ઝેપ્ટોના આઇપીઓની તૈયારી શરૂ, આઇટી ઇન્ડેક્સ ટૉપ ગેઇનર, ડિફેન્સ શૅરોમાં થોડું પ્રૉફિટ બુકિંગ, NSEના ૧૨૪ ઇન્ડેક્સમાંથી ૧૦૦માં ઘટાડો
પ્રતીકાત્મક તસવીર
27 માર્ચ ગુરુવારે પૂરા થનારા માર્ચ એફઍન્ડઓ વલણ પૂર્વેની ચંચળતા બજારે મંગળવારે અનુભવી હતી. સોમવારે ઇન્ડિયા વીક્સમાં નવેક ટકાનો ઉછાળો આવ્યા પછી મંગળવારે બજારે અમુક અંશે રંગ બદલ્યો હતો. એનએસઈના માત્ર 24 ઇન્ડેક્સો જ ઝીરોથી 1.32 ટકાના પ્રમાણમાં વધીને બંધ રહ્યા એની સામે 124માંથી બાકીના 100 ઇન્ડેક્સો શૂન્યથી અઢી ટકા જેટલા ઘટ્યા હતા. જે પાંચ ઇન્ડેક્સો પર એફઍન્ડઓમાં સોદા થાય છે એમાંથી સૌથી વધુ નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ 1.47 ટકા ઘટી 62,703 અને નિફ્ટી મિડકૅપ સિલેક્ટ એક ટકો તૂટી 11,581.40 બંધ હતા. તદુપરાંત નિફ્ટી બૅન્ક 0.19 ટકા ડાઉન થઈ 51,607.95 બંધ હતો. જોકે નિફ્ટી નગણ્ય 0.04 ટકા સુધરી 23,668.65 અને નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસ ઇન્ડેક્સ 25,297.35નો નવો બાવન સપ્તાહનો હાઈ ઇન્ટ્રા ડેમાં બનાવ્યા પછી 0.11 ટકા સુધરી 25,086ના સ્તરે વિરમ્યા હતા. ઍડ્વાન્સ ડિક્લાઇને ભારે પલટી મારતાં એનએસઈ ખાતે 2998 ટ્રેડેટ શૅરોમાંથી 2258 ઘટીને બંધ રહ્યા હતા. એ જ રીતે બાવન સપ્તાહના નવા હાઈ 30ની તુલનાએ નવા લૉની સંખ્યા 96 અને ઉપલી સર્કિટે 105 શૅરોની સામે નીચલી સર્કિટે 157 શૅરો પહોંચ્યા હોવાથી સતત છ દિવસથી જોવા મળેલા સુધારાના વલણને બ્રેક લાગી હોવાનું પ્રતીત થતું હતું. નબળાઈનો પુરાવો સેન્સેક્સે 77,984ના પ્રીવિયસ બંધ સામે 78,296 ખૂલી વધીને 78,741 સુધી જઈ આવી, ત્યાંથી હજારેક પૉઇન્ટ ઘટીને 77,745નું લૉ બનાવી છેલ્લે 0.04 ટકાના નજીવા ગેઇને 78,017.19ના સ્તરે બંધ રહીને આપ્યો હતો. ઇન્ટ્રા ડે હજાર પૉઇન્ટ્સના ઘટાડા પાછળ સૌથી મોટું કારણ ઊંચા લેવલે પ્રૉફિટ બુકિંગનું દેખાય છે. એ પ્રૉફિટ બુકિંગ માટે ટ્રમ્પ ટૅરિફની બીજી એપ્રિલ સુધી માથે ઝળુંબતી અનિશ્ચિતતા વચ્ચે થયો એટલો નફો ગાંઠે બાંધવાની વૃત્તિ દેખાતી હતી. હૉન્ગકૉન્ગનો હૅન્ગસૅન્ગ ટેક ઇન્ડેક્સ મંગળવારે લગભગ 3 ટકા ઘટ્યો હોવાથી પણ આપણા બજારમાં સેન્ટિમેન્ટ ખરડાયું હતું. જોકે એનએસઈનો આઇટી ઇન્ડેક્સ સૌથી વધુ 1.32 ટકા સુધરી 37,706.90 બંધ રહ્યો હતો. નિફ્ટી પ્રીવિયસ ક્લોઝ 23,658 સામે 23,751 ખૂલી વધીને 23,869 અને ઘટીને 23,601 થયા બાદ છેલ્લે માત્ર 10 પૉઇન્ટ્સ, 0.04 ટકા સુધરી 23,668ના સ્તરે બંધ હતો. 50માંથી 16 શૅરો વધ્યા હતા. સાત શૅરો બાવન સપ્તાહની ઊચી સપાટીથી 2 ટકા સુધીના ડિસ્ટન્સ પર હતા. એમાં ભારતી ઍરટેલ 1727 રૂપિયા, જેએસડબ્લ્યુ સ્ટીલ 1059 રૂપિયા, આઇસીઆઇસીઆઇ બૅન્ક 1341 રૂપિયા, બજાજ ફાઇનૅન્સ 9040 રૂપિયા, બજાજ ફિનસર્વ 1935 રૂપિયા, એચડીએફસી બૅન્ક 1816 રૂપિયા, આઇશર મોટર્સ 5419 રૂપિયા, કોટક બૅન્ક 2171 રૂપિયાનો સમાવેશ થાય છે. સામે પક્ષે બજાર આટલું સુધર્યું હોવા છતાં બાવન સપ્તાહના બૉટમથી બે ટકાની રેન્જમાં હોય એવા નિફ્ટી શૅરો પણ છે. આ યાદીમાં હિરો મોટોકૉર્પ 3630 રૂપિયા, આઇટીસી 409 રૂપિયા, ટાઇટન 3048 રૂપિયા અને ઇન્ડસઇન્ડ બૅન્ક 635 રૂપિયા આવે છે. નિફ્ટીમાં ટૉપ 5 લુઝર્સમાં ઇન્ડસઇન્ડ બૅન્ક 5.12 ટકા તૂટ્યો હતો.
