
બોરીવલીસ્થિત શેઠ જી.એચ. હાઈ સ્કૂલ અને કનિષ્ઠ મહાવિદ્યાલય ખાતે ગુજરાતી ભાષા દિવસ ૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શાળા-પરિસરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે વિશિષ્ટ અતિથિ તરીકે ધાર્મિકભાઈ પરમારે હાજરી આપી હતી. આચાર્યા હેમાલી જોશી, મેનેજમેન્ટ, શિક્ષકો તથા ઉત્સાહી વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ દિવસ ઊજવાયો. શાળાના એક વર્ગખંડને ગુજરાત રાજ્યમાં ફેરવી નખાયો હતો.
જેમાં ગુજરાત રાજ્યની ઝાંકી દર્શાવવામાં આવી હતી. ગુજરાતનાં પ્રસિદ્ધ સ્થળો, વ્યક્તિત્વો અને સંસ્કૃતિની ઝલક દર્શાવવા શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. અંતાક્ષરી, ગરબા નૃત્ય અને ડાયરાનું પણ આયોજન થયું હતું. જેમાં તમામ ઉપસ્થિતોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો.