ઘટનાને પગલે ૧,૨૩,૦૦૦ ડૉલરને અડીને આવેલો બિટકૉઇન મંગળવારે સાંજ સુધીમાં ૪.૨૨ ટકા ઘટીને ૧,૧૫,૯૪૩ ડૉલર પર પાછો વળ્યો હતો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બિટકૉઇન હવે ક્યાં જઈને અટકશે એવું લોકો વિચારવા લાગ્યા હતા ત્યાં જ બિટકૉઇનના જનક સાતોશી નાકામોતોના સમયના એક સુષુપ્ત ખાતામાંથી ૮૦,૦૦૦ બિટકૉઇનનું એક્સચેન્જમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે ૧,૨૩,૦૦૦ ડૉલરને અડીને આવેલો બિટકૉઇન મંગળવારે સાંજ સુધીમાં ૪.૨૨ ટકા ઘટીને ૧,૧૫,૯૪૩ ડૉલર પર પાછો વળ્યો હતો. નફો અંકે કરવાના વલણને લીધે ક્રિપ્ટોમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો હતો, જેમાં કુલ માર્કેટ કૅપિટલાઇઝેશન મંગળવારે સાંજ સુધીમાં ૨.૫૮ ટકા ઘટીને ૩.૬૮ ટ્રિલ્યન ડૉલર પર પહોંચ્યું હતું. ઇથેરિયમ બે ટકાના ઘટાડા સાથે ૨૯૭૦ ડૉલર થયો હતો. મંગળવારનો દિવસ અન્ય કૉઇન માટે પણ ઘટાડાનો રહ્યો હતો, જેમાં બીએનબી ૨.૭૪ ટકા, સોલાના ૫.૧૮ ટકા, ડોઝકૉઇન ૫.૯૬ ટકા અને કાર્ડાનો ૩.૭૫ ટકા ઘટ્યા હતા. ક્રિપ્ટોમાં ઘટાડો થવા પાછળનું એક કારણ અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પનું વિધાન પણ હતું. તેમણે યુક્રેન સાથેની લડાઈ નહીં અટકે તો રશિયા પર આકરાં નિયંત્રણ લાદવાની ચીમકી આપી એને લીધે વાતાવરણ બગડ્યું હતું.

