
એસ. એન. ડી. ટી. મહિલા કોલેજની અનુસ્નાતક વિભાગની વિદ્યાર્થિની બહેનોએ 'વિશ્વ મહિલા દિવસ'ની વિશેષ ઉજવણી કરી હતી. આ ઉજવણી કોલેજમાં જ ૭મી માર્ચે બપોરે ૧૨.૦૦ કલાકે કરાઇ. 'સંસ્કૃતા સ્ત્રી પરાશક્તિ' કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે હિન્દી સાહિત્યનાં પ્રસિદ્ધ સર્જક, વિવેચક અને અનુવાદક તેમજ મહિલા ઉત્કર્ષ માટે સતત સક્રિય ડૉ. કુસુમ ત્રિપાઠી ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે મુંબઈની સાહિત્ય અને કલા પ્રવૃત્તિમાં સતત સક્રિય એવી 'લેખિની' સંસ્થાની વરિષ્ઠ બહેનોનું 'નારી ગૌરવ પુરસ્કાર'થી સન્માન કરવામાં આવ્યું. જેમાં મીનાક્ષી વખારિયા, ગીતા ત્રિવેદી, વર્ષા તન્ના, પ્રીતિ જરીવાલા, કામિની મહેતા, ઊર્મિલા પાલેજા, દેવયાની દવેનો સમાવેશ થાય છે.
આ વર્ષે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થિની બહેનોને પદવી પ્રમાણપત્ર પણ અર્પણ કરવામાં આવ્યાં. વિભાગની વર્તમાન વિદ્યાર્થિની હેતલ ગાલા, બીના જોગી, સોનાલી શાહ, સેજલ ભટ્ટ, રેણુકા નાંદોલા, પન્ના પારેખ, રાખી શાહે મુંબઈની પ્રસિદ્ધ કવયિત્રીઓની ઉત્તમ કવિતાઓનું ચયન કરીને ભાવવાહી પ્રસ્તુતિ કરી. સમગ્ર કાર્યક્રમ માટે પ્રૉ. દર્શના ઓઝા અને કવિત પંડ્યાએ જહેમત ઉઠાવી હતી તેમ જ માર્ગદર્શન આપ્યું હતું.