ITC નવું મલ્ટિયર બૉટમ બતાવી સુધારામાં બંધ: વિક્ટોરિયા મિલ્સ ૧૨૨૯ની તેજીમાં નવા શિખરે પહોંચી
પ્રતીકાત્મક તસવીર
બિટકૉઇન ૭૨,૦૦૦ ડૉલર વટાવી સાડાત્રણ માસની ટોચે : સોનું બે માસના તો ચાંદી જૂન પછીના બેસ્ટ લેવલે : બ્રેન્ટ ક્રૂડ ૯૪ ડૉલરની પાર : એશિયન બજારો સાર્વત્રિક સુધારામાં, યુરોપ રનિંગમાં ડાઉન : સંખ્યાબંધ શુગર શૅરમાં નવી ટૉપ, બન્નારી અમાનમાં ૬૧૧ રૂપિયાની તો બલરામપુર ચીનીમાં ૧૮ ટકા જેવી તેજી : બરોડાની ટેમ્પસેન્સનો IPO પ્રથમ દિવસે જ છલકાતાં પ્રીમિયમ ઊછળીને ૨૩૨ થયું : ધૂત ટ્રાન્સમિશન નૉન-સ્ટૉપ તેજી સાથે નવા બેસ્ટ લેવલે : ITC નવું મલ્ટિયર બૉટમ બતાવી સુધારામાં બંધ : વિક્ટોરિયા મિલ્સ ૧૨૨૯ની તેજીમાં નવા શિખરે પહોંચી
બજારોને ગુરુ ફળ્યો હોય અેમ ગઈ કાલે લગભગ તમામ અૅસેટ્સમાં સુધારાનું હવામાન જોવાયું છે. બ્રેન્ટ ક્રૂડ ૯૪ ડૉલર વટાવી ૯૫ ડૉલર ભણી ગતિમાન છે. વૈશ્વિક સોનું બે માસની ટોચે ગયું છે તો ચાંદીમાં જૂન ૨૦૨૬ પછીનો નવો ભાવ દેખાયો છે. બિટકૉઇન ૭૨,૩૧૪ ડૉલરની સાડાત્રણ માસની ટોચે જઈ ૭૨,૦૦૦ નજીક ચાલતો હતો. સિંગાપોરના સામાન્ય ઘટાડાને બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજાર વધ્યાં છે. સાઉથ કોરિયન કોસ્પી ૫.૯ ટકા, જપાન સવા ટકો, હૉન્ગકૉન્ગ એક ટકો, ઇન્ડોનેશિયા ૧.૭ ટકા, તાઇવાન અડધો ટકો પ્લસ થયું છે. યુરોપ રનિંગમાં નહીંવતથી સાધારણ નરમ હતું. ડૉલર સામે રૂપિયો પણ છ પૈસા સુધરી ૯૫.૭૧ રહ્યો છે.
ઘરઆંગણે સેન્સેક્સ નીચા મથાળે લેવાલી નીકળતાં આગલા બંધથી ૫૫૮ પૉઇન્ટ ઉપર, ૭૭,૪૬૮ ખૂલી ૬૨૮ પૉઇન્ટના બાઉન્સબૅકમાં ૭૭,૫૩૮ નજીક બંધ થયો છે. નિફ્ટી ૭ દિવસની નબળાઈને બ્રેક લગાવતાં ૧૫૩ પૉઇન્ટ વધીને ૨૪,૨૩૨ નજીક પહોંચ્યો છે. આરંભથી અંત સુધી પૉઝિટિવ રહેલા માર્કેટમાં શૅરઆંક નીચામાં ૭૭,૩૭૧ તથા ઉપરમાં ૭૭,૬૧૧ દેખાયો હતો. માર્કેટકૅપ ૨.૭૧ લાખ કરોડ વધી ૪૯૧.૪૧ લાખ કરોડ વટાવી ગયું છે. સેન્સેક્સના ૦.૮ ટકાના તથા નિફ્ટીના ૦.૬ ટકાના સુધારા સામે ગઈ કાલે લગભગ તમામ સેક્ટોરલ્સ વધ્યાં છે. રિયલ્ટી ૧.૯ ટકા, FMCG એક ટકો, IT એક ટકા નજીક, ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૦.૯ ટકા, નિફ્ટી મીડિયા ૨.૧ ટકા પ્લસ થયો છે. PSU બૅન્ક નિફ્ટી નેગેટિવ બાયસમાં ફ્લૅટ તો બૅન્ક નિફ્ટી અડધો ટકો સુધર્યો છે.
