Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > જીએસટી સંબંધિત અમુક મુદ્દે બોર્ડ દ્વારા સ્પષ્ટીકરણ

જીએસટી સંબંધિત અમુક મુદ્દે બોર્ડ દ્વારા સ્પષ્ટીકરણ

15 October, 2021 04:08 PM IST | Mumbai
Shailesh Sheth

બોર્ડે ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ પરિપત્ર ક્રમાંક ૧૬૦/૧૬/૨૦૨૧-જીએસટી ઇશ્યુ કરીને સૂચિત મુદ્દે સ્પષ્ટીકરણ કર્યું છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જીએસટી સંબંધિત કાયદાની અમુક જોગવાઈઓના અર્થઘટનને કારણે સર્જાતી અમુક મૂંઝવણોને દૂર કરવા માટે કરદાતાઓ અને અન્ય હિતધારકો દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાઇરેક્ટ ટૅક્સિસ ઍન્ડ કસ્ટમ્સ (‘બોર્ડ’) સમક્ષ રજૂઆતો કરવામાં આ હતી. આ મુદ્દાઓનો તલસ્પર્શી અભ્યાસ કર્યા પછી બોર્ડે ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ પરિપત્ર ક્રમાંક ૧૬૦/૧૬/૨૦૨૧-જીએસટી ઇશ્યુ કરીને સૂચિત મુદ્દે સ્પષ્ટીકરણ કર્યું છે.

બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલા સૂચિત મુદ્દાઓ તથા એ સંબંધી બોર્ડ દ્વારા ઉપરોક્ત પરિપત્ર અન્વયે કરવામાં આવેલી સ્પષ્ટતાઓ અત્રે પ્રસ્તુત છે...



પ્રશ્ન : સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ના સેક્શન ૧૬(૪) અંતર્ગત ઇનપુટ ટૅક્સ ક્રેડિટ (આઇટીસી) લેવા સંબંધી સમયમર્યાદા નિર્દિષ્ટ કરવામાં આવી છે. ૧ જાન્યુઆરી, ૨૦૨૧થી સુધારિત આ જોગવાઈ મુજબ ઇનવૉઇસ કે ડેબિટ નોટ જે નાણાકીય વર્ષ સાથે સંલગ્ન હોય એ વર્ષ પછીના નાણાકીય વર્ષના સપ્ટેમ્બર મહિનાના રિટર્ન (જીએસટીઆર-૩બી) ભરવાની અથવા તો એ વર્ષ સંબંધી વાર્ષિક રિટર્ન ભરવાની નિર્દિષ્ટ અંતિમ તારીખ – આ બે તારીખમાંથી જે વહેલી તારીખ હોય એ પછી સંબંધિત ઇનવૉઇસ કે ડેબિટ નોટ પર રજિસ્ટર્ડ વ્યક્તિ આઇટીસી લઈ શકતી નથી.


આ સુધારિત જોગવાઈના સંદર્ભે અહીં દર્શાવેલા પ્રશ્નો સર્જાય છે...

અ) સેક્શન ૧૬(૪)ની (સુધારિત) જોગવાઈના હેતુસર ‘નાણાકીય વર્ષ’ નિશ્ચિત કરવા માટે કઈ તારીખ પ્રસ્તુત ગણાશે : (૧) ડેબિટ નોટ ઇશ્યુ કર્યાની તારીખ અથવા (૨) ડેબિટ નોટ જે ઇનવૉઇસ સંબંધી ઇશ્યુ કરવામાં આવી છે એ ઇનવૉઇસની તારીખ?


બ) જો ડેબિટ નોટ ૧ જાન્યુઆરી, ૨૦૨૧ પહેલાં અથવા ત્યાર બાદ ઇશ્યુ કરવામાં આવી હોય અને એના આધારે ૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ અથવા ત્યાર બાદ આઇટીસી લેવામાં આવી હોય તો સેક્શન ૧૬(૪)ની સુધારિત જોગવાઈ લાગુ પડશે કે પછી આ સુધારિત જોગવાઈ કેવળ ૧ જાન્યુઆરી, ૨૦૨૧ પછી ઇશ્યુ કરવામાં આવેલી ડેબિટ નોટને જ લાગુ પડશે?

