મુંબઈ શહેરની જાણીતી સંસ્થા ભવન્સ કલ્ચરલ સેન્ટરના ઉપક્રમે અગામી તા. ૨જી ઓક્ટોબર ને ગાંધી જયંતિના દિવસે સાંજે છ કલાકે સુપ્રસિધ્ધ કવિ પ્રફુલ્લ પંડ્યાના બે નવપ્રકાશિત પુસ્તકોનો એક વિશિષ્ટ લોકાર્પણ સમારોહ યોજાઈ રહ્યો છે. આ સમારંભમાં કવિશ્રી પ્રફુલ્લ પંડ્યાના નવા પ્રકાશિત થયેલા કાવ્યસંગ્રહ સૂર્ય ચંદ્રનાં કિરણો અને ખ્યાતનામ ડોગરી ભાષાના કવિ શ્રી વેદ રાહીની શ્રેષ્ઠ વાર્તાઓના અનુવાદસંગ્રહ પ્રસિદ્ધ ડોગરી કથાઓ નું લોકાર્પણ થશે. આ સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષપદે જાણીતા કવિ -ચિંતક અને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જહા ઉપસ્થિત રહેશે. પ્રફુલ્લ પંડયાના કાવ્યસંગ્રહનું વિમોચન ગુજરાતી ભાષાના અગ્રણી કવિ શ્રી અનિલ જોશી અને ભાગ્યેશ જહા કરશે. જયારે સુપ્રસિદ્ધ ડોગરી કથાઓનું વિમોચન નામાંકિત હીરાના વેપારી અને એશિયન સ્ટાર કંપનીના પ્રમુખ સૂત્રધાર વિપુલભાઈ શાહ, નામાંકિત કવિઓ જવાહર બક્ષી અને ઉદયન ઠક્કર કરશે.
ડોગરી, ઉર્દુ તથા હિન્દી ભાષાનાં ખ્યાતનામ કવિ, વાર્તાકાર અને બોલીવુડની અનેક સફળ તથા સિલ્વર અને ગોલ્ડન જયુબિલી મનાવનાર ફિલ્મોના સર્જક શ્રી વેદ રાહીની ચૂંટેલી શ્રેષ્ઠ વાર્તાઓનો અનુવાદિત સંગ્રહ એટલે 'સુપ્રસિદ્ધ ડોગરી કથાઓ' જેનો સફળ અનુવાદ કવિ પ્રફુલ્લ પંડ્યાએ કર્યો છે.
આ અવસરે જાણીતા ગાયક શ્રી સુરેશ જોશી પ્રફુલ્લ પંડ્યાના ગીતોનું ગાન કરશે. આ સાથે યોજાનારા કવિ સંમેલનમાં સર્વશ્રી ભાગ્યેશ જહા, અનિલ જોશી, જવાહર બક્ષી, ઉદયન ઠક્કર, મુકેશ જોશી, સતિશ વ્યાસ, ભૂમા વશી, જયોતિબેન હિરાણી (લેખિની ) ,ચેતન ફ્રેમવાલા ( ધબકાર ગોષ્ઠિ ), ધાર્મિક પરમાર,શૈલ પાલનપુરી અને પ્રફુલ્લ પંડ્યા ભાગ લેશે. સમગ્ર સમારંભ અને કવિ સંમેલનનું સંચાલન સુપ્રસિદ્ધ કવિ -ગઝલકાર શોભિત દેસાઈ કરશે કાર્યક્રમના આરંભે ભવન્સ કલ્ચરલ સેન્ટરના શ્રી લલિતભાઈ શાહ સ્વાગત કરશે જ્યારે પ્રફુલ્લ પંડ્યા આભાર દર્શન કરશે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સૌ સાહિત્ય રસિકો અને સહ્રદય ભાવકોને હાર્દિક નિમંત્રણ છે. કાર્યક્રમ સ્થાનેથી કવિના બંને નવા પુસ્તકો ચાલીસ ટકાના ખાસ વળતર સાથે પ્રાપ્ય બની રહેશે.
કવિ પ્રફુલ્લ પંડ્યાનાં કાવ્યો અને તેનો રસાસ્વાદ માણવા અહીં ક્લિક કરો