સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયાની ભલામણ
બજેટ 2025
પ્રતીકાત્મક તસવીર
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ આ બજેટ સંબંધી વીમા અને આરોગ્ય ક્ષેત્ર ઉપરાંત કરવેરાને લગતાં મહત્ત્વનાં સૂચનો કર્યાં છે. આ સૌથી મોટી બૅન્કનું કહેવું છે કે દેશમાં આરોગ્ય સેવા માટેનું બજેટ કુલ રાષ્ટ્રીય પેદાશ (GDP)ના પાંચ ટકા જેટલું કરી નાખવું જોઈએ. એ ઉપરાંત તબીબી સાધનો માટેના ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ના દર પણ વાજબી બનાવવા જોઈએ. વધુ ને વધુ લોકો વીમો લે અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત કરે એ માટે વીમાના પ્રીમિયમની ચુકવણીને કરમુક્ત બનાવવી જોઈએ એવું પણ સૂચન કર્યું છે.
સ્ટેટ બૅન્કે બહાર પાડેલા અહેવાલમાં આ ભલામણ કરવામાં આવી છે. બૅન્કના મતે દેશમાં જાહેર આરોગ્ય માટેનું બજેટ ૨૦૧૭ની રાષ્ટ્રીય આરોગ્ય નીતિ મુજબ કુલ GDPના ૨.૫ ટકા જેટલું હતું, જેને વધારીને GDPના પાંચ ટકા જેટલું કરી નાખવું જોઈએ, તમાકુ તથા ખાંડની બનાવટો પર ૩૫ ટકા GST લાગુ કરીને તથા આરોગ્ય સેવા સેસ લાગુ કરીને એમાંથી મળનારી કરવેરાની આવકનો ઉપયોગ આરોગ્ય સેવા પાછળ કરવો જોઈએ.
ADVERTISEMENT
સ્ટેટ બૅન્કે કહ્યું છે કે દેશમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪માં વસ્તીના માત્ર ૩.૭ ટકા લોકો પાસે વીમો હતો. આ પ્રમાણ એ પહેલાંના વર્ષ એટલે કે ૨૦૨૨-’૨૩માં રહેલા ૪ ટકા કરતાં પણ ઓછું છે. આથી બૅન્કનું કહેવું છે કે વીમાના પ્રીમિયમને કરમુક્તિ આપવી જોઈએ, જેથી વધુ લોકો વીમો કઢાવી શકે.
બૅન્કનું સૂચન છે કે ટર્મ લાઇફ ઇન્શ્યૉરન્સ અને હેલ્થ ઇન્શ્યૉરન્સના પ્રીમિયમ પર કોઈ GST હોવો ન જોઈએ. એ ઉપરાંત આ વીમા માટે જૂના અને નવા બન્ને ટૅક્સ રેજિમમાં ૨૫,૦૦૦થી ૫૦,૦૦૦ રૂપિયા સુધીનું અલગથી ડિડક્શન આપવામાં આવવું જોઈએ.