
આજે તા.૧૦ મે ૨૦૨૫ની લેખિનીની માસિક સભા અમારાં સહુ માટે ખાસ બની રહી. આજના અજેન્ડામાં, વિષય હતો, સ્વરચિત વાર્તા પઠનનો અને લેખિનીની કાર્યકારી સમિતિની બે સુજ્ઞ સખીઓ, વર્ષાબહેન તન્ના અને કામિનીબહેન મહેતાએ મળીને લખેલી નવલકથા 'ઝંખના એક ક્ષણની' પુસ્તકનાં લોકાર્પણનો. જે આદરણીય કનુભાઈ અને ડૉ.સુશીલાબહેનનાં હસ્તે સંપન્ન થયું તેનો આનંદ. તદ્ઉપરાંત આજની સભા વિશિષ્ટ એ માટે રહી કારણ કે આદરણીય કનુભાઈ તેમ જ ડૉ.સુશીલાબહેનના વરદ હસ્તે લેખિની સંસ્થા-મુંબઈના પ્રાણ સમાન સહુનાં લાડીલાં પ્રીતિબહેનનું બહુમાન કરવામાં આવ્યું.
આ સુખદ ઘટનાનાં સાક્ષી બનનાર અમ સહુના ચહેરાનો રાજીપો શબ્દાતીત હતો. પ્રીતિબહેન એટલે લેખિની અને લેખિનીનું નામ લેતા પ્રીતિબહેનનો ચહેરો જ નજર સમક્ષ તરવરી ઉઠે એટલી હદે તેઓ સંસ્થાને સમર્પિત છે. સહુને સાથે લઈને ચાલનારાં પ્રીતિબહેન લેખિનીઓનાં પ્રેરણાસ્રોત બનતાં રહ્યાં છે. કોઈએ ઓછું લખ્યું, સારું લખ્યું કે મધ્યમ લખ્યું હોય બસ કલમની ધાર નીકળતી રહે એ રીતે સહુને પ્રોત્સાહિત કરતાં રહે છે.
કનુભાઈએ પ્રીતિબહેનની કર્તવ્યનિષ્ઠતાને બિરદાવતા કહ્યું કે એમને જ્યારે જ્યારે જે પણ જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ત્યારે તેઓ શતપ્રતિશત પાર ઉતર્યાં છે. સાહિત્ય સંસદની હોય, લેખિની સંસ્થાની હોય, પારિવારિક હોય કે અન્ય કોઈપણ, તેઓએ દરેક ફરજ સારી રીતે નિભાવી છે. પ્રીતિબહેનના કહેવા પ્રમાણે આદરણીય કનુભાઈ અને સુશીલાબહેન તો તેમનાં દત્તક માવતર છે. ત્યાં પણ દીકરી તરીકેની ફરજ બજાવવામાં ઊણાં નથી ઉતર્યાં. આવો મોકો જવલ્લેજ મળે કે આપણી ગમતી વ્યક્તિને પોંખાતી જોઈ શકીએ. આ પ્રસંગે આભાર વિધિ કામિનીબહેન મહેતાએ કરી અને સભાનું સમાપન કર્યું હતું. ડો.સુશીલાબહેને કહ્યું કે હું બે શબ્દ બોલીશ નહીં પણ લખીને આપીશ. અમે તેની રાહમાં... અંતે સેવપુરી, પેંડા અને ચા-કૉફીને ન્યાય આપી ફરીને મળવા માટે વિદાય તો લેવી જ પડી...
(અહેવાલ - મીનાક્ષી વખારિયા)