Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > AIના ભયથી IT કંપનીઓના સ્ટૉક્સ તૂટ્યા અને રોકાણકારોની મૂડી તૂટી

AIના ભયથી IT કંપનીઓના સ્ટૉક્સ તૂટ્યા અને રોકાણકારોની મૂડી તૂટી

Published : 16 February, 2026 07:47 AM | IST | Mumbai
Jayesh Chitalia

દેશનાં વિકાસલક્ષી આર્થિક ફન્ડામેન્ટલ્સ વચ્ચે વારંવાર સેન્ટિમેન્ટ બગાડતા ગ્લોબલ સંજોગો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


બજેટ, રિઝર્વ બૅન્કની પૉલિસી અને અમેરિકા વેપાર-કરારના મામલે બધું સરખું ચાલી રહ્યું હતું ત્યાં માર્કેટને AIનો પાવરફુલ ઝટકો લાગ્યો, AI પ્રેરિત ઑટોમેશન IT કંપનીઓનાં કામકાજને ભારે અસર કરશે એવા વેગીલા ભયને લીધે અમેરિકા, એશિયન અને ભારતીય શૅરબજારમાં AI સ્ટૉક્સ-ઇન્ડેક્સ તૂટ્યા હતા. નવા સપ્તાહમાં સુધારાની-રિકવરીની આશા રહેશે; જોકે કરેક્શનનો ભય પણ લટકતો રહી શકે

એક તરફ ગ્લોબલ સ્તરે વિવિધ અનિશ્ચિતતાઓ પ્રવર્તી રહી છે તેમ જ ઊભરતી રહી છે ત્યારે પણ ભારતીય અર્થંતંત્રના વિકાસને ધ્યાનમાં રાખીને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સંસ્થા મૉર્ગન સ્ટૅનલીએ કહ્યું છે કે સેન્સેક્સ આ જ વર્ષના અંત સુધીમાં એક લાખને પાર કરી જશે. આ માટે તેણે બજેટને, રિઝર્વ બૅન્કના પગલાને અને અમેરિકા-ભારતના ઇન્ટરિમ કરારને કારણ ગણાવ્યાં છે. ગયા સોમવારે બજારે એની પૉઝિટિવ ગતિ હાંસલ કરી હોવાનું કારણ પણ એ જ હતાં જે મૉર્ગન સ્ટૅનલીને લાગ્યાં છે. જોકે આમ જોવા જઈએ તો ૮૪,૦૦૦થી ૮૫,૦૦૦ આસપાસ વિહરતા સેન્સેક્સને એક લાખ ઉપર પહોંચવા માટે ૧૫,૦૦૦થી વધુ પૉઇન્ટની સફર કરવી પડે જે આસાન નથી. આ સફરમાં ક્યાંક ભારે કરેક્શનનું અથવા વૉલેટિલિટીનું સફરિંગ પણ આવી શકે. એમ છતાં આશાવાદ ઊંચો છે જે ૨૦૨૭માં પણ પૂર્ણ થઈ જાય તો ખોટું નથી.



શૅરબજાર સામેના સંજોગોમાં હાલ મહદંશે બદલાવ આવ્યો છે. એમાં અમેરિકાનું પરિબળ મૂળમાં છે, એને કારણે ફૉરેન ઇન્વેસ્ટર્સના સતત નેટ-સેલર્સ થઈ ગયા હતા. સેન્ટિમેન્ટ નબળું પડ્યું હતું, અનિશ્ચિતતા સતત માથે રહી હતી, જિયોપૉલિટિકલ જોખમો પણ લટકતાં હતાં જે હાલ ઓછાં થયાં છે. રશિયા-યુક્રેન, અમેરિકા-વેનેઝુએલા, ઈરાન વગેરે તનાવ હાલ ઠંડા પડ્યા હોવાનું જણાય છે. અમેરિકા ભારત સાથેના વેપાર-કરાર બાબતે ક્યાંક કૂણું પડ્યું છે. જોકે એમાં ગમે ત્યારે આંચકા આવવાની શક્યતા નકારી શકાય નહીં. એથી રોકાણકારોએ વૉલેટિલિટી માટે તૈયાર રહેવું પડે. વિશ્વબજારમાં નિકાસ ક્ષેત્રે હરીફાઈ વધવાની શક્યતા છે. અલબત્ત, ભારત એમાં અન્યની તુલનાએ ક્યાંક બહેતર સ્થિતિમાં દેખાય છે. ભારતને વિરાટ બજારનો અને મૅનપાવર તેમ જ ટૅલન્ટનો લાભ મળવાની આશા ઊંચી છે, જ્યારે કે સૌથી મોટો આધાર રિફૉર્મ્સનાં પગલાં અને એનું સાતત્ય છે.


