
તા.૨૮-૦૯-૨૦૨૫, રવિવારે જુહુ સ્કીમ જૈન સંઘના આંગણે JOY યુવા શિબિરનું આયોજન થયું હતું. આ આયોજનમાં પદ્મભૂષણ વિભૂષિત, જૈનાચાર્ય વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદ લેવા કેળવણી મંડળ - NMIMS UNIVERSITYના સ્થાપક અમરીશભાઈ પટેલ પધાર્યા હતા. અમરીશભાઈ પટેલે આ અવસરે પૂજ્ય ગુરુદેવશ્રીના ૪૯૮મા પુસ્તક ‘Relation Airlines’નું વિમોચન કર્યું. જુહુ સ્કીમ જૈન સંઘના ટ્રસ્ટીવર્ય રાકેશભાઈ મહેતાએ અમરીશભાઈનો પરિચય આપતાં એક પ્રસંગ યાદ કરીને કહ્યું કે ‘ડૉક્ટરોની એક ગૅધરિંગમાં હૉસ્પિટલની વાત ચાલી રહી હતી ત્યારે અમરીશભાઈને ડૉક્ટરોએ પૂછ્યું કે અમરીશભાઈ, શિરપુર જેવા નાનકડા ગામમાં તમે ૧૦૦૦ બેડની આલીશાન હૉસ્પિટલ બનાવો છો એ સારી વાત છે, પણ આટલાં મોંઘાં Instruments સાથે તમે ત્યાં હૉસ્પિટલ બનાવો છો તો એમાં કમાણી થશે નહીં.’ તરત જ અમરીશભાઈએ વળતો જવાબ આપ્યો, ‘જળગાંવથી શિરપુર સુધીના નાનામાં નાના માણસ સુધી આ સુવિધા પહોંચે એ માટે હું શિરપુરમાં હૉસ્પિટલ બનાવું છું. આ પુણ્યકાર્યમાં મને દર વર્ષે ૫૦ કરોડ રૂપિયાનું નુકસાન થાય તો પણ હું રાજી છું’