Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકામાં વપરાશી ફુગાવો પાંચ ટકા : 29 વર્ષની ઊંચી સપાટી : સોનામાં ઘટ્યા ભાવથી ઉછાળો

અમેરિકામાં વપરાશી ફુગાવો પાંચ ટકા : 29 વર્ષની ઊંચી સપાટી : સોનામાં ઘટ્યા ભાવથી ઉછાળો

11 June, 2021 12:19 PM IST | Mumbai
Biren Vakil | vakilbiren@gmail.com

અમેરિકામાં વપરાશી ફુગાવાના આંકડા અપેક્ષા કરતાં ઊંચા આવતાં અને જૉબલેસ ક્લેમ-રોજગારીના આંકડા પણ ઘણા સારા આવતાં સોનામાં ઘટ્યા ભાવથી શાનદાર રિકવરી આવી હતી

ગોલ્ડ

ગોલ્ડ


અમેરિકામાં વપરાશી ફુગાવાના આંકડા અપેક્ષા કરતાં ઊંચા આવતાં અને જૉબલેસ ક્લેમ-રોજગારીના આંકડા પણ ઘણા સારા આવતાં સોનામાં ઘટ્યા ભાવથી શાનદાર રિકવરી આવી હતી. આંકડાઓ અગાઉ સોનું ૧૮૬૯ ડૉલર થઈ ગયું હતું, પણ એ પછી બાઉન્સ-બૅક આવતાં ૧૮૯૨ ડૉલર આસપાસ ક્વોટ થતું હતું. ઘરઆંગણે એમસીએક્સ ઑગસ્ટ સોનું ઘટીને ૪૮૬૭૫ થઈ મોડી સાંજે  ૪૯૧૭૭ રૂપિયા ક્વોટ થતું હતું. ચાંદીમાં પણ ઘટ્યા ભાવ ૧૧૦૦ રૂપિયા વધ્યા હતા. જુલાઈ ચાંદી વાયદો ૭૨૦૦૦ ક્વોટ થતો હતો. મે મહિનાનો વપરાશી ફુગાવો પાંચ ટકા થઈ ગયો હતો જે ૨૦૦૮ પછીનો ઊંચો આંક છે. રોજગારીના આંકડા- વીકલી જૉબલેસ કક્લેમ ૧૫ મહિનાની નીચી સપાટીએ જતાં ફેડને કદાચ નાણાનીતિમાં બદલાવ લાવવો પડે, બૉન્ડ ખરીદી ઘટાડવી પડે અથવા વ્યાજદર વધારવા પડે એવી અટકળે ડૉલર સુધર્યો હતો. ડૉલર ઇન્ડેક્સ ૯૦.૧૫થી વધી ૯૦.૨૭ થયો હતો. આજે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની મૉનિટરી પૉલિસીની બેઠકમાં ઈસીબીએ અપેક્ષા મુજબ વ્યાજદરો શૂન્યના સ્તરે જાળવી રાખ્યા હતા. આમ તો ફેડ ચૅરમૅન વારંવાર હૈયાધારણ આપતા રહે છે કે ફેડ ૨૦૨૩ સુધી વ્યાજદર શૂન્ય નજીક રાખશે. જોકે ફેડનો ઇચિહાસ એવો રહ્યો છે કે ફેડ બોલે છે એ કરતી નથી અને કરે છે એ બોલતી નથી. ફેડ ચૅરમૅન પૉવેલ લિક્વિડિટી સપોર્ટ ચાલુ રાખવાના મતના છે. ફુગાવાનો વધારો કામચલાઉ છે એમ પૉવેલ કહે છે. જોકે નાણામંત્રી જૅનેટ યેલેને તાજેતરમાં પૉલિસીના યુ-ટર્નની એક ઝલકરૂપે કહ્યું છે કે ઊંચા વ્યાજદર બજારો અને સમાજના હિતમાં છે.