એટર્નલ બન્ને બજારમાં બેસ્ટ ગેઇનર બની છે. ITC ૨૬૫ની નવી મલ્ટિયર બૉટમ બનાવી દોઢેક ટકો સુધરી ૨૭૧ વટાવી ગઈ છે. આગલા દિવસે મલ્ટિયર તળિયે ગયેલી હિન્દુસ્તાન યુનિલીવર ગઈ કાલે એક ટકો તો HDFC બૅન્ક ૦.૯ ટકા વધીને બંધ આવી છે. રિલાયન્સ અડધા ટકાના સુધારે ૧૩૧૫ હતી. કોટક બૅન્ક ૧.૭ ટકા, બજાજ ફાઇનૅન્સ તથા અૅક્સિસ બૅન્ક દોઢ-દોઢ ટકા, અલ્ટ્રાટેક અને ઇન્ફી ૧.૨ ટકા, લાર્સન એક ટકો, શ્રીરામ ફાઇનૅન્સ બે ટકા વધી છે. નિફ્ટી ખાતે તાતા કન્ઝ્યુમર ૧.૧ ટકા અને હિન્દાલ્કો ૦.૯ ટકા ઘટીને નરમાઈમાં મોખરે હતી. સેન્સેક્સમાં તાતા સ્ટીલ સૌથી વધુ ૦.૪ ટકા માઇનસ થઈ છે. ઇન્ડિગો અત્રે ૦.૨ ટકા તો નિફ્ટીમાં અે ૦.૫ ટકા નરમ હતી.
બલરામપુર ચીની ૧૭.૮ ટકા કે ૧૧૬ની તેજીમાં નવી ટૉપ સાથે ‘એ’ ગ્રુપમાં ઝળકી છે. હબટાઉન ૧૦ ટકા, નેટવર્ક-૧૮ ૯ ટકા, જીનસ પાવર ૮ ટકા તો રેણુકા શુગર ૮ ટકા નજીક મજબૂત હતી. હિમાદ્રી સ્પેશ્યલિટી કેમિકલ્સ સાડાત્રણ ગણા કામકાજે નીચામાં ૬૯૫ થઈ સવાછ ટકા ગગડી ૭૦૪ના બંધ સાથે ‘એ’ ગ્રુપમાં ટૉપ લુઝર હતી. એસ્ટર ડીએમ પાંચેક ટકા તથા ચેન્નઇ પેટ્રોલિયમ સાડાત્રણ ટકા ગગડી છે. વિક્ટોરિયા મિલ્સ ૧૧ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૨૨૯ની તેજીમાં ૭૩૭૩ની નવી ઊંચી સપાટીએ બંધ હતી.
