મેટલ, ટેલિકૉમ તથા પાવર ઇન્ડેક્સમાં નવાં શિખર : કૅપિટલ ગુડ્સ નવી ટોચે જઈને ૨૫૪૦ પૉઇન્ટ પ્લસ: નવી વિક્રમી સપાટી સાથે અદાણી પાવર માર્કેટકૅપમાં ઇન્ફોસિસથી આગળ થઈ ગઈ : વિશ્વબજારમાં ઍલ્યુમિનિયમના ભાવ ૪ વર્ષની ટોચે જતાં હિન્દાલ્કો નવા બેસ્ટ લેવલે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કી હાઇલાઇટ્સ
- સરકારના ડાઇવેસ્ટમેન્ટની ધારણા પાછળ LIC એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ બગડી
- જપાન, સાઉથ કોરિયા, તાઇવાન અને થાઇલૅન્ડ નવી ટૉપ સાથે સુધારામાં
- વેજોરામાં પંજાબીનું મસ્ત લિસ્ટિંગ
સેલ્ફ-ડિફેન્સની આડમાં અમેરિકા તરફથી ઈરાન પર થયેલા મિસાઇલ-હુમલા સામે અમે વળતો જવાબ આપીશું એમ કહીને ઈરાન બેસી રહ્યું છે. મામલો ગંભીર બન્યો નથી. સરવાળે ૧૦૦ ડૉલર વટાવી ગયેલું બ્રેન્ટ ક્રૂડ ૯૮ ડૉલરની અંદર આવી ગયું છે. શાંતિ-સમજૂતીના મામલે હોપ-ફૅક્ટર હજી અકબંધ છે એ એક સારી વાત કહી શકાય. હાજર સોનું ઘટીને ફરી એક વાર ૪૫૦૦ ડૉલરની નીચે ચાલી ગયું છે. ચાંદી બે ટકા ઘટીને ૭૫ ડૉલર છે. ઇન્ડસ્ટ્રિયલ મેટલમાં ઍલ્યુમિનિયમનો ભાવ લંડન ધાતુબજારમાં ટનદીન ૩૬૭૨ ડૉલરની ૪ વર્ષની ટોચે પહોંચ્યો છે. ચાઇનીઝ ઉત્પાદનમાં કાપ મુકાશે એવી ધારણા કામ કરી ગઈ છે. ડૉલર સામે રૂપિયો ઘટાડામાં આગલા દિવસે ૯૫.૬૯ બંધ થયા પછી ગઈ કાલે નીચામાં ૯૫.૮૦ થઈ ૯૫.૬૯ આસપાસ જોવાયો છે. નવા શિખરની હારમાળામાં ગઈ કાલે જપાન અડધો ટકો, સાઉથ કોરિયા સવાબે ટકા, તાઇવાન પોણાબે ટકા અને થાઇલૅન્ડ ૧.૧ ટકો વધીને બંધ થયું છે. ચાઇના સવા ટકા, હૉન્ગકૉન્ગ ૧.૧ ટકા અને સિંગાપોર નહીંવત્ નરમ હતું. યુરોપ ખાતે લંડન ફુત્સી રનિંગમાં નજીવા તો અન્ય બજાર પોણા ટકા જેવા સુધારામાં ચાલતાં હતાં.
