
પરિચય ટ્રસ્ટ તથા શ્રી સાઈ સાર્વજનિક ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે 'ગુજરાતી શિક્ષક તાલીમ શિબિર'નું આયોજન સોલાપુર ખાતે શ્રી સોલાપુર ગુજરાતી મિત્ર મંડળના યજમાનપદે ગુજરાત ભવનમાં રવિવાર 13 જુલાઈથી ચાર દિવસ માટે કરવામાં આવ્યું છે. શ્રી સાઈ સાર્વજનિક ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી સીએ અનંતરાય મહેતા, મીનાબેન મહેતા તથા આજીવન શિક્ષિકા નેહાબેન કેશવણીના માર્ગદર્શનમાં આ શિબિર યોજાઈ છે. યજમાન સંસ્થાના પદાધિકારીઓએ ઉદઘાટન પ્રસંગે મહેમાનોનું અભિવાદન કર્યું હતું. શરૂઆતમાં શ્રી સોલાપુર ગુજરાતી મિત્ર મંડળના પ્રમુખ તેમ જ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સમાજ મહામંડળના ઉપ-પ્રમુખ શ્રી મુકેશભાઈ મહેતાએ સ્વાગત કરતા જણાવ્યું કે સંસ્થા છેલ્લા ૮૬ વર્ષથી આરોગ્ય, શિક્ષણ, સાંસ્કૃતિક તથા સાહિત્યના કાર્યક્રમોનું આયોજન કરે છે.
વેકેશનમાં મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ અંગ્રેજી માધ્યમના બાળકોને ગુજરાતી શીખવાના વર્ગો ચાલુ કરવા તેમણે સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી. શ્રી અનંતરાય મહેતાએ જણાવ્યું કે શ્રી સાઈ સાર્વજનિક ટૂસ્ટ મુંબઈમાં છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતી શીખવવાના વેકેશન વર્ગો ચલાવે છે. તે માટે મીનાબેન મહેતા સંપાદિત, “માતૃભાષાને માર્ગે” પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. કવિ હિતેન આનંદપરાના સહયોગથી પરિચય ટ્રસ્ટ - ચર્ની રોડ, કાંદીવલી પૂર્વ, મલાડ પશ્ચિમ, ચેમ્બુર અને મુલુંડ ખાતે પહેલી વાર વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું કે જ્યાં ગુજરાતીઓ વસે છે તેવા મહારાષ્ટ્રના શહેરોમાં પણ આ પ્રકારે વેકેશન વર્ગો શરૂ કરવાનો નિર્ધાર છે.
સોલાપુર ખાતે યોજાયેલી શિબિરમાં 15 તાલીમાર્થીઓએ ભાગ લીધો, જેમાં ત્રણ શિક્ષકો સાંગલીથી ખાસ આવ્યા હતા. દરેકને સાઈ સાર્વજનિક ટ્રસ્ટ તરફથી ત્રણ પુસ્તકો આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા નેહાબેન કેશવાણીએ આપી હતી. સોલાપુર ગુજરાતી મિત્ર મંડળના ટ્રસ્ટીઓમાં શ્રી રમેશભાઈ ગોરડિયા, વિજયભાઈ પટેલ, ઉપ-પ્રમુખ મણીકાંતભાઈ દંડ, ચીમનભાઈ પટેલ, અન્ય પદાધિકારીઓ તથા મહિલામંડળ અને યુવા ફોરમના પદાધિકારીઓ અને સોલાપુરવાસીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી, કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. મુકેશભાઈ મહેતાના માર્ગદર્શનમાં, પદાધિકારીઓ તથા કર્મચારીઓએ સખત મહેનત કરી હતી. સહ-મંત્રી સંદીપભાઈ ઝવેરીએ લાક્ષણિક શૈલીમાં કાર્યક્રમના સંચાલન સાથે આભારવિધિ કરી હતી.