માર્કેટ કૅપિટલાઇઝેશન ૧.૯૬ ટકા ઘટીને ૩.૧૩ ટ્રિલ્યન ડૉલર રહ્યું છે
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં ક્રિપ્ટોકરન્સીને લગતા વલણમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આનું સૌથી મોટું ઉદાહરણ એટલે બાઇનૅન્સ અને સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન વચ્ચેના કેસમાં માગવામાં આવેલો સ્ટે. અમેરિકાના સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થાએ અને ક્રિપ્ટો એક્સચેન્જ બાઇનાન્સે કેન્દ્રીય ન્યાયમૂર્તિ સમક્ષ આ સ્ટે માટે અરજી કરી છે. ડેમોક્રેટિક સરકારના શાસનમાં બાઇનાન્સ સામે કેસ થયો હતો. હવે રિપબ્લિકન સરકાર ક્રિપ્ટોને લગતાં ધારાધોરણોમાં ફેરફાર કરી રહી હોવાથી ૬૦ દિવસ પૂરતો સ્ટે માગવામાં આવ્યો છે. દેશમાં ગયા મહિને આ ધારાધોરણો ઘડવા માટે કમિશનની કાર્યટુકડીની સ્થાપના કરવામાં આવી છે. કમિશન હવે ક્રિપ્ટોને અનુકૂળ વાતાવરણ તૈયાર કરી રહ્યું હોવાથી સ્ટે માગવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. નોંધનીય છે કે નવા પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકાને ક્રિપ્ટો ઉદ્યોગ માટેનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં બુધવારે ઘટાડાનું વલણ હતું. માર્કેટ કૅપિટલાઇઝેશન ૧.૯૬ ટકા ઘટીને ૩.૧૩ ટ્રિલ્યન ડૉલર રહ્યું છે. બિટકૉઇનમાં ૨૪ કલાકના ગાળામાં ૧.૨૬ ટકા અને ઇથેરિયમમાં ૧.૯૨ ટકા ઘટાડો થયો છે. એક્સઆરપીમાં ૨.૫૬ ટકા, સોલાનામાં ૩.૪૮ ટકા, ડોઝકૉઇનમાં ૨.૩૯ ટકા અને કાર્ડાનોમાં ૨.૫૯ ટકા ઘટાડો થયો હતો.