ઘરઆંગણે આજે ગુરુવારે બજાર બંધ રહેવાનું છે. સેન્સેક્સ આગલા બંધથી ૭૦ પૉઇન્ટ ઢીલો ૭૫૯૪૦ ખૂલી ૧૪૨ પૉઇન્ટ ઘટી ૭૫૮૬૮ તથા નિફ્ટી ૬ પૉઇન્ટ ઘટી ૨૩૯૦૭ ગઈ કાલે બંધ થયો છે. વધઘટની સાંકડી રેન્જમાં શૅરઆંક નીચે ૭૫૭૪૮ તથા ઉપરમાં ૭૬૨૨૫ થયો હતો. પૉઝિટિવ માર્કેટબ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૭૭૨ શૅર સામે ૧૫૩૫ કાઉન્ટર નરમ હતાં. માર્કેટકૅપ ૨.૧૨ લાખ કરોડ વધી ૪૭૦.૮૩ લાખ કરોડ રહ્યું છે. વિશ્વબજારની હૂંફમાં મેટલ ઇન્ડેક્સ નવી વિક્રમી સપાટી બનાવી ૧.૭ ટકા વધ્યો છે. પાવર ઇન્ડેક્સ વર્ષની ટોચે જઈ ૩.૩ ટકા ઝળક્યો હતો. યુટિલિટીઝ બેન્ચમાર્ક ૨.૪ ટકા મજબૂત થયો છે. પાવર-યુટિલિટીઝ બેન્ચમાર્કની મજબૂતીમાં અદાણી ગ્રુપનો સિંહફાળો હતો. આ ઉપરાંત જે. પી. પાવર ૧૯.૫ ટકા, JSW એનર્જી ૪.૮ ટકા, રિલાયન્સ પાવર ૩.૪ ટકા, પાવર ગ્રિડ ૨.૬ ટકા, NTPC ૨.૨ ટકા, ABB ૬ ટકા, સીમેન્સ એનર્જી ૯ રૂપિયા કે ૩૧૦ ટકા, સી. જી. પાવર ૬.૪ ટકા, હિટાચી એનર્જી ૪.૪ ટકા, સીમેન્સ ૫.૬ ટકા ઊછળી હતી. મેટલ્સમાં હિન્દાલ્કો ૧૧૫૪ના શિખરે જઈ ૪.૨ ટકા વધી ૧૧૫૦ બંધમાં નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બની છે. નાલ્કો ૪ ટકા, તાતા સ્ટીલ બે ટકા, NMDC ૧.૭ ટકા પ્લસ હતી. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૫૪૦ પૉઇન્ટ કે ૩.૨ ટકા ઊંચકાયો છે. સેન્સેક્સમાં ઇટર્નલ અઢી ટકા, ઇન્ડિગો ૧.૯ ટકા, એશિયન પેઇન્ટ્સ એક ટકો વધી હતી. રિલાયન્સ અડધો ટકો ઘટી છે. HDFC બૅન્ક ૨.૬ ટકા બગડી ૭૫૮ બંધમાં બજારને ૨૬૪ પૉઇન્ટ નડી છે. ઇન્ફોસિસ પોણો ટકો ઘટી ૧૧૫૯ હતી.
ADVERTISEMENT
ONGC ૪.૭ ટકા ખરડાઈ નિફ્ટીમાં ટોપ લૂઝર બની છે. ITC નિફ્ટીમાં ૩.૨ ટકા તો સેન્સેક્સમાં ૦.૬ ટકા નરમ હતી. કોલ ઇન્ડિયા એક ટકો વધી છે. વિપ્રો એક ટકો, HDFC લાઇફ દોઢ ટકો ઘટી છે. બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૭ શૅરના સુધારા વચ્ચે ૨૩૯ પૉઇન્ટ ઘટ્યો હતો. ટેલિકૉમ ઇન્ડેક્સ નવા શિખર સાથે એક ટકો આગળ વધ્યો છે. HFCL ૭.૫ ટકા, વિંદ્ય ટેલી ૬.૮ ટકા તો સ્ટરલાઇટ ટેક્નો પાંચ ટકા મજબૂત બની છે. રિઝલ્ટની નબળાઈ ચાલુ રાખતાં ટેક્નો ઇલેક્ટ્રિક વધુ ૧૦.૫ ટકા તૂટી છે.
પ્રૉક્ટર ઍન્ડ ગૅમ્બલ હેલ્થ ૬૨ માસની ટોચે જઈ ૫૯૩ રૂપિયા ઊછળી
ONGC તરફથી માર્ચ ક્વૉર્ટરમાં ૧૩.૯ ટકા વધારામાં ૩૫,૯૨૮ કરોડની આવક પર ૩ ટકા વૃદ્ધિદરથી ૬૬૪૯ કરોડ નેટ પ્રૉફિટ મેળવી શૅરદીઠ એકનું ડિવિડન્ડ જાહેર કરાયું છે. ભાવ ગઈ કાલે નીચામાં ૨૭૨ થઈ ૪.૭ ટકા તૂટી ૨૭૪ રહ્યો છે. મલ્ટિનૅશનલ સીમેન્સ ઇન્ડિયાની આવક ૧૪.૬ ટકા વધી ૪૬૧૮ કરોડ થઈ છે, નેટ નફો ૩૬.૪ ટકા ગગડી ૩૭૦ કરોડ રહ્યો છે. શૅરદીઠ ૧૮નું ડિવિડન્ડ જાહેર થયું છે. ભાવ ઉપરમાં ૩૯૦૫ થઈને ૫.૬ ટકા ઊછળી ૩૮૮૦ હતો. જે. કે. ટાયરની આવક સાડાબાર ટકા વધીને ૪૨૨૩ કરોડ થઈ છે, નેટ નફો ૮૦ ટકાના ઉછાળામાં ૧૭૮ કરોડ થયો છે. શૅર ઉપરમાં ૪૨૨ બતાવી ૪.૬ ટકા વધી ૪૧૨ થયો છે.
