
બોરીવલીના ઝરૂખોની સાહિત્યિક સાંજમાં આ વખતે ઓગણત્રીસ જેટલાં ટાબરિયાં અને કિશોર વિદ્યાર્થીઓ કાંતિ કડિયા, રમેશ પારેખ, સુરેશ દલાલ, રમણ સોની,ઉદયન ઠક્કરથી માંડીને આજના નવાં બાળકાવ્ય સર્જકોની કાવ્યરચનાઓ રજૂ કરશે. રવિવાર ૨ માર્ચે સાંજે ૫.૩૦ વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં યુવાન કવિ ધાર્મિક પરમાર પણ પોતાનાં મસ્ત મસ્ત કાવ્યો બાળકોને તથા શ્રોતાઓને સંભળાવશે.
પૂર્ણાબહેન મોદી, પપેટની સંગત લઈને બાળકોને રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંકલન સંજય પંડ્યા કરશે. ' મસ્તીની પાઠશાળા ' ( સંપાદન: સંજય પંડ્યા -પ્રતિમા પંડ્યા) બાળકાવ્યોનું એક અફલાતૂન સંપાદન છે જેમાં દલપતરામથી માંડીને આજનાં કવિઓનાં દોઢસો ઉપરાંત બાળકાવ્યોનો સમાવેશ થયો છે.
કુલ કવિઓની સંખ્યા પણ સો જેટલી છે. સ્ત્રી મંડળ, સિક્કા નગર, મુંબઈ તથા પ્રકાશક એન.એમ.ઠક્કરના સહયોગથી આ પુસ્તકની દ્વિતીય આવૃત્તિ ગયા મહિને પ્રકાશિત થઈ છે. આ પુસ્તકની ૨૫૦ જેટલી પ્રત મહારાષ્ટ્ર અને ગુજરાતની વિવિધ શાળામાં ભેટ તરીકે મોકલવામાં આવી રહી છે. જે ગુજરાતી શાળાને ' મસ્તીની પાઠશાળા 'ની પ્રત મેળવવી હોય તેઓ ' ઝરૂખો ' ના સક્રિય સભ્ય દેવાંગ શાહને 93222 87485 પર શાળાના નામ તથા એડ્રેસ સાથે મેસેજ મોકલી શકે છે.
'ઝરૂખો 'નો આ કાર્યક્રમ સાઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે.
તમારાં સંતાનને ગુજરાતી ભાષાની ઉર્જા તથા બાળકાવ્યોની મસ્તીથી પરિચિત કરાવવાં હોય તો રવિવારે સાંજે ' ઝરૂખો' માં પહોંચી જશો! હંમેશ મુજબ આ જાહેર કાર્યક્રમ છે.