વિડિયો વાઇરલ થતાં જ ઓડિશાની સ્થાનિક પોલીસે આ ત્રણેય કિશોરોને પકડી લીધા છે.