પ્રૉક્ટર ઍન્ડ ગૅમ્બલ હેલ્થની આવક ૧૯ ટકાના વધારામાં ૩૭૦૪ કરોડ તથા ચોખ્ખો નફો ૫૪.૬ ટકા વધી ૯૪૬૦ લાખ થયો છે. શૅરદીઠ ૪૫નું ડિવિડન્ડ જાહેર કરાયું છે. શૅર ઉપરમાં ૬૭૦૧ વટાવી સાડાદસ ટકા ઊછળી ૬૩૪૫ રહ્યો છે. લૅન્ડમાર્ક કાર્સની આવક સવાસત્તર ટકા વધી ૧૨૭૮ કરોડ થઈ છે. નફો દસેક ગણો, ૧૪૨ લાખથી વધી ૧૫૦૩ લાખ આવ્યો છે. શૅર ઉપરમાં ૪૧૦ બતાવી પોણાચાર ટકા બગડી ૩૬૪ હતો. આ અમદાવાદી કંપની ડિસેમ્બર ૨૦૨૨માં પાંચના શૅરદીઠ ૫૦૬ના ભાવથી ૫૫૨ કરોડનો ઇશ્યુ લાવી હતી.
ગાંધાર ઑઇલ રિફાઇનરીએ પોણાચૌદ ટકા વધારામાં ૧૦૯૩ કરોડની આવક પર ૨૪૮ ટકાના વૃદ્ધિદરથી ૪૦૭૦ લાખ નેટ નફો કર્યો છે. શૅર ઉપરમાં ૧૭૫ થઈ એક ટકો સુધરી ૧૬૩ હતો. કંપની નવેમ્બર ૨૦૨૩માં બેના શૅરદીઠ ૧૬૯ના ભાવે ૫૦૧ કરોડનો ઇશ્યુ લાવી હતી.
અદાણી ડિમાન્ડમાં, ગ્રુપના ૭ શૅરમાં નવા ઊંચા ભાવ જોવાયા
સરકાર રોકડી કરવાના મૂડમાં આવી લાગે છે. કોલ ઇન્ડિયામાં બે ટકા માલ વેચી ૫૦૦૦ કરોડ ઊભા કરવાનો નિર્ણય અમલમાં મૂક્યા પછી હવે એ LICમાં બે ટકા હિસ્સો વેચી આશરે ૧૦,૦૦૦ કરોડ ઊભા કરવા ધારે છે. કંપનીમાં સરકારનું હોલ્ડિંગ અત્યારે ૯૬.૫ ટકા છે. આ સમાચારના પગલે LIC શૅરદીઠ એક બોનસમાં શુક્રવારે બોનસ થયા બાદ નીચામાં ૮૧૯ બનાવી ૩ ટકા ગગડી ૮૩૦ બંધ થયો છે. અદાણીની ફ્લૅગશિપ અદાણી એન્ટરપ્રાઇસિસ બે દિવસની મજબૂતી બાદ ગઈ કાલે ૩૦૨૯ની ૧૯ માસની નવી ટૉપ બનાવી ૨૯૭૦ના લેવલે ફ્લૅટ રહી છે. અદાણી પોર્ટ્સ ૧૮૪૩ ઉપર ઑલટાઇમ હાઈ થઈ અડધો ટકો વધી ૧૮૨૦ હતી. અદાણી પાવર પણ ૨૫૨ વટાવી નવા સર્વોચ્ચ શિખરે જઈ બે ટકા વધીને ૨૪૯ થતાં એનું માર્કેટકૅપ ૪,૮૦,૮૬૪ કરોડ થઈ ગયું છે. ઇન્ફોસિસના ૪,૭૧,૨૬૭ કરોડના માર્કેટકૅપ સાથે હવે અદાણી પાવરથી પાછળ હડસેલાઈ છે. અદાણી એનર્જી સૉલ્યુશન્સ ૧૫૫૯ની ત્રણેક વર્ષની ટોચે જઈ પોણાછ ટકાની તેજીમાં ૧૫૪૭ થઈ છે તો અદાણી ગ્રીન ૧૫૧૮ની દોઢ વર્ષની ઊંચી સપાટી નોંધાવી સવાબે ટકા વધી ૧૪૯૦ હતી. અદાણી ટોટલ આગલા દિવસની ઇનિંગ્સ આગળ ધપાવતાં ઉપરમાં ૮૨૯ની ફેબ્રુઆરી ૨૦૨૩ પછીની ટોચે જઈ ૧૩.