ADVERTISEMENT
લોઅર પટેલની ઑગમોન્ટ એન્ટરપ્રાઇઝિસનો ૮૨૫ કરોડનો ઇશ્યુ આજે
આજે, શુક્રવારે મુંબઈના લોઅર પરેલ-વેસ્ટની ઑગમોન્ટ એન્ટરપ્રાઇઝિસ પાંચના શૅરદીઠ ૭૮૮ની અપર બેન્ડમાં કુલ ૮૨૫ કરોડનું ભરણું મેઇન બોર્ડમાં કરવાની છે. ઑફર ફૉર સેલ ૨૦૫ કરોડની છે. અે પ્રમોટર્સ કોઠારી પરિવારના ઘરમાં જશે. QIB પોર્શન ૫૦ ટકા અને રીટેલ પોર્શન ૩૫ ટકા છે. ૨૦૧૨માં સ્થપાયેલી આ કંપની સોના-ચાંદીના મામલે વેપારીઓ તેમ જ ગ્રાહકોને દેશ-વિદેશનાં બજારને આવરી લેતું ઇન્ટિગ્રેટેડ પ્લૅટફૉર્મ પૂરું પાડતી હોવાનો દાવો કરે છે. અે બુલિયનમાં પ્રોક્યોરમેન્ટ, રિફાઇનિંગ, ટ્રેડિંગ, ડિજિટલ ગોલ્ડ, જ્વેલરી મૅન્યુફૅક્ચરિંગ, આંતરરાષ્ટ્રિય બજારમાં વેચાણ, ગોલ્ડ બેકડ ફાઇનૅન્શિયલ સર્વિસીસ માટે જરૂરી ટેક્નૉલૉજીકલ સપ્રોટ ઇત્યાદી મારફત કંપની બુલિયન વૅલ્યુ-ચેઇનમાં દરેક તબક્કે સેવા પૂરી પાડે છે. ગત વર્ષે ૪૨ ટકાના વધારામાં કંપનીએ ૯૪,૨૮૨ કરોડની આવક ઉપર ૫૩ ટકા વૃદ્ધિદરથી ૩૪૮ કરોડ નેટ નફો કર્યો છે. દેવું સતત ઘટતું રહી ૧૨૬૭ લાખ રહ્યું છે. ઇશ્યુમાંથી કંપની ૪૬૫ કરોડ વર્કિંગ કૅપિટલ તરીકે વાપરશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૧૮૦થી શરૂ થયા બાદ હાલમાં ૨૮૫ ચાલે છે.
દરમ્યાન, મેઇન બોર્ડમાં બરોડાની ટેમ્પસેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ૪ના શૅરદીઠ ૩૦૦ની અપરબેન્ડમાં કુલ ૬૫૦ કરોડનો ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૬.૩ ગણા સહિત કુલ પોણાછ ગણો ભરાયો છે. પ્રીમિયમ વધીને હાલ ૨૩૨ બોલાય છે. બીજા દિવસના અંતે મેઇન બોર્ડમાં ગજા ઑલ્ટરનેટિવ અૅસેટ મૅનેજમેન્ટનો પાંચના શૅરદીઠ ૧૬૦ની અપરબેન્ડમાં ૫૫૦ કરોડનું ભરણું કુલ અઢી ગણું ભરાયું છે. જ્યારે SME કંપની ધનવેલ હાઇબ્રિડ સીડ્સનો શૅરદીઠ ૯૯ના ભાવનો આશરે ૨૭ કરોડનો ઇશ્યુ કુલ ૭૩ ટકા તેમ જ મોપશૉપ ડિસ્ટ્રિબ્યુશનનો શૅરદીઠ ૧૩૮ના ભાવનો ૨૭૨૬ લાખનો ઇશ્યુ કુલ ૧.૧ ગણો બીજા દિવસના અંતે ભરાયો છે અને ધનવેલમાં ૧૨ પ્રીમિયમ છે, જ્યારે આખરી દિવસે મુંબઈના ઝવેરી બજારની શાંકેશ જ્વેલર્સનો પાંચના શૅરદીઠ ૯૩ના ભાવનો ૩૬૭ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૨.૪ ગણા સહિત કુલ ૨.૮ ગણો અને અંધેરી (વેસ્ટ)ની સનશાઇનનો ૧૦ના શૅરદીઠ ૩૬૦ના ભાવનો ૨૮૨ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૫૬ ગણા સહિત કુલ ૧૦૬ ગણો ભરાઈ પૂરો થયો છે. અત્યારે શાંકેશમાં ૧ રૂપિયો તથા સનશાઇનમાં ૭૯ પ્રીમિયમ બોલાય છે.
