
'જ્યારે જ્યારે લાગે કે હવે શું કરવું ત્યારે એ મૂંઝવણમાં રસ્તો કાઢવા ભગવાન બાળકોની પાસે જાય છે એમની સાથે બેસી એમને ધ્યાનથી જુએ છે અને સલાહ પૂછે છે.'
કવિ દિલીપ ઝવેરીએ ૧૯૮૯માં 'પાંડુકાવ્યો' કાવ્યસંગ્રહ આપી ભાવકો તથા વિવેચકો બંનેની ચાહના મેળવી. એ પછી નવી બાની, આધુનિક વિષયવસ્તુ, નવા આંતરલય સાથેનાં કાવ્યો એમણે આપ્યાં 'ખંડિતકાંડ અને પછી' કાવ્યસંગ્રહમાં કંઈક નવું જ આપવાના પડકાર દિલીપ ઝવેરીએ સાહજિકતાથી ઝીલ્યા છે. આ બે સંગ્રહ પછી એમના કાવ્ય સંગ્રહ આવ્યા 'કવિતા વિશે કવિતા' અને 'ભગવાનની વાતો'
કવિ દિલીપ ઝવેરી
કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક 'ભગવાનની વાતો' ને મળ્યું છે.જાણીતા સર્જક રાજેશ પંડ્યાએ એના વિશે લખ્યું છે,' આ કાવ્યોમાં બાળકનું વિસ્મય છે, સંતની સમતા છે, જ્ઞાનીનું ડહાપણ છે ને કવિનું હૃદય છે.'
ગુજરાતી અગાઉ આ કાવ્યસંગ્રહ 'ટેલ્સ ઑફ ગૉડ' નામે અંગ્રેજીમાં પ્રકાશિત થયો છે. ઝરૂખો તથા ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં કવિ દિલીપ ઝવેરી 'ભગવાનની વાતો' નાં કાવ્યોનું પઠન કરશે તથા હાજર અન્ય કવિઓ અને ભાવકો સાથે ગોષ્ઠિ પણ કરશે.
સાહિત્ય અકાદેમી દ્વારા પુરસ્કૃત અગ્રણી કવિશ્રી દિલીપ ઝવેરીનો ચોથો કાવ્યસંગ્રહ 'ભગવાનની વાતો'
પ્રકાશન વર્ષ : ૨૦૨૧, પૃષ્ઠ : ૭૨
મૂલ્ય : વાચકની ઇચ્છા
પ્રાપ્તિસ્થાન: બીજલ પ્રકાશન, વડોદરા (મો. ૭૦ ૪૩૩ ૮૩ ૦૦૪ / ૯૭ ૨૬૦ ૬૮ ૪૪૭)
કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે. ૧૯ એપ્રિલ શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે આ કાર્યક્રમ સાઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે. ઝરૂખો તથા ગુજરાતી સાહિત્ય પરિષદ આયોજિત પ્રગતિ મિત્ર મંડળ વ્યાખ્યાનમાળાનું આ સંયુક્ત આયોજન છે. સાઈલીલા વૅલ્ફેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રીઓએ સર્વને જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.