૪ ટકા ઊછળી ૮૦૮ થઈ છે. NDTV આઠગણા કામકાજે ૯૧ બતાવી ૧૦ ટકાના ઉછાળે ૮૬ થઈ છે. અદાણીના અન્ય શૅરમાં અંબુજા સિમેન્ટ્સ ૨.૩ ટકા, PSP પ્રોજેક્ટ્સ ૪.૧ ટકા, ઓરિયન્ટ સિમેન્ટ્સ ૨.૪ ટકા વધ્યા છે. સેમી-ઇન્ડિયા પ્રોજેક્ટ્સ ૯૯૮ની વિક્રમી સપાટી બનાવી પાંચ ટકા ઊંચકાઈ ૯૯૩ હતી.
બર્ગરકિંગ ફેમ રેસ્ટોરાં બ્રૅન્ડ્સ એશિયામાં ઓપન ઑફર
સરકાર તરફથી કોલ ઇન્ડિયામાં શૅરદીઠ ૪૧૨ રૂપિયાની ફ્લોર પ્રાઇસથી ઑફર ફૉર સેલ મારફત બે ટકા હિસ્સો વેચી ૫૦૦૦ કરોડ ઊભા કરવાની કવાયત હાથ ધરાઈ છે, જે બુધવાર અને શુક્રવારે પૂરી થશે. બજાર ગુરુવારે બકરી ઈદની રજામાં છે. શૅર ગઈ કાલે નીચામાં ૪૨૮ થઈ એક ટકો સુધરી ૪૬૩ બંધ હતો. કંપનીમાં હાલ સરકારનું હોલ્ડિંગ ૬૩.૧ ટકાનું છે. બર્ગરકિંગની ભારત ખાતેની ફ્રૅન્ચાઇઝી રેસ્ટોરાં બ્રૅન્ડ્સ એશિયામાં લેનેક્સિસ ફૂડ વર્કસ, આયુષ ટ્રસ્ટ તથા ઇન્સ્પાયર એન્ટરપ્રાઇસિસ ઇન્ડિયા તરફથી શૅરદીઠ ૭૦ના ભાવથી આશરે ૧૪૩૫ કરોડની ઓપન ઑફર નક્કી કરાઈ છે, એ ૮ જૂને ખૂલીને ૧૯ જૂને બંધ થશે. શૅર ગઈ કાલે દોઢ ટકો વધીને ૬૯ બંધ થયો છે. કંપનીએ માર્ચ ક્વૉર્ટરમાં પોણાબાર ટકા વધારામાં ૭૦૭ કરોડની આવક પર અગાઉની ૫૬ કરોડ સામે આ વેળા ૪૩ કરોડ ચોખ્ખી ખોટ કરી છે. ગયા સમગ્ર વર્ષની આવક ૧૦.૭ ટકા વધી ૨૮૨૩ કરોડ તથા નેટ લૉસ ૧૨.૩ ટકા ઘટીને ૨૦૪ કરોડ થઈ છે. કંપની હાલ દેશમાં ૫૧૩ ફૂડ-સ્ટોર્સ ચલાવે છે. કંપની ડિસેમ્બર ૨૦૨૦માં ૧૦ના શૅરદીઠ ૬૦ના ભાવથી કુલ ૮૧૦ કરોડનો ઇશ્યુ લાવી હતી જે ૮૫ ગણાથી વધુ છલકાયો હતો. ૨૦૨૦ની ૧૪ ડિસેમ્બરે લિસ્ટિંગ ધમાકેદાર હતું. ભાવ ૧૩૮ બંધ થયો હતો. ત્યાર પછીના બે દિવસમાં જ અત્રે ૨૧૯ની ઑલટાઇમ હાઈ બની હતી. એ પછી ભાવ વધઘટે ઘટતો રહીને થોડાક દિવસ પહેલાં ૩૦ માર્ચે ૫૭ના ઑલટાઇમ તળિયે ગયો હતો. કંપની સતત લૉસમાં રહી છે. ક્યારેય ડિવિડન્ડ આપ્યું નથી. છેલ્લાં પાંચ વર્ષમાં કુલ ચોખ્ખી ખોટ ૧૧૫૦ કરોડને વટાવી ગઈ છે.