શુગર ઉદ્યોગના ૩૪માંથી ૩૩ શૅરોમાં નોંધપાત્ર વધારો થયો
વિશ્વબજારમાં સોનું બે માસની ટોચે જતાં આડઅસરમાં ઘરઆંગણે ગોલ્ડ લોન કંપની મનપ્પુરમ ફાઇનૅન્સ દોઢા વૉલ્યુમે ૩૫૨ નજીક અઢી ટકા વધી ૩૪૯ તથા મુથૂટ ફાઇનૅન્સ ૪ ગણા કામકાજે ૨૯૯૭ વટાવી ૪ ટકા ઊંચકાઈને ૨૯૭૨ બંધ થઈ છે. જ્વેલરી શૅરોમાં સિલેક્ટિવ વધઘટ હતી. શાંતિ ગોલ્ડ પોણાછ ટકા વધી ૨૫૪, AJC જ્વેલ્સ પાંચ ટકા વધી ૧૮૮, વૈભવ ગ્લોબલ ૩ ટકા વધી ૨૨૮ હતી, થંગમયિલ જ્વેલરી એક ટકો ઘટી ૫૪૫૫, TBZ નજીવા સુધારે ૨૪૮, કલ્યાણ જ્વેલર્સ પલ્પના લેવલે ફ્લૅટ, રેનેસાં ગ્લોબલ એક ટકો, ઉદય જ્વેલરી ૪.૮ ટકા ઝંખવાઈ ૧૩૭, AET જ્વેલર્સ પાંચ ટકા ગગડી ૩૬ બંધ થઈ છે.
ખાંડના વધતા ભાવના પગલે શુગર શૅરની મીઠાશ પણ વધવા માંડી છે. બલરામપુર ચીની ૪૨ ગણા વૉલ્યુમે ૭૮૧ની ઑલટાઇમ હાઈ બનાવી ૧૭.૮ ટકા કે ૧૧૬ રૂપિયાની તેજીમાં ૭૬૬ રહી છે, બન્નારી અમાન શુગર ૪૩૪૫ની સવા વર્ષની ટૉપ દેખાડી ૧૬.૯ ટકા કે ૬૧૧ના જમ્પમાં ૪૨૩૬ થઈ છે. દ્વારકેશ શુગર ૫૬.૫૦ની ૨૦ માસની ટોચે જઈ ૧૪.૭ ટકાના ઉછાળે ૫૫ વટાવી ગઈ છે. બજાજ હિન્દુસ્તાન ૧૫ ટકા, શુગર ૧૧.૪ ટકા, રાણા શુગર ૧૦.૪ ટકા, શક્તિ શુગર ૧૧ ટકા, અવધ શુગર ૧૦.૫ ટકા, રાજશ્રી શુગર ૧૦ ટકા, પોની ઇરોડ પોણાદસ ટકા, કે.એમ. શુગર ૮.૬ ટકા, ઝુઆરી ઇન્ડસ્ટ્રીઝ ૯ ટકા, ધામપુર સ્પેશ્યલિટી ૭.૫ ટકા, રેણુકા શુગર ૮ ટકા, મગધ શુગર ૭.૩ ટકા, ધામપુર શુગર ૭.૪ ટકા, દાલમિયા શુગર ૭ ટકા, KCP શુગર પાંચ ટકા, સિમ્ભોલી શુગર ૪.૯ ટકા, ઉગર શુગર બાર ટકા, મવાણાશુગર ૮.૭ ટકા ઊંચકાઈ હતી. કેસર એન્ટરપ્રાઇસીસ અઢી ટકા ઘટી છે.