મેક્રોઇકૉનૉમિક આઉટલુક : ફુગાવો મોટી ચિંતા, સોનામાં સેફ હેવન બાઇંગનું આકર્ષણ
કોરોનાની કટોકટીને પહોંચી વળવા બૅન્કોએ તોતિંગ સ્ટિમ્યુલસ ઠાલવતાં અને વિકસિત દેશોમાં અર્થતંત્રોમાં શાનદાર અને જાનદાર રિકવરી આવતાં અને શૅરો, જમીન, ડિજિટલ કરન્સી, રિયલ એસ્ટેટ એમ તમામ બજારોમાં તેજી આવતાં ખરીદશક્તિમાં વધારો થયો છે. અમેરિકામાં બહુ વર્ષો પછી ફુગાવામાં ચિંતાજનક ગણાય એવો વધારો આવ્યો છે. વપરાશી ભાવાંક વાર્ષિક ધોરણે ૨૯ વર્ષની ઊંચી સપાટીએ છે. ચીનમાં પણ ફુગાવો ૧૩ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. સોનાને ફુગાવા સામેનું અસરકારક હેજ માનવામાં આવે છે એટલે ફુગાવો વધવાથી સોનું ફરી લાઇમલાઇટમાં આવ્યું છે. માર્ચમાં સોનું ૧૬૬૦ ડૉલર અને ઘરઆંગણે ૪૪૦૦૦ રૂપિયા થઈ ગયું હતું. એ અરસામાં બીટકૉઇનમાં આગ ઝરતી તેજી થતાં ભાવ ૬૫૦૦૦ ડૉલર થઈ ગયા હતા, પણ એ પછી બીટકૉઇન ૩૦૦૦૦ ડૉલર થતાં રોકાણકારોનો મોહભંગ થતાં સોનું ફરી લાઇમલાઇટમાં આવ્યું છે. બૉન્ડ બજારમાં ટ્રેઝરી યીલ્ડ એકંદરે રેન્જબાઉન્ડ રહ્યાં છે એટલે સોનામાં ઘટાડે રોકાણકારોની લેવાલી આવતી રહે છે. હાલમાં ૧૦ વર્ષનાં બૉન્ડ યીલ્ડ ૧.૬૦-૧.૭૦ ટકા વચ્ચે રહે છે. જો યીલ્ડ ૧.૮૦ ટકા ઉપર સ્ટેબલ થાય તો ડૉલરમાં મજબૂત તેજી આવે, વ્યાજદર વધારાની સંભાવના વધે અને તો સોનાની તેજી પર બ્રેક લાગે.



ચાંદીની વાત કરીએ તો લોકમાનસ તેજીનું છે. ચાંદીમાં સતત ઊભરા જેવા ઉછાળા આવે છે. પણ આ ઉછાળા તકલાદી નીવડે છે. પાછલા એક વર્ષમાં ચાંદી પાંચ વાર ૬૦૦૦૦ અને પાંચ વાર ૭૪૦૦૦ થઈ એકંદરે ૬૮૦૦૦-૭૪૦૦૦ રૂપિયા વચ્ચે અથડાઈ છે. 


ટેક્નિકલ આઉટલૂક
એમસીએક્સ સોનામાં હાલની ટેક્નિકલ રેન્જ ૪૮૩૦૦-૫૦૫૦૦ રૂપિયા ગણાય. લંડન સોનાની રેન્જ ૧૮૬૨-૧૯૪૪ ડૉલર ગણાય. હાલમાં સપોર્ટ લેવલ ૧૮૭૮, ૧૮૬૬ અને રેઝિસ્ટેન્સ લેવલ ૧૯૧૩, ૧૯૨૭, ૧૯૪૪ ડૉલર છે. 

ચાંદીમાં બજાર ૬૩૦૦૦-૬૯૦૦૦ની મોટી રેન્જમાં લગાતાર અથડાઈ રહી છે. રીટેલ સેક્ટર તેજીમાં છે. હજી ૪૦-૫૦ ડૉલર થશે એવી આશામાં છે અને હેજરો અને બૅન્કો દરેક ઉછાળે વેચવાલ છે. ચાંદીમાં વ્યાજબદલા આકર્ષક હોવાથી બૅન્કો અને મોટા સ્ટૉકિસ્ટો વ્યાજબદલા અને ડાયનૅમિક હેજિંગમાં ૧૨-૧૪ ટકા વાર્ષિક વળતર કમાઈ લે છે. ચાંદીમાં સપોર્ટ લેવલ ૭૦૫૦૦, ૬૯૦૦૦, ૬૮૦૦૦, રેઝિસ્ટન્સ ૭૨૪૦૦, ૭૩૧૦૦, ૭૪૪૦૦ છે. કૉમેક્સ ચાંદીમાં સપોર્ટ ૨૭.૭૦, ૨૭.૪૦, ૨૬.૮૦, અને રેઝિસ્ટન્સ ૨૮.૦૫, ૨૮.૪૦ અને ૨૮.૮૮ ડૉલર ગણી શકાય.


સ્થાનિક બજારમાં ભાવો ટકેલા જેવા હતા. ધીમે-ધીમે અનલૉક થતાં કામકાજ સુધરતાં જાય છે બજારમાં પેન્ટ અપ ડિમાન્ડ પડી હોવાનું દેખાય છે. મુંબઈ સોનું અંદાજે ૧૦૦ રૂપિયા મજબૂત- અંદાજે ૪૯૦૦૦ આસપાસ ક્વોટ થતુ હતું. ચાંદી ૫૦૦-૭૦૦ વધીને ૭૧૫૦૦-૭૦૦ આસપાસ ક્વોટ થતી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

11 June, 2021 12:19 PM IST | Mumbai | Biren Vakil

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK