ફરજ સાથે પરિવારજન અને દામ્પત્યજીવનને પણ અપાયું મહત્ત્વ: પત્ની કે પતિ સરકારના બીજા વિભાગમાં કામ કરતાં હોય અને તેમનાં પતિ કે પત્નીમાંથી કોઈ એક પોલીસ-વિભાગમાં કામ કરતાં હોય એવા કિસ્સામાં પણ કરાઈ બદલી
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત પોલીસના ઇતિહાસમાં પહેલી વાર એકસાથે ૪૧૫ પોલીસ-કર્મચારીઓની પતિ-પત્ની કેસને ધ્યાનમાં રાખીને સ્વવિનંતીથી શુક્રવારે બદલી કરવામાં આવી હતી. એને કારણે હવે પતિ-પત્ની એક સ્થળે સાથે નોકરી કરી શકશે.
ગુજરાતના પોલીસવડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પોલીસ-કર્મચારીઓની પારિવારિક પરિસ્થિતિને ધ્યાને લઈને આ નિર્ણય કર્યો છે. પત્ની કે પતિ સરકારના બીજા વિભાગમાં કામ કરતાં હોય અને તેમનાં પતિ કે પત્નીમાંથી કોઈ એક પોલીસ-વિભાગમાં કામ કરતાં હોય એવા કિસ્સામાં પણ બદલી કરી આપવામાં આવી છે. પોલીસ-કર્મચારીઓની ફરજની સાથે તેમના પરિવારજનો અને દામ્પત્યજીવનને પણ મહત્ત્વ આપીને કરવામાં આવેલી આ બદલીમાં વિવિધ છ કૅડરના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
પોલીસ-વિભાગમાં ફરજ દરમ્યાન કર્મચારીઓને ઘણી વખત પરિવારથી દૂર રહેવાની ફરજ પડે છે. આવી પરિસ્થિતિમાં પરિવાર, સંતાનો અને અન્ય પારિવારિક જવાબદારીઓ નિભાવવામાં મુશ્કેલી ન પડે એ હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.