બૅન્કની હિસાબી વિસંગતતાઓ પરનો અહેવાલ એક્સટર્નલ ઓડિટર પીડબ્લ્યુસી 28 માર્ચ સુધીમાં આપી દેશે. ડૉ. રેડ્ડીઝ ત્રણ ટકા ઘટી 1173 રૂપિયા, અદાણી એન્ટરપ્રાઇસ બે ટકા ઘટી 2319 રૂપિયા, કોલ ઇન્ડિયા બે ટકાના નુકસાને 397 રૂપિયા અને અદાણી પોર્ટ્સ પોણાબે ટકા ડાઉન થઈ 1179 રૂપિયાના લેવલે વિરમ્યા હતા. નિફ્ટીમાં વધનારા શૅરોમાં 3.21 ટકા વધી અલ્ટ્રાટેક સિમેન્ટ 11,406 રૂપિયા થયો એની તથા અઢી ટકા સુધરી ટ્રેન્ટ 5183 રૂપિયા થઈ ગયો એની નોંધ લેવી ઘટે. નિફ્ટી નેક્સ્ટ 50માં ઝોમાટો 5.66 ટકા તૂટી 210 રૂપિયા, જેએસડબ્લ્યુ એનર્જી અને અદાણી ગ્રીન બન્ને પોણાચાર ટકાના ઘટાડે અનુક્રમે 553 અને 918 રૂપિયા, કૅનેરા બૅન્ક 3.87 ટકાના લોસે 88.16 રૂપિયા અને યુનિયન બૅન્ક 3.38 ટકા ઘટી 123.15 રૂપિયાના સ્તરે બંધ હતા. નિફ્ટી મિડકૅપ સિલેક્ટનો ડિક્સન ટેક્નૉલૉજી સાત ટકાના ગાબડાએ 1040 રૂપિયા પર આવી ગયો હતો. ક્યુમિન્સ ઇન્ડિયા 3.12 ટકા ઘટી 2960 રૂપિયા, ઇન્ડસઇન્ડ 2.88 ટકાના ઘટાડે 339 રૂપિયા, આઇડિયા 2.72 ટકાના લોસે 7.14 રૂપિયા તેમ જ ગોદરેજ પ્રૉપર્ટીઝ 2.61 ટકાના નુકસાને 2132 રૂપિયા બંધ હતા. સપ્ટેમ્બર 2024 પછી પહેલી વાર સતત છ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી સુધર્યા પછી સાતમા દિવસે નગણ્ય સુધારા સાથે ઠેરના ઠેર હતા. નિફ્ટી ફાઇનૅન્શ્યલનો એમસીએક્સ સાડાચાર ટકા તૂટી 5148 રૂપિયા બંધ હતો. નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ મંગળવારે 1.83 ટકા ઘટી 6342 રૂપિયા થયો હતો. આ ઇન્ડેક્સના બે શૅરો 5થી 6 ટકા વચ્ચે, 3 શૅરો 4થી 5 ટકા વચ્ચે અને ત્રણ શૅરો 3થી 4 ટકાના પ્રમાણમાં ઘટીને બંધ હતા. આ ઇન્ડેક્સનો ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ જોકે સોમવારે ઑર્ડરના ન્યુઝ આવ્યા પછી મંગળવારે 1711 રૂપિયાના સ્તરે ટકેલો હતો.
