
મીનાક્ષી દીક્ષિત આપણા જાણીતા વાર્તાકાર અને નિબંધલેખિકા. એપ્રિલ 24 મીએ એમના અવસાનને એક વર્ષ થશે પણ એમના બાળપણની સ્મૃતિકથા ' અંજની તને યાદ છે? ' અને હળવા નિબંધ સંગ્રહ ' ઘેરે ઘેર લીલાલહેર'માં તેઓ હજી જીવંત છે. વરિષ્ઠ સર્જક દિનકર જોષીએ એક સરસ વિચારબીજ આપ્યું કે મીનાક્ષીબહેનની પુણ્યતિથિ નિમિત્તે 26 એપ્રિલે ત્રણ વિદુષી મહિલાઓ આજથી ૬૦/૭૦ વર્ષ અગાઉના એમના બાળપણની ખાટી, મીઠી અને તૂરી યાદોની ભાવકો સમક્ષ વાત કરે. ગુજરાતી તખ્તા અને સિરિયલના બળૂકાં અભિનેત્રી મીનળ પટેલ, વરિષ્ઠ લેખિકા કલ્પના દવે અને પત્રકાર સંપાદક તરુ કજારિયા પોતાનાં બાળપણની યાદોનો પટારો ભાવકો સમક્ષ ખોલશે.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે 'નવનીત સમર્પણ' ના સંપાદક દીપક દોશી હાજરી આપશે. મીનાક્ષી દીક્ષિતના બંને પુસ્તકોની નવી આવૃત્તિ પ્રકાશક આર.આર.શેઠ આ મહિને પ્રકાશિત કરી રહ્યા છે. એનું વિમોચન દીપક દોશી તથા સર્વ વક્તાઓ સાથે મળીને કરશે. જાણીતા કવિ અને અદાકાર દિલીપ રાવલ એક નિબંધનું સાભિનય વાચિકમ કરશે. કવયિત્રી પ્રતિમા પંડ્યા અને 'લેખિની' સંસ્થાના પ્રમુખ પ્રીતિ જરીવાલા, મીનાક્ષી દીક્ષિતના સર્જનમાંથી વાચિકમ કરશે. મીનાક્ષી દીક્ષિતની એક ટૂંકી વાર્તા ' હિંચકો ' ખૂબ વખણાઈ છે. એના પરથી યુવાન નાટ્યકલાકાર પ્રીતા પંડ્યાએ એકોક્તિ લખી છે . એ એકોક્તિ ગીતા ત્રિવેદી રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમના સૂત્રધાર કવિ સંજય પંડ્યા રહેશે. સાહિત્યના વિવિધ કાર્યક્રમોના આયોજન માટે જાણીતી સંસ્થા કે.ઈ.એસ. ગુજરાતી ભાષાભવન તથા કે.ઈ.એસ.ના પ્રમુખ મહેશ શાહ હંમેશાં પીઠબળ આપતા હોય છે. આ કાર્યક્રમ પણ ભાષાભવનના નેજા હેઠળ યોજાયો છે જેને 'લેખિની', 'ઝરૂખો', તથા દીક્ષિત પરિવારે સહયોગ આપ્યો છે. તો ૨૬ એપ્રિલ શનિવારે સાંજે ૫.૩૦ પહેલાં જયંતીલાલ પટેલ લૉ કૉલેજ ઑડિટોરિયમ ( બીજા માળે) , ભોગીલાલ ફડિયા રોડ, કાંદીવલી રિક્રિએશન ક્લબ પાસે, કાંદીવલી પશ્ચિમના સરનામે પહોંચી જશો. બેઠક વ્યવસ્થા વહેલો એ પહેલોના ધોરણે છે.