વિદ્યાવિહારનો ધ્રુમિલ પટેલ હૉસ્પિટલમાં ૧૦ દિવસ ઝઝૂમીને મોત સામેનો જંગ હાર્યો
ધ્રુમિલ પટેલ અને તેની પત્ની મીનળ
પાંચમી ફેબ્રુઆરીએ રાતના ૧૦.૪૫ વાગ્યે તિલકનગર ટર્મિનસથી ઘાટકોપર તરફ બાઇક પર જઈ રહેલા વિદ્યાવિહાર-ઈસ્ટના પટેલ દંપતીને ફુલ સ્પીડમાં તિલકનગર તરફ જઈ રહેલી કારે ઉડાડી દીધું હતું. એને કારણે ધ્રુમિલ પટેલ અને મીનળ પટેલ જખમી થયાં હતાં. ગઈ કાલે ૧૦ દિવસ સુધી જીવનમરણ વચ્ચે વેન્ટિલેટર પર ઘાટકોપર-વેસ્ટની ઝાયનોવા હૉસ્પિટલમાં ઝોલાં ખાઈ રહેલા ધ્રુમિલ પટેલનું અવસાન થયું હતું. એને કારણે ધ્રુમિલની મમ્મીએ તેમના જીવનના એકના એક સહારાને ગુમાવ્યો હતો. આ સમાચારથી ઘાટકોપરના પટેલ અને ગુજરાતી સમાજમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
ધ્રુમિલનાં મમ્મી આ સમાચારથી સુન્ન બની ગયાં છે એમ જણાવતાં ધ્રુમિલ અને મીનળની નજીકના એક મિત્રે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કારની ટક્કર એટલી બધી જોરદાર હતી કે ધ્રુમિલ અને મીનળ ૫૦ ફુટ ઊંચે ઊછળીને જમીન પર પટકાયાં હતાં. કાર અને બાઇક બન્નેના ફુરચા ઊડી ગયા હતા. મીનળને પ્રાઇવેટ પાર્ટમાં જોરદાર માર લાગ્યો છે. આમ છતાં પોલીસ તરફથી હોતા હૈ ચલતા હૈની જેમ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈ કાલના ધ્રુમિલના અવસાન પછી પણ ઊંચી પહોંચ ધરાવતા પિતાના પુત્ર ઉત્તમ પટેલ પર કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. કાયદા મુજબ સગીર વયનું સંતાન ગુનો કરે તો તેના પિતા પર પણ કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવે છે, પણ આ કેસમાં એકના એક પુત્રની માતાને ન્યાય મળશે કે નહીં એના પર શંકા જાગે છે.’


