ધૂંધવાયેલી પ્રેમિકા કોર્ટ-મૅરેજનાં કાગળિયાં લઈને પોલીસમાં ફરિયાદ નોંધાવી આવી. એ પછી આરોપી યુવક અને તેના પરિવારજનો ક્યાંક ફરાર થઈ ગયા છે.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI
ગોરખપુરમાં એક યુવકે એક જ દિવસમાં બબ્બે લગ્ન કર્યાં હતાં. એક પોતાની પ્રેમિકા સાથે અને બીજાં લગ્ન ઘરવાળાઓની પસંદગીની દુલ્હન સાથે. આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે કોર્ટ-મૅરેજ કરનાર પ્રેમિકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. આ યુવતીએ ફરિયાદ કરી કે ‘હું એ યુવક સાથે ચાર વર્ષથી લિવ-ઇનમાં રહેતી હતી અને તેણે મંદિરમાં લગ્નની વિધિ પણ કરી હતી. મેં બે વાર ગર્ભપાત પણ કરાવ્યો છે.’ જોકે યુવકના ઘરવાળા તેને બીજી કન્યા સાથે લગ્ન કરવા મજબૂર કરી રહ્યા હતા એ વાતની યુવતીને ખબર પડતાં તેણે લગ્ન માટે પ્રેશર કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો યુવક ટાળતો રહ્યો, પણ લગ્નનો દિવસ નજીક આવતાં આ યુવતી કોઈ નાટક ન કરે એ માટે તેણે કોર્ટ-મૅરેજનો કારસો રચ્યો. તેણે પોતાનાં અરેન્જ્ડ મૅરેજ માટેની જે તારીખ હતી એ જ દિવસે સવારે પ્રેમિકાને ફૅમિલી કોર્ટમાં બોલાવીને તેની સાથે મૅરેજ રજિસ્ટર કરાવ્યાં અને સમય આવ્યે ઘરે જાણ કરીશું એવું નક્કી કરીને બન્ને પોતપોતાના ઘરે જતાં રહ્યાં. બીજી તરફ યુવકે ઘરે આવીને કોઈનેય કશું કહ્યા વિના અરેન્જ્ડ મૅરેજ પણ કરી લીધાં અને દુલ્હનને ઘરે લઈ આવ્યો. એ પછી તેણે પ્રેમિકાના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. ધૂંધવાયેલી પ્રેમિકા કોર્ટ-મૅરેજનાં કાગળિયાં લઈને પોલીસમાં ફરિયાદ નોંધાવી આવી. એ પછી આરોપી યુવક અને તેના પરિવારજનો ક્યાંક ફરાર થઈ ગયા છે.