મૉર્ગન સ્ટૅનલીનો ભારત માટે આશાવાદ

મૉર્ગન સ્ટૅનલીના મતે ભારત ગ્રોથ તરફ આગળ વધે એવા સંજોગો ઊજળા છે. રિઝર્વ બૅન્કે પણ આવો જ સંકેત એની પૉલિસીમાં આપ્યો છે. સરકારના આર્થિક સુધારાનાં પગલાં પણ એનું ઈંધણ પૂરું પાડી રહ્યાં છે. FII આ વર્ષે ખરીદી તરફ આકર્ષાય એવા સંકેત પણ આવતા જાય છે. નિકાસ મોરચે બાજી સુધરવાની આશા ઊંચી ગઈ છે, જેમાં અમેરિકા ઉપરાંત યુરોપિયન યુનિયન પણ છે; અન્ય દેશો પણ ખરા. કંપનીઓની આવક વધવાનાં એંધાણ પણ બહાર આવતાં જાય છે. ખરેખર તો બજાર માટે અચ્છે દિન નવેસરથી શરૂ થયા હોવાનો મત ફેલાતો જાય છે. મૉર્ગન સ્ટૅનલીની એક વાત એ પણ નોંધવી રહી કે બજાર જો કોઈ કારણસર મંદીમાં ઊતરી ગયું તો સેન્સેક્સ ૧૦,૦૦૦ પૉઇન્ટ નીચે પણ ઊતરી શકે. જેથી માર્કેટના સંજોગો-સંકેતો અને ગ્લોબલ સિનારિયોને જોતા રહેવું પડે.


યુરોપિયન કંપનીઓની લિસ્ટિંગ માટે નજર

અર્થતંત્ર અને બજારને લાંબા ગાળા માટે સમજવું હોય તો હાલમાં આકાર લઈ રહેલી ઘટનાઓ જોતા રહેવું પડે. વેપાર-કરાર બાદ યુરોપિયન યુનિયન ભારતમાં વધુ રસ લેતું થશે એવા અહેવાલના ભાગરૂપ ઘણી યુરોપિયન કંપનીઓ તેમની સબસિડિયરીઝનું ભારતમાં લિસ્ટિંગ મેળવવા સજજ થઈ રહી છે. પ્રાઇમરી માર્કેટનાં સાધનોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ કેટલીક યુરોપિયન ઇન્ડસ્ટ્રિયલ કંપનીઓ ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO) લાવવા માટેની પ્રોસેસમાં છે. આ કંપનીઓ ઑટો પાર્ટ્‍સ, સ્પેશ્યલિટી કેમિકલ્સ, કલિન એનર્જી વગેરે જેવાં સેક્ટર્સમાં સક્રિય છે. આ કંપનીઓ નિયમન સંસ્થા SEBIમાં પેપર્સ ફાઇલ કરવાની તૈયારીમાં છે. કહેવાય છે કે આ વિદેશી કંપનીઓને ભારતમાં ઊંચા વૅલ્યુએશન સાથે વિશાળ બિઝનેસ-તકો મળવાની ઉમ્મીદ રહે છે. આવા તો અનેકવિધ સંકેતો જ નહીં, હકીકતો પણ આકાર પામી રહી છે. એના અમલીકરણને સમય લાગશે, પરંતુ લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે વર્તમાનમાં ભાવિને જોઈ-સમજી લેવાનું મહત્ત્વનું હોય છે.    

ન્યુ એજ કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફન્ડ્સ

તાજેતરમાં એક નોંધવા જેવી બાબત અભ્યાસમાંથી બહાર આવી કે મ્યુચ્યુઅલ ફન્ડ્સનું રોકાણ આશરે ૨૪ જેટલી ન્યુ એજ કંપનીઓમાં વધી ગયું છે. મ્યુચ્યુઅલ ફન્ડ્સનું રોકાણ એક વર્ષ અગાઉ ૯૫,૦૦૦ કરોડ રૂપિયા હતું એ હાલ ૧.૭૭ લાખ કરોડ રૂપિયા આસપાસ પહોંચી ગયું છે. આમાં હાલ કમાણી થઈ હોય તો ભાવિમાં જોખમ પણ રહેશે, કારણ કે આ ન્યુ એજ કંનીઓમાંથી બધી જ સફળતાના ઊંચા શિખરે લાંબો સમય રહી શકશે નહીં. એમના સ્ટૉક્સના ભાવ નીચે આવશે ખરા.

