
વિશ્વ સાહિત્યમાંથી પસંદ કરાયેલી અને અનુવાદિત રહસ્યકથાઓ હવે ગુજરાતી વાચકો માટે પુસ્તકરૂપે આવી રહી છે. અનુવાદક તરીકે અઢી વર્ષથી ‘મમતા’ મેગેઝિન માટે નિયમિત અનુવાદ કરતાં લેખિકા યામિની પટેલ હવે પોતાના પ્રથમ અનુવાદિત રહસ્યકથાઓના સંગ્રહનું પુસ્તક લૉન્ચ કરવા જઈ રહ્યાં છે. આ ખાસ પ્રસંગે 27 એપ્રિલ, રવિવારના રોજ સાંજે 6:30 વાગ્યે, ભવન્સ કલ્ચરલ સેન્ટરના SPJIMR ઑડિટોરિયમ ખાતે પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાનો તરીકે મધુ રાય, પદ્મ શ્રી વામન કેન્દ્રે, અરુણારાજે પાટિલ તથા કનુભાઈ સૂચક હાજરી આપશે અને પુસ્તકનું વિમોચન કરશે. ખાસ વાત એ છે કે આ પુસ્તકમાં યામિની પટેલ દ્વારા અનુવાદિત બે વાર્તાઓ હુસૈની દાવાવાલા દ્વારા દિગ્દર્શિત એકાંકી નાટક તરીકે રજૂ કરવામાં આવશે. વિશ્વ સાહિત્યના રહસ્યમય ખજાનામાંથી ઊંડાણપૂર્વક શોધીને લાવવામાં આવેલી આ વાર્તાઓ માત્ર રસપ્રદ જ નહીં, પરંતુ ગુજરાતી ભાષામાં અનુવાદ કરી યામિની પટેલ દ્વારા તેને નવી ઓળખ આપવામાં આવી છે. દરેક સાહિત્યપ્રેમી અને રહસ્યકથા રસિકને આ કાર્યક્રમમાં જરૂર હાજરી આપવી જોઈએ.