
નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા (એનબીટી) દ્વારા આયોજિત ત્રણ દિવસીય ગુજરાતી અનુવાદ કાર્યશાળાનું ઉદ્ઘાટન શુક્રવાર, 13 જૂને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના બોર્ડરૂમ ખાતે થયું. પ્રખ્યાત ગુજરાતી લેખક અને પ્રથમ સાહિત્ય અકાદમી બાલ સાહિત્ય પુરસ્કાર પ્રાપ્તકર્તા શ્રી યશવંત મહેતાએ મુખ્ય અતિથિ તરીકે કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યું અને બાળકો માટે અનુવાદિત સાહિત્યની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. આ પ્રસંગે બોલતાં એનઆઈડીના ડિરેક્ટર ડૉ. અશોક મૌડલે સાહિત્યની દુનિયા અને ડિઝાઇનિંગ વચ્ચેના ઊંડા જોડાણો અને રાષ્ટ્રીય જીવનમાં પુસ્તકો કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેના પર ભાર મૂક્યો. એનબીટીના મુખ્ય સંપાદક અને સંયુક્ત નિયામક શ્રી કુમાર વિક્રમે વાંચનની સંસ્કૃતિ બનાવવાના એનબીટીના મુખ્ય ઉદ્દેશના કેન્દ્રબિંદુ અને પુસ્તકો દ્વારા રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવામાં આ અનુવાદ કાર્યશાળાઓ કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેના પર ભાર મૂક્યો. ટ્રસ્ટના સંપાદક (ગુજરાતી) શ્રી ભાગ્યેન્દ્ર પટેલે મહેમાનોનું સ્વાગત કર્યું અને ટ્રસ્ટના નવાં પુસ્તકો વિશે એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું. ગયા ગુરુવારે અમદાવાદ શહેરમાં થયેલ કરુણ વિમાન દુર્ઘટનામાં થયેલા મૃતકોની યાદમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસીય વર્કશોપ દરમિયાન 20 પ્રખ્યાત તેમ જ યુવા લેખકો/અનુવાદકોનું જૂથ આશરે 100 પુસ્તકોનો અનુવાદ તૈયાર કરશે અને નવાં પુસ્તકોનું નિર્માણ કરશે. શ્રી અનિલ રાવલ, શ્રી રવિન્દ્ર અંધારિયા, સુશ્રી કાશ્યપી મહા, શ્રી પરીક્ષિત જોશી, શ્રી બ્રિજેશ પંચાલ, સુશ્રી સુરેખા રાઠવા, ડૉ. અનિલ ચૌહાણ, શ્રી સાહેબરાવ પાટીલ, સુશ્રી બકુલા પરમાર, ડૉ. હિના મિસ્ત્રી અને શ્રી વિષ્ણુ સુથાર જેવા અનુભવી અને ભાષા નિષ્ણાત વિદ્વાન અનુવાદકો કાર્યશાળામાં ભાગ લઈ રહયાં છે.