AIના આંચકા અને માર્કેટનાં ગાબડાં દરમ્યાન ગુરુવારે અને શુક્રવારે માર્કેટે ફરી ભારે કરેક્શનના દુઃખદર્શન કરાવ્યાં હતાં. કંઈક અંશે પ્રૉફિટ-બુકિંગ હતું અને અમેરિકા-કરારનો ઉત્સાહ ઠંડો પડ્યો હતો તેમ જ કેટલીક શંકા પણ ચર્ચામાં આવી હતી. ખાસ કરીને AI સ્ટૉક્સમાં મોટાં ગાબડાં પડ્યાં હતાં, ગ્લોબલ સંકેતો નેગેટિવ આવ્યા હતા. અમેરિકા અને એશિયન માર્કેટમાં પણ ધોવાણ હતું. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નું ઑટોમેશન AI કંપનીઓનો બિઝનેસ બગાડી નાખશે એવો ભય AI કંપનીઓ પર સતત છવાતો જાય છે, એની અસરે અમેરિકન એક્સચેન્જ નૅસ્ડૅક AI ઇન્ડેક્સ પણ તૂટ્યો હતો. ભારતીય નિફ્ટી AI ઇન્ડેક્સ પણ ભારે નીચે ગયો હતો. ઇન્ફોસિસ, TCS અને HCL ટેક કંપનીઓના સ્ટૉક્સમાં મોટાં ગાબડાં પડ્યાં હતાં. રૂપિયાની હાલત પણ બગડી અને વૉલેટિલિટી પણ વધી હતી. સેન્સેક્સ હજારેક પૉઇન્ટ અને નિફ્ટી ૩૦૦ જેટલા પૉઇન્ટના કડાકાનાં દર્શન કરાવી ગયા હતા.

ઇક્વિટી સામે ગોલ્ડ ઈટીએફનું આકર્ષણ

સોના-ચાંદીના રોકાણકારોએ હાલ એક બાબત ધ્યાનમાં લેવી જોઈશે કે એના ભાવોના ઊભરા-ઉછાળા શાંત પડી ગયા છે, એણે આંચકા પણ આપ્યા હતા જેથી સાવચેતી જરૂરી બનશે. આ સ્પેક્યુલેટિવ ઍસેટ્સ છે અને એમાં વૈશ્વિક ધોરણે પણ સટ્ટાકીય પ્રવૃત્તિ ચાલતી રહેતી હોય છે, પરંતુ હાલ બની એવું રહ્યું છે કે રોકાણકારો મ્યુચ્યુઅલ ફન્ડ્સના માર્ગે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ઈટીએફ)માં વધુ ને વધુ રોકાણ કરતા થયા છે. ફિઝિકલ ગોલ્ડ કરતાં ઈટીએફનું માધ્યમ માફક આવવા લાગ્યું છે. ગોલ્ડ ઉપરાંત સિલ્વર ઈટીએફનું આકર્ષણ એવું વધ્યું છે કે જાન્યુઆરી ૨૦૨૬માં આ બન્ને ઈટીએફમાં  ૩૩,૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ જમા થયું છે જે અગાઉના મહિને એટલે કે ડિસેમ્બર ૨૦૨૫માં ૧૫,૬૦૦ કરોડ રૂપિયા થયું હતું. જાન્યુઆરીમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં ૨૪,૦૦૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ જમા થયું હતું જે દર્શાવે છે કે રોકાણપ્રવાહ ગોલ્ડ અને ઇક્વિટીમાં સમાન સ્તરે આવ્યા છે. આ મામલે રોકાણકારોએ એ યાદ રાખવું જોઈશે કે આમાં ઓવર એક્સપોઝર થઈ જાય નહીં. ઈટીએફ સારું સાધન છે, એને કારણે બજારમાં પ્રવાહિતા મળે છે, પરંતુ આદર્શ પોર્ટફોલિયોમાં સોના-ચાંદીનું રોકાણ ૧૦ ટકાથી વધુ હોય નહીં. હાલ વૈશ્વિક સંજોગો આ બન્ને ઍસેટ્સને વેગ આપી એના ભાવો ઊંચા લઈ જઈ રહ્યા છે. 

મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત

રીટેલ ઇન્ફ્લેશન રેટ આ જાન્યુઆરીમાં પણ નીચો રહ્યો છે જે ગ્રોથ માટે સારી નિશાની છે. 
રેલવે બોર્ડ, નૅશનલ હાઇવે ઑથોરિટીઝ સહિતની ૪ વિરાટ હસ્તીઓ અને અગ્રણી જાહેર સાહસો એના મૂડીખર્ચની ગતિને જાળવી રાખવા કટિબદ્ધ છે. 
SEBI ભારતીય માર્કેટને સ્પર્ધામાં સક્ષમ બનાવવા માટે કમ્પ્લાયન્સ કૉસ્ટ નીચે લાવવાની યોજના ઘડી રહ્યું છે.

વિશેષ ટિપ

બિગ અને હેવી કરેક્શનને સ્માર્ટ ઇન્વેસ્ટર્સ ખરીદીની તક બનાવતા હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

16 February, 2026 07:47 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK