
ચર્ચગેટ ખાતે યોજાયેલા એક સમારંભમાં જાણીતા ગઝલકાર અને આધ્યાત્મિક સંશોધક ડૉ. જવાહર બક્ષીના 'નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા' આ પુસ્તકનું લોકાર્પણ લોકલાગણીને માન આપીને (ત્રીજી આવૃત્તિ) શ્રીમતી દક્ષા બક્ષી, દીના મહેતા અને આસિત મહેતાને હસ્તે થયું હતું. કોઈ પીએચડીના સંશોધનાત્મક પુસ્તકની ત્રીજી આવૃત્તિ થવી એ વિરલ અને ગુજરાતી ભાષા માટે ગૌરવ ઘટના છે. જવાહર બક્ષી એ જણાવ્યું હતું કે વૈદિક ઋષિઓની વાણી ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતામાં સર્વપ્રથમ ઊતરી હતી. આજે ૬૦૦ વર્ષ પછી પણ તે તાજી અને સનાતન લાગે છે.
ડૉ. જવાહર બક્ષીએ પચ્ચીસ વર્ષના સંશોધન તથા તેમની દાયકાઓની આધ્યાત્મિક સાધનાના પ્રકાશમાં ૬૦૦ વર્ષમાં ન ઉપલાયેલા ગૂઢ રહસ્યોને ઉજાગર કર્યા છે. જેમકે- 'જળ કમળ છાંડી જાને બાળા' એ કુંડલીની યોગનું કાવ્ય છે અને 'સહસ્ત્ર ફેણા ફૂંફવે' સુધીના સહસ્ત્રદલ કમળ તથા તે પછીની યાત્રાના અને તેમાં આવતા વિઘ્નોનો ઘટસફોટ કર્યો છે. 'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરી' એ સલ્વમ ખલી ખ લ્વિદમ બ્રહ્મ તેમજ ઈશાવાસ્ય ઉપનિષદના સ્પંદનો છે. વિશેષ રૂપે જેને કારણે નરસિંહ મહેતાને કારાવાસ મળ્યો હતો તે શૃંગાર કાવ્યોને રાધાકૃષ્ણનો આત્મા પરમાત્માના સંદર્ભમાં સમજાવ્યા છે. રૂપાયતન ટ્રસ્ટ, જુનાગઢ દ્વારા પ્રકાશિત આ પુસ્તક હવે તેના મુખ્ય વિક્રેતા એન. એમ. ઠક્કરની કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨ ખાતે ઉપલબ્ધ છે.