નફામાં ઘટાડા પાછળ ઍસ્ટ્રાઝેનેકા ૩૨૯ રૂપિયા ડાઉન
રામરત્ન વાયર્સે ૮૩.૨ ટકા વધારામાં ૧૭૫૩ કરોડની આવક પર ૧૧૭ ટકા જેવા વૃદ્ધિદરથી ૩૯ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર ૫૨૦ની ટોચ બનાવી સવા ટકો ઘટી ૪૬૫ થયો છે. સરકારની ઇન્ડિયન રેલવે કેટરિંગ અર્થાત્ IRCTC તરફથી ૧૫ ટકાના વધારામાં ૧૪૬૦ કરોડની આવક પર ૮.૯ ટકાના ઘટાડામાં ૩૨૬ કરોડ ચોખ્ખો નફો દર્શાવાયો છે. શૅર નીચામાં ૫૨૧ થઈ ૨.૭ ટકા ઘટી ૫૨૩ હતો. મલ્ટિનૅશનલ ફાર્મા કંપની ઍસ્ટ્રાઝેનેકા ફાર્માએ માર્ચ ક્વૉર્ટરમાં ૨૦.૪ ટકા વધારામાં ૫૭૯ કરોડ જેવી આવક પર ૨૩ ટકા ઘટાડામાં ૪૪૮૮ લાખ નફો કરીને ૧૮૦૦ ટકા કે શૅરદીઠ ૩૬નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ભાવ ગઈ કાલે નીચામાં ૮૩૪૯ થઈ ૩.૭ ટકા ગગડી ૮૬૫૫ બંધ હતો.
ફર્સ્ટક્રાય ફેમ બ્રેઇનબીઝ સૉલ્યુશન્સે ૧૨ ટકા વધારા સાથે ૨૧૬૩ કરોડ આવક મેળવી છે. નેટ લૉસ ૭૭ કરોડ જેવી હતી એ ઘટી ૩૦ કરોડ જેવી રહી છે. શૅર ઉપરમાં ૨૪૫ થઈ સવાત્રણ ટકા ગગડી ૨૨૯ હતો. સેન્કો ગોલ્ડની આવક ૪૫ ટકા વધીને ૧૯૯૭ કરોડ નજીક પહોંચી છે. નેટ નફો ૧૫૧ ટકા વધારામાં ૧૫૭ કરોડ નજીક થયો છે. ભાવ ઉપર ૩૫૪ થઈ ૨.૯ ટકા ઘટી ૩૪૦ હતો. ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશને સવાબાર ટકા વધારામાં ૧૩૨૪ કરોડની આવક પર સવાઆઠ ટકા વધારામાં ૧૨૪ કરોડ નેટ નફો બતાવ્યો છે. ભાવ ઉપરમાં ૯૩૭ બતાવી પોણો ટકો સુધરી ૯૦૭ રહ્યો છે. ગુજરાત ફ્લોરોકેમની આવક ૧૧.૮ ટકા વધી ૧૩૬૯ કરોડ થઈ છે પણ નફો ૪૧.૪ ટકાના ઘટાડામાં ૧૧૨ કરોડ રહ્યો છે. શૅર ૨.૭ ટકા ઘટીને ૩૬૮૨ બંધ આવ્યો છે. વેજોરામાં પંજાબી શૅરદીઠ ૭૭ના ભાવ સામે ૧૧૮ ખૂલી ૧૨૪ બંધ થતાં ૬૧ ટકા રિટર્ન મળ્યું છે.
