આ ઘટનામાં યુવાનને માર મારવામાં આવ્યો હતો અને પછી અર્ધનગ્ન કરીને રસ્તા પર ખેંચવામાં આવ્યો હતો એ વિડિયો વાઇરલ થયો છે
MNS અને શિવસેનાના ઉશ્કેરાયેલા કાર્યકરોએ સૂરજ શિર્કેનાં કપડાં કાઢીને તેને ફટકાર્યો હતો
નાલાસોપારામાં એક ખૂબ જ ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) અને શિવસેના (UBT)ના કાર્યકરોએ સોશ્યલ મીડિયા પર ઠાકરે બંધુઓ વિરુદ્ધ અપમાનજનક રીલ પોસ્ટ કરવા બદલ એક યુવાનને અર્ધનગ્ન કરીને ફટકાર્યો હતો. આ ઘટનામાં યુવાનને માર મારવામાં આવ્યો હતો અને પછી અર્ધનગ્ન કરીને રસ્તા પર ખેંચવામાં આવ્યો હતો એ વિડિયો વાઇરલ થયો છે. ત્યાર બાદ તેને તુળીંજ પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
આ ઘટનાનું કારણ શું હતું?
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા અનુસાર યુવાનની ઓળખ સૂરજ શિર્કે તરીકે થઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેણે ફેસબુક અને અન્ય સોશ્યલ મીડિયા પર રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે વિરુદ્ધ ખૂબ જ અપમાનજનક કમેન્ટ પોસ્ટ કરી હોવાનો આરોપ છે. તેની આ કમેન્ટથી પાર્ટીના કાર્યકરો ગુસ્સે થયા હોવાનું કહેવાય છે. એક પોસ્ટમાં તેણે અપમાનજનક ટિપ્પણીઓ પોસ્ટ કરીને અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરીને તેમની પ્રામાણિકતા પર પ્રશ્ન ઉઠાવ્યો હોવાનું કહેવાય છે.
અર્ધનગ્ન કરીને પરેડ કાઢી
MNSના સબડિવિઝનલ પ્રમુખ કિરણ નકાશે અને તેમના સાથીઓને માહિતી મળી હતી કે સૂરજ શિર્કે નાલાસોપારામાં છુપાયો છે. આ માહિતીના આધારે MNSના કાર્યકરોની એક ટીમે તેને શોધી કાઢ્યો હતો અને માર માર્યો હતો. તેનાં કપડાં ઉતારી, અર્ધનગ્ન કરીને તેને લગભગ દોઢ કિલોમીટર સુધી રસ્તા પર ખેંચી જવામાં આવતાં પરિસ્થિતિ વણસી ગઈ હતી.
પરિણામ માટે તૈયાર રહો
આ ઘટના પછી કિરણ નકાશેએ કાર્યકરો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના સમર્થનમાં સોશ્યલ મીડિયા પર એક નિવેદન પોસ્ટ કર્યું હતું. એમાં તેમણે કહ્યું હતું કે ‘હવે પછી કોઈએ ઠાકરે કુટુંબ વિશે બોલતાં કે લખતાં પહેલાં હજાર વાર વિચાર કરવો. ઠાકરે ફક્ત નામ નથી, બધા જ શિવસૈનિકોની ભાવના છે. તેમને નખભર પણ દુઃખ પહોંચાડવાનો કોઈએ પ્રયાસ કરવો નહીં. જો કોઈએ એ લિમિટ ક્રૉસ કરી તો એનું પરિણામ આવું જ આવશે. કોઈ તમને બે પૈસા આપે એટલે પોતાનાં જ મા-બાપનું અપમાન કરવું એવી ઔલાદ મહારાષ્ટ્રની હોઈ જ ન શકે. ખરું જોતાં વિડિયો સામે અમારે મારવું નહોતું, પણ તેણે લિમિટ ક્રૉસ કરી એટલે અમે પણ નાઇલાજ હતા. જે કોઈ આવો પ્રયાસ કરે તેણે ફરી એક વાર વિચારી લેવું.’
પોલીસ-બંદોબસ્ત વધાર્યો
આ ઘટનાએ નાલાસોપારા વિસ્તારમાં થોડા સમય માટે ટેન્શન ઊભું કરી દીધું હતું. પરિસ્થિતિ વધુ વણસી ન જાય એ માટે પોલીસ-બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. જોકે આ વિડિયો હજી પણ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર શૅર કરવામાં આવી રહ્યો છે, પરંતુ મૉબ-લિન્ચિંગ અને આવા કેસોને ઉકેલવામાં પોલીસની ભૂમિકા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


