
રક્તદાન શિબિર ઉપરાંત હરિ ક્રિષ્ના ગ્રૂપ પોતાના સ્ટાફને પુસ્તકો ભેટ આપે છે એ વખાણવા જેવી વાત છે - કવિ હિતેન આનંદપરા
પરમાત્માની તમારા પર અનુકંપા હોય તો જ તમે આવું સત્કાર્ય કરી શકો છો. - કવિ સંજય પંડ્યા
મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષમાં બુધવારની સવાર હરિ ક્રિષ્ના ગ્રૂપના સ્ટાફના ઉત્સાહથી ઝળાંહળાં થતી હતી. કંપનીની સ્થાપનાને ૩૩ વર્ષ થયાં એ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન થયું હતું.
હરિ ક્રિષ્ના ગ્રૂપ પોતાની સામાજિક પ્રતિબદ્ધતાને બહુ સહજ ભાવે અમલમાં મૂકે છે. ગુજરાતમાં ૧૬૦ ઉપરાંત માનવ નિર્મિત તળાવો બનાવવાથી માંડીને ગુજરાત તથા મુંબઈમાં વર્ષની ત્રણ રક્તદાન શિબિરના આયોજન જેવા સરાહનીય કાર્યો આ ગ્રૂપ કરે છે. એમના સ્ટાફના વૅલ્ફેર માટેની યોજનાઓએ પણ ચેરમેન સવજીભાઈ ધોળકીયા અને મેનેજિંગ ડિરેક્ટર ઘનશ્યામભાઈ ધોળકીયાને ભારતમાં તથા વિદેશમાં જાણીતા કર્યા છે.
આવા આયોજનમાં હાજરી આપવા કંપનીએ પાંચ અતિથિ વિશેષને નિમંત્રણ આપ્યું હતું જેમાં કવિ તથા કટારલેખક હિતેન આનંદપરા અને કવિ સંજય પંડ્યા પણ હતા.
કવિ હિતેન આનંદપરાએ રક્તને લગતા કેટલાક શેર સંભળાવી હોદ્દેદારોના વાંચન પ્રેમને પણ બિરદાવ્યો હતો. સ્ટાફને જન્મદિવસે અપાતા પુસ્તકની પરંપરા માટે એમણે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો
હતો.
'સત્કર્મ કરવા માટે પણ ઈશ્વરની કૃપા જરૂરી છે ' એવું કવિ સંજય પંડ્યાએ જણાવ્યું હતું.' આપણી લક્ષ્મી જ્યારે અન્યના ભલા માટે કે સામાજિક ઉત્થાન માટે વપરાય ત્યારે એ મહાલક્ષ્મી બને છે 'એવું એમણે જણાવ્યું હતું. આમ પણ રક્તની માંગની સામે ઓછું રક્તદાન થાય છે એના આંકડા ટાંકી એમણે સહુએ એ વિશે જાગૃતતા ફેલાવવી જોઈએ એવું એમણે જણાવ્યું હતું.
ડૉ. હિમાંશુ મહેતાએ પોતાની પ્રવાહી વક્તવ્ય શૈલીમાં રક્તદાન કોઈ પરિવારના લાડકવાયાને બચાવી લે છે એ વાત ભારપૂર્વક કહી. બ્લડ ડોનેશનથી કોઈ નબળાઈ આવતી નથી અને સ્વાસ્થ્ય વધુ સારું રહે છે એ વાત પણ એમણે જણાવી.
રિટેલર્સ અસોશિયેશનના અધ્યક્ષ વિરેન શાહે પણ ગ્રૂપના કાર્યને બિરદાવ્યું. ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર ઘનશ્યામભાઈ ધોળકીયાએ શરૂઆતમાં સહુ અતિથિનું મેમેન્ટોથી સ્વાગત કર્યું અને ગ્રૂપના ન્યૂસલેટર એચકે કનેક્ટના વિશેષ અંકનું સહુએ લોકાર્પણ કર્યું હતું. ઘનશ્યામભાઈએ કહ્યું કે ઓછા ભણતર છતાં ફક્ત મહેનત અને વિઝન દ્વારા ગ્રૂપ નવાં શિખરો સર કરતું જાય છે. એમણે એનો યશ સમગ્ર સ્ટાફને આપ્યો હતો.
ઘનશ્યામભાઈની વાક્છટા એમની પછીની પેઢીમાં પણ જોવા મળી. એમના પુત્ર હિતાર્થે ગ્રૂપની સામાજિક જવાબદારી અને પ્રતિબદ્ધતા સતત જળવાઈ રહેશે એ વાત પર ભાર મૂક્યો.
ગ્રૂપનો બૅન્કીંગ વહીવટ સંભાળનાર કે.બી.રાજગોપાલનની પણ વિશેષ હાજરી હતી. ગ્રૂપના ઍડમિનિસ્ટ્રેશન તથા માર્કેટીંગના હસુ ધોળકીયા, પરાગ શાહ, મહેશ ગંડાની ઉપરાંત ડાયમંડ બુર્સના ડીલર્સની પણ હાજરી હતી. આ બધા ઉપરાંત, આ પર્વના વિશેષ હીરો હતા અસંખ્ય બ્લડ ડૉનર્સ જેમણે રૅકોર્ડ બ્રેક રક્તદાન નોંધાવ્યું.