ADVERTISEMENT
ફૂડ ડિલિવરીની કહાણીમાં ટ્વિસ્ટ, ઝોમાટોનાં વળતાં પાણી
ફૂડ ડિલિવરી કંપની ઝેપ્ટો સેકન્ડરી શૅર વેચાણ દ્વારા 250 મિલ્યન ડૉલર એકત્ર કરવાની યોજના બનાવી રહી હોવાના અહેવાલના પગલે ઝોમાટો અને સ્વિગીના શૅરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઝોમાટોના શૅરમાં 6-7 ટકા અને સ્વિગીના શૅરમાં ચારેક ટકાનો ઘટાડો થતાં 16 હજાર કરોડ રૂપિયાનું નુકસાન બન્નેના એકત્રિત માર્કેટકૅપમાં થયું હતં. ઑનલાઇન મીડિયામાં આવેલા અહેવાલ અનુસાર આ બે કંપનીની હરીફ ઝેપ્ટો આઇપીઓ પહેલાં સેકન્ડરી શૅર વેચાણ દ્વારા 250 મિલ્યન ડૉલર એકત્ર કરવા માટે વાટાઘાટો કરી રહી છે. એકલા ઝોમાટોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 12,500 કરોડ રૂપિયાના પ્રમાણમાં ધોવાણું હતું. એનએસઈ પર ઝોમાટોના શૅર 5.66 ટકા ઘટીને 210.20 રૂપિયાના સ્તરે અને સ્વિગીનો શૅર 4.69 ટકા ડાઉન થઈ 334.95 રૂપિયા પર બંધ હતા. પ્રાપ્ત અહેવાલ મુજબ બે ઇન્ટમીડિયરીઝના પ્રાઇવેટ ઇક્વિટી વિભાગો બૅન્ગલોર સ્થિત સ્ટાર્ટઅપ ઝેપ્ટો સાથે સેકન્ડરી શૅર વેચાણ માટે વાટાઘાટો કરી રહ્યા છે, જેથી પ્રસ્તાવિત આઇપીઓ પહેલાં કંપનીમાં સ્થાનિક માલિકી વધારી શકાય. હાલમાં, ભારતીય શૅરધારકો કંપનીનો લગભગ 33 ટકા હિસ્સો ધરાવે છે જેમાં સ્થાપકો આદિત પાલિચા અને કૈવલ્ય વોહરા કંપનીના લગભગ પાંચમા ભાગની માલિકી ધરાવે છે.
દરમ્યાન દલાલ સ્ટ્રીટ પર 390 રૂપિયાની ઑફર કિંમતે ડેબ્યુ કરનાર સ્વિગી એક મહિનાની અંદર 597.45 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ ત્યારથી એ ટોચથી 44 ટકા નીચે આવી ગયો છે. એવી જ રીતે ઝોમાટોએ પણ તુલનાત્મક વલણનો અનુભવ કર્યો - જુલાઈ 2021માં 76 રૂપિયા પર લિસ્ટિંગ થયા પછી, નવેમ્બર 2021માં શૅર 160.30 રૂપિયા સુધી વધીને 41.65 રૂપિયા પર તળિયે ગયો. જોકે નોંધપાત્ર રિકવરીના પગલે ઝોમાટોનું મૂડીકરણ હવે બે લાખ કરોડ રૂપિયાના આંકને વટાવી ગયું છે.
એફઍન્ડઓમાં સોદાવાળા પાંચ ઇન્ડેક્સમાં ન હોય એવા આ એફઍન્ડઓ શૅરો ઘટ્યા
ઍન્જલ 3.09 ટકા 2301 રૂપિયા, કેમ્સ 4.06 ટકા 3657 રૂપિયા, હિમાચલ ફ્યુચરિસ્ટિક 4.34 ટકા 81.25 રૂપિયા, કલ્યાણ જ્વેલર્સ 4.22 ટકા 469 રૂપિયા, કેપીઆઇટી ટેક્નૉલૉજીઝ 3.01 ટકા 1342 રૂપિયા, નૅશનલ ઍલ્યુમિનિયમ 3.41 ટકા 180 રૂપિયા, પીબી ફિનટેક 4.04 ટકા 1609 રૂપિયા, પીરામલ એન્ટરપ્રાઇઝિસ 3.12 ટકા 990 રૂપિયા અને એસજેવીએન 3.54 ટકા 93.50 રૂપિયા.
માર્કેટ કૅપિટલાઇઝેશનમાં ૪ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો
એનએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 412.35 (415.65) લાખ કરોડ રૂપિયા અને બીએસઈ લિસ્ટેડ શૅરોનું 414.95 (418.29) લાખ કરોડ રૂપિયા થતાં મંગળવારે રોકાણકારોની સંપત્તિમાં 4 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો.
FII લેવાલ, DII વેચવાલ
શુક્રવારે FIIની 5371 કરોડ રૂપિયાની નેટ લેવાલી સામે DIIની નેટ 2768 કરોડ રૂપિયાની વેચવાલી રહેતાં કૅશ સેગમેન્ટમાં એકંદરે 2603 કરોડ રૂપિયાની નેટ લેવાલી જોવા મળી હતી.

