જરા પણ જો ભોજનમાં નટ્સ આવી જાય તો આખા શરીરે લાલ ચકામાં પડી જતાં હતાં
કૅરોલિન ક્રાય
કૅરોલિન ક્રાય નામની મહિલાને બાળપણથી જ ડ્રાયફ્રૂટ્સ અને નટ્સની ઍલર્જી હતી. જરા પણ જો ભોજનમાં નટ્સ આવી જાય તો આખા શરીરે લાલ ચકામાં પડી જતાં હતાં. બે વર્ષની ઉંમરે આ ઍલર્જીનું નિદાન થયું હતું. જોકે એ પછી પણ તે બીજું ખાવાનું ખાઈ શકતી હતી, પણ ૨૦૧૭માં કૅરોલિન ૧૮ વર્ષની થઈ ત્યારે તેની જિંદગી અચાનક બદલાઈ ગઈ. કૉલેજમાં દોસ્તો સાથે તેણે ચૉકલેટ ચિપ આઇસક્રીમ ખાધી. એ ખાધાની ગણતરીની મિનિટોમાં તેની હાલત બગડી ગઈ. ઍલર્જિક રીઍક્શન એટલું ગંભીર આવ્યું કે તેના શરીરે ચકામાં નીકળવાની સાથે તે બેભાન થઈ ગઈ. એ પછી તો કેટલાંય અઠવાડિયાં હૉસ્પિટલમાં રહેવું પડ્યું. એ દરમ્યાન તેને કંઈ પણ ખાવાનું અપાતું તો ઍલર્જિક રીઍક્શન આવતું. ટ્રાયલ કરીને ડૉક્ટરોને લાગ્યું કે કૅરોલિનને માત્ર ઈંડાં, ઓટ્સ અને પાણી જ સદી શકે છે. જોકે કૅરોલિનની કૉલેજ પૂરી થતાં સુધીમાં તેનું વજન ઘટીને એટલું ઓછું થઈ ગયું કે તે જીવી પણ શકશે કે કેમ એવી શંકા જાગી. ડૉક્ટરોએ તપાસ કરી તો ખબર પડી કે ઈંડાં પણ તેની ઇમ્યુન સિસ્ટમ સ્વીકારી નથી શકતી. આખરે તેને જીવવા માટે ઓટ્સ જ લઈ શકાય એવું રહ્યું. જોકે એનાથી ન્યુટ્રિશનની કમી તો પૂરી થવાની નહોતી. પોષણ માટે બાળકોને અપાતા વિવિધ બ્રૅન્ડના ફૉર્મ્યુલા મિલ્કના પાઉડરની તપાસ કર્યા પછી એક બ્રૅન્ડના બેબી ફૉર્મ્યુલા પર ડૉક્ટરોએ પસંદગી ઉતારી. હવે આ બહેન માત્ર બેબી ફૉર્મ્યુલા મિલ્ક પાઉડર અને ઓટમીલ જ લઈ શકે છે અને એ પણ માત્ર પાણી સાથે જ, બીજું કાંઈ નહીં.