ક્રિડેન્ટ કનેક્ટમાં ધમાકેદાર લિસ્ટિંગ, ૧૦૦ ટકાનું રીટર્ન
ગઈ કાલે નવી દિલ્હીની ક્રિડેન્ટ કનેક્ટ ૧૦ના શૅરદીઠ ૧૮૯ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ૩૫થી શરૂ થઈ ઉપરમાં ૭૫ થયા બાદ ઘટતું રહી છેલ્લે બોલાતા ૯૨ના પ્રીમિયમ સામે NSEમાં ૩૫૯ ખૂલી ૩૭૭ બંધ થતાં લગભગ ૧૦૦ ટકા લિસ્ટિંગ ગેઇન છુટ્યો છે. કુલ ૯૪ કરોડનું આ ભરણું રીટેલમાં ૧૩૭ ગણા સહિત કુલ ૧૫૩ ગણું ભરાયું હતું. આગલા દિવસે ૪ ભરણાં લિસ્ટેડ થયાં હતાં અેમાં ૪૮ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૧૪૩ બંધ થયેલી શિપરૉકેટ ગઈ કાલે ૧૫૭ની ટૉપ બતાવી ૩.૮ ટકા ઘટી ૧૩૮, બિહારીલાલ એન્જિનિયરિંગ જે ૭૬ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૫૦૨ બંધ થઈ હતી અે ૫૪૮ની ટોચે જઈ પોણો ટકો વધી ૫૦૬, પ્રમોદિની મેડીકૅર દોઢેક ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૧૨૧ બંધ થયા પછી ગઈ કાલે નીચામાં ૧૧૬ દેખાડી ત્રણ ટકા ઘટી ૧૧૮ તો પાંચ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૧૦૯ બંધ આવેલી Q&T ફૂડ્સ ગઈ કાલે ૧૦૪નું નવું બૉટમ બનાવી પાંચ ટકા તૂટી ૧૦૪ થઈ છે. તાજેતરમાં લિસ્ટેડ અન્ય જાતોમાં શામ ફોમ પાંચ ટકા ગગડી ૮૯, મિલ્કી મિસ્ટ ડેરી સાડાછ ટકા તૂટી ૧૮૬, ધૂત ટ્રાન્સમિશન ૪.૮ ટકા વધી ૧૪૭૦ અને મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ સામાન્ય ઘટી ૧૦૩૭ બંધ થઈ છે.
ઝેન ટેક્નૉલૉઝિસ એક શૅરદીઠ પાંચ બોનસ શૅરમાં એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ નીચામાં ૧૮૮૩ બતાવી સવા ટકો ઘટી ૧૯૦૮ બંધ થઈ છે. ઑર્ગેનિક રિસાઇક્લિંગ બે શૅરદીઠ એક બોનસમાં બોનસ-બાદ થતાં ઉપર ૧૭૬ દેખાડી બે ટકા વધી ૧૬૩ રહી છે. રાજકોટની મયંક કેટલ ફૂડ્સ શૅરદીઠ એક બોનસમાં સોમવારે એક્સ બોનસ થવાની છે. શૅર ૨૫૦ના શિખરે જઈ ૪.૩ ટકા વધી ૨૪૯ હતો. ટી.ડી. પાવર સિસ્ટમ્સ બેના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં ૨૪મીએ એક્સ-સ્પ્લિટ થશે. શૅર ઉપરમાં ૧૫૫૪ બનાવી ૨.૩ ટકા ઘટી ૧૫૧૦ થયો છે. હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર્સના બાઇંગમાં આગલા દિવસે ૧૨ ટકા ઉછળી ગયેલી ઝગલ પ્રી-પેઇડ ગઈ કાલે ઉપરમાં ૧૯૯ થઈ ૬.૮ ટકા વધી ૧૯૮ રહી છે. હિટાચી એનર્જી પોણાપાંચ ટકા કે ૧૬૭૦ રૂપિયાના કડાકાના વળતા દિવસે ૩૩,૫૬૦ રૂપિયાના લેવલે ફ્લૅટ હતી. નેટ વૅબ ટેકનૉલૉઝિસ સાડાપાંચ ટકા કે ૨૯૫ રૂપિયાની ખરાબી બાદ ગઈ કાલે ૫૪૪૯ની ટૉપ બતાવી પોણાસાત ટકા ઊછળી ૫૪૦૫ બંધ આવી છે.
