૯ વર્ષ પહેલાં ૧૦ કલાકના લૂપમાં બળતાં લાકડાંનો એક વિડિયો અપલોડ કર્યા પછી આજ સુધી બીજું કોઈ કન્ટેન્ટ નથી મૂક્યું છતાં જાહેરાતોની આવક સાથે ચૅનલ પર ૧૫ કરોડ વ્યુઝ મેળવ્યા છે ગુમનામ યુટ્યુબરે
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ અને એમાંય ખાસ કરીને યુટ્યુબ કન્ટેન્ટ ક્રીએટર્સ માટે કમાણીનું સાધન બની ગયું છે. જોકે એક સમય હતો જ્યારે યુટ્યુબ પર લાંબા વિડિયોની ડિમાન્ડ હતી, પણ હવે તો શૉર્ટ્સ અને રીલ્સનો જમાનો આવી ગયો છે. આવા સમયમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિએ માત્ર એક વિડિયો બનાવીને ૧૦ કરોડ રૂપિયાની રોકડી કરી લીધી હતી.
મજાની વાત એ છે કે આ વિડિયોમાં ન તો કોઈનો ચહેરો બતાવાયો છે કે ન તો કોઈના મધુર અવાજનો ઉપયોગ થયો છે. એના કરતાં પણ આઘાત લાગે એવી વાત તો એ છે કે આ એક વિડિયો બનાવ્યા પછી તે વ્યક્તિએ આજ સુધી બીજો કોઈ વિડિયો કદી અપલોડ જ નથી કર્યો.
બન્યું એવું કે આજથી ૯ વર્ષ પહેલાં આ અજાણી વ્યક્તિએ ‘ફાયરપ્લેસ 10 અવર્સ’ નામની યુટ્યુબ ચૅનલ બનાવી અને એના પર એક વિડિયો અપલોડ કર્યો હતો. આ વિડિયોમાં ફક્ત બળતાં લાકડાં દેખાડવામાં આવ્યાં છે અને આગના કડાકાનો અવાજ સંભળાય છે. આ વિડિયો સતત ૧૦ કલાક માટે લૂપમાં ચાલ્યા કરે છે એટલે કે રીતસર ચૅનલના નામની જેમ વિડિયોમાં ‘ફાયરપ્લેસ 10 અવર્સ’નો આ વિડિયો છે.
ADVERTISEMENT
આશ્ચર્ય તો એ વાતનું છે કે ચૅનલ પર આ પછી બીજો કોઈ વિડિયો અપલોડ થયો નથી છતાં એના એક કરોડ દસ લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ અને ૧૫ કરોડથી વધુ વ્યુઝ છે. આ વિડિયો શિયાળા અને ક્રિસમસમાં ઘણો લોકપ્રિય બન્યો હતો. ટૅટૂ-પાર્લર, સ્ટુડિયો, કૅફે અને રેસ્ટોરાંની સ્ક્રીન્સ પર આ વિડિયો વારંવાર પ્લે કરવામાં આવ્યો હતો, જેને લીધે આ એક વિડિયોને યુટ્યુબમાંથી ઍડ્વર્ટાઇઝિંગ માટે ઓછામાં ઓછી એક લાખ ૪૦ હજાર ડૉલર એટલે કે લગભગ ૧૦ કરોડ રૂપિયાની આવક થઈ હતી. બૅકગ્રાઉન્ડમાં સૉફ્ટ મ્યુઝિક સાથે હૂંફાળા વાતાવરણની ફીલ આપવા માટે અનેક ઈટરી, કૅફે, રેસ્ટોરાં આ વિડિયોનો ઉપયોગ કરે છે અને દર વર્ષે શિયાળામાં આ વિડિયો ફરી ટ્રેન્ડ થવા લાગે છે.


