
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ઝરૂખોના સહયોગમાં યોજાયેલા ' દેશ વિદેશનું સાહિત્ય ' કાર્યક્રમમાં શ્રોતાઓને અપેક્ષા મુજબ જલસો જ પડી ગયો હતો.
સામાન્ય ભાવક ગુજરાતી ભાષાનું સાહિત્ય તો વાંચતો હોય છે પણ વિદેશી સાહિત્ય માણવાનો મોકો ઓછા ભાવકોને મળે છે. અકાદમીના રવિવારના કાર્યક્રમમાં ત્રણ વક્તાઓએ એક મરાઠી અને બે વિદેશી ભાષાનાં પુસ્તકો શ્રોતાઓ સમક્ષ ઉઘાડી આપ્યાં.
'લાસ્ટ ટ્રેન ટુ ઈસ્તાંબુલ' એ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાનની સત્ય ઘટના આધારિત ઐતિહાસિક નવલકથા છે જે તુર્કી લેખક આઈસ કુલીન દ્વારા લખાયેલી છે. આ નવલકથા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સ્થાનાંતરિત યહૂદીઓની વાર્તા કહે છે જે તુર્કીમાં શરણાર્થી તરીકે આવ્યાં હતાં.
તુર્કીની રાજદ્વારી ઑફિસ પૅરિસમાં પણ હતી અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી ન્યૂટ્રલ રહ્યું હતું. જર્મન સૈનિકો યહૂદીઓને મોતને ઘાટ ઉતારી રહ્યા હતા. એ સમયે રાજદ્વારી ગતિવિધિઓ દ્વારા એક વિશેષ ટ્રેન પૅરિસથી ઈસ્તાંબુલ મોકલવામાં આવે છે જેમાં વિશેષ તો યહૂદીઓ છે.જર્મનોને શંકા ન પડે એટલે એને જર્મનીના બર્લિન શહેરના ટ્રેન રૂટે લઈ જવાય છે.
જાહ્નવી પાલ
આ નવલકથા તેમની યાત્રાનું વર્ણન કરે છે, જેમાં તેઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. ભૂખ, તરસ, અને નાઝી સૈન્યનો પીછો આ ટ્રેનના યાત્રીઓ માટે દુ: સ્વપ્ન જેવાં છે.નવલકથા તેમની ધીરજ, સહનશક્તિ અને જીવનને ટકાવી રાખવાની તેમની પ્રબળ ઈચ્છાની આસપાસ આગળ વધે છે. જાહ્નવી પાલે ખૂબ સરસ રીતે આ નવલકથાના હાર્દને શ્રોતાઓ સમક્ષ મૂક્યાં.
બીજું વક્તવ્ય હતું કવયિત્રી પ્રતિમા પંડ્યાનું.એમણે મરાઠી લેખિકા ઉમા કુલકર્ણીની ચરિત્રાત્મક નવલકથા ' કેતકરવહિની' વિશે વાત કરી. ૨૦મી સદીના પૂર્વાર્ધમાં શહેરની એક છોકરી મનમાં કોડભર્યા સપનાં લઈને મહારાષ્ટ્રના અંતરિયાળ ગામમાં પરણીને જાય છે. ત્યાં એ અનેક પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરે છે. ભાગિયાઓ તથા ગ્રામજનો કાવાદાવા કરીને સાસરિયાની જમીન પચાવી પાડે છે ત્યારે ગ્રામવાસીઓ સામે પોતાની આંતરિક શક્તિ સતત પ્રજ્વલિત રાખીને કેતકરવહિની ( કેતકરભાભી) વિવિધ કેસ જીતતી રહે છે. જેમની સામે કાયદાકીય લડાઈ ચાલે છે એમના તરફ માનવતા દાખવી તેઓ મદદ પણ કરતાં રહે છે.
પ્રતિમા પંડ્યા
ધૈર્યવાન કેતકરવહિનીના સંઘર્ષને ઉમા કુલકર્ણીની રસાળ અને પ્રભાવી લેખનશૈલી ઉજાગર કરે છે. લેખિકા જેટલી જ સફળતા પ્રતિમા પંડ્યાને મળી જ્યારે વક્તવ્ય દ્વારા તેઓ કેતકરવહિનીના પાત્રને શ્રોતાઓ સમક્ષ જીવંત કરી શક્યાં. આ પુસ્તકનો અનુવાદ ટૂંક સમયમાં ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે.
ત્રીજું પુસ્તક હતું ' લસ્ટ ફોર લાઈફ' અરવિન્ગ સ્ટોનની વિન્સ્ટન વૅન ગોઘના જીવન પર આધારિત નવલકથા! એના વિશે વક્તવ્ય આપ્યું ડૉ.નેહલ વૈદ્યે.
ડૉ. નેહલ વૈદ્ય
અગાઉ રજૂ થયેલી બે નવલકથાઓની જેમ આમાં પણ જીવનનો સંઘર્ષ છે. આ સંઘર્ષ છે ડચ ચિત્રકાર વિન્સેન્ટ વૅન ગોઘનો. જીવન જીવવા માટેનો સ્થૂળ સંઘર્ષ અને માનસિક સંતુલનનો સંઘર્ષ સમાંતરે ચાલે છે. વિન્સેન્ટને એના ભાઈ થીઓનું પીઠબળ મળી રહે છે જેથી એ પોતાની ચિત્રકળા વિકસાવી શકે. વિન્સેન્ટ ખાણિયાઓને અને સામાન્ય માણસને પોતાનાં ચિત્રોમાં ઉતારે છે.એની આસપાસના મિત્ર વર્તુળ સાથેના સંબંધો ઉપર નીચે થતા રહે છે અને વિન્સેન્ટનું માનસિક સંતુલન પણ રૉલર કૉસ્ટર રાઈડ જેવું છે. વિશ્વમાં ચિત્રકાર તરીકે ખ્યાત વિન્સેન્ટ પોતાના જીવન દરમિયાન ફક્ત એક જ ચિત્ર વેચી શકે છે. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ' સળગતાં સૂરજમુખી ' નામે વિનોદ મેઘાણીએ કર્યો છે.
ડૉ.અભય દોશી
કાર્યક્રમના સંચાલક ડૉ.અભય દોશીએ પણ વિદ્વતાપૂર્ણ રીતે દરેક પુસ્તકની તથા વક્તવ્યની સરાહના કરી હતી.
કવિ સંજય પંડ્યા
આ કાર્યક્રમની પરિકલ્પના અને સંયોજન સંજય પંડ્યાના હતાં. વાર્તાલેખક સતીષ વ્યાસ તથા નીલા સંઘવી, પ્રજ્ઞા વસા તથા અનેક ભાવકોથી હૉલ ભરાઈ ગયો હતો.