આદિત્ય બિરલા કૅપિટલ ગોલ્ડ લોન બિઝનેસમાં ઝંપલાવશે
મુંબઈના સહાર અૅરપોર્ટ એરિયાની ટર્ટલમિન્ટ ફીનટેકમાં બ્રોકરેજ હાઉસ જેફરીઝ દ્વારા ૧૯૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કોલ અપાયો છે. શૅર ઉપર ૧૪૬ વટાવી સવાચાર ટકા વધી ૧૪૫ બંધ થયો છે. ફેસવૅલ્યુ એકની છે. કંપની સતત ખોટમાં છે. હાલ ઇક્વિટી ૬૯૧ લાખ છે. અેની સામે છેલ્લાં ચાર વર્ષની કુલ ખોટ ૮૪૦ કરોડ વટાવી ગઈ છે. ગત વર્ષે ૪૬ કરોડની આવક ઉપર કંપનીએ ૨૦૮ કરોડ નેટ લૉસ કરી હતી. આવી કંપનીમાં બાયનો કૉલ આપવા બદલ જેફરીઝને સલામ કરવી જોઈએ એમ તમને નથી લાગતું? અન્ય સતત ખોટ કરતી કંપની સ્વિગી લિમિટેડમાં પણ જેફરીઝે ૪૩૫ની ટાર્ગેટ પ્રાઇસથી સ્ટ્રોંગ બુલિશ વ્યુ જાહેર કર્યો છે. શૅર ઉપરમાં ૨૮૫ થઈ પોણાત્રણેક ટકા વધીને ૨૮૦ નજીક બંધ થયો છે. અેની હરીફ એટર્નલ લિમિટેડ ગઈ કાલે નિફ્ટીમાં અઢી ટકા અને સેન્સેક્સમાં સવાબે ટકા વધી ૩૨૭ના બંધમાં ટૉપ ગેઇનર બની છે.
આદિત્ય બિરલા કૅપિટલે ગોલ્ડ લોન બિઝનેસમાં ઝંપલાવવાનું નક્કી કર્યું છે. કંપની આ માટે દેશભરમાં ૧૦૦૦ બ્રાન્ચ ખોલવા ધારે છે અેમાંથી ૨૦૦-૩૦૦ બ્રાન્ચ માર્ચ ૨૦૨૭ સુધીમાં શરૂ કરવા નિર્ધારાયું છે. ભાવ પાંચ ગણા કામકાજે ઉપરમાં ૪૧૦ થઈ પોણાત્રણ ટકા વધીને ૪૦૮ બંધ થયો છે. કાગળ-પેન્સિલવાળા કામકાજ અને સરક્યુલર ટ્રેડિંગ મારફત ભાવ ઉછાળવાની બિલ્ડકોનની રમત સેબીએ પકડી પાડી છે અને ઘટતી કારવાઈ હાથ ધરી છે. અેના પગલે શૅર પાંચ ટકાની મંદીની સર્કિટ મારી ૭ રૂપિયા ઉપર બંધ થયો છે. ફેસવૅલ્યુ એકની છે. જાન્યુઆરી ૨૦૧૩માં ભાવ શિખરે હતો. ત્યાંથી ગગડી છ માસમાં શૅર ૧૧ થઈ ગયો હતો. ડિસેમ્બર ૨૦૨૦માં અેમાં ૯૪ પૈસાનું વર્સ્ટ બૉટમ બન્યું હતું. કંપનીએ ગત વર્ષે ૮૩ લાખની આવક ઉપર ૧૧૯ લાખ નેટ લૉસ કરી છે. આમ છતાં આજે માર્કેટકૅપ ૪૧૯૫ કરોડનું છે.