સ્પષ્ટીકરણ : બોર્ડે સૌપ્રથમ એ બાબતની નોંધ લીધી હતી કે ૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ સેક્શન ૧૬(૪)માં કરવામાં આવેલા સુધારા પછી ડેબિટ નોટ અને એ જે ઇનવૉઇસ સંબંધી ઇશ્યુ કરવામાં આવી છે એ ઇનવૉઇસ વચ્ચેનો સંબંધ કાપી નાખવામાં આવ્યો છે. બોર્ડે અહીં સેક્શન ૧૬(૪)માં પ્રસ્તુત સુધારો કરતાં નાણાં ખરડો, ૨૦૨૦ના ક્લોઝ ૧૧૮માં આ સુધારા પાછળના હેતુને સમજાવતાં સ્પષ્ટીકરણની પણ નોંધ લીધી હતી. 

ઉપરોક્ત બાબતની નોંધ લીધા પછી બોર્ડે સૂચિત પ્રશ્નો સંદર્ભે અત્રે દર્શાવેલ સ્પષ્ટતાઓ કરી છે...

અ. ૧ જાન્યુઆરી, ૨૦૨૧ પછી ડેબિટ નોટ ઇશ્યુ કર્યાની તારીખના આધારે સેક્શન ૧૬(૪) અંતર્ગત ‘નાણાકીય વર્ષ’ નિશ્ચિત કરવાનું રહેશે. આ ડેબિટ નોટ જે ઇનવૉઇસ સંબંધે ઇશ્યુ કરવામાં આવી છે એ ઇનવૉઇસની તારીખ અહીં અપ્રસ્તુત ગણાશે.

બ. ડેબિટ નોટ પર આઇટીસીનો લાભ લેવા સંદર્ભે સેક્શન ૧૬(૪)ની સુધારિત જોગવાઈ ૧ જાન્યુઆરી, ૨૦૨૧થી લાગુ પડશે. પરિણામે ૧ જાન્યુઆરી, ૨૦૨૧ પહેલાં કે ત્યાર બાદ ઇશ્યુ કરવામાં આવેલી ડેબિટ નોટ પર ૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ અથવા ત્યાર બાદ આઇટીસી ક્લેમ કરવા સંબંધે સેક્શન ૧૬(૪)ની સુધારિત જોગવાઈ લાગુ પડશે, પરંતુ કોઈ પણ ડેબિટ નોટ પર ૧ જાન્યુઆરી, ૨૦૨૧ પહેલાં જો આઇટીસી ક્લેમ કરવામાં આવી હોય તો સેક્શન ૧૬(૪)ની, એમાં કરવામાં આવેલા સુધારા પહેલાંની, જોગવાઈ લાગુ પડશે (એટલે કે આ ડેબિટ નોટ જે ઇનવૉઇસ સંબંધે ઇશ્યુ કરવામાં આવી હોય એ ઇનવૉઇસની તારીખ પ્રસ્તુત ગણાશે).

ઉપરોક્ત સ્પષ્ટીકરણને બોર્ડે બે ઉદાહરણ થકી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જે અત્રે પ્રસ્તુત છે...

ઉદા. ૧ : ૧૬ માર્ચ, ૨૦૨૧ના રોજ ઇશ્યુ કરવામાં આવેલા ઇનવૉઇસ સંબંધે કરદાતા ૭ જુલાઈ, ૨૦૨૧ના રોજ ડેબિટ નોટ ઇશ્યુ કરે છે. અહીં ઇનવૉઇસ ભલે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ સાથે સંલગ્ન હોય, પરંતુ ડેબિટ નોટ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ઇશ્યુ કરવામાં આવી હોવાથી સેક્શન ૧૬(૪)ની સુધારિત જોગવાઈ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ પ્રસ્તુત ગણાશે. પરિણામે, આ એ ડેબિટ નોટ પર કરદાતા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના સપ્ટેમ્બર મહિનાના જીએસટીઆર-૩બી રિટર્ન ભરવાની નિર્દિષ્ટ અંતિમ તારીખ (૨૦ ઑક્ટોબર, ૨૦૨૨) અથવા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ સંબંધી વાર્ષિક રિટર્ન ભરવાની નિર્દિષ્ટ અંતિમ તારીખ (૩૧ ડિસેમ્બર, ૨૦૨૨) – આ બે તારીખમાંથી જે વહેલી હોય એ તારીખ પહેલાં આઇટીસી ક્લેમ કરી શકશે.

ઉદા. ૨ : ૧૫ જુલાઈ, ૨૦૧૯ના રોજ ઇશ્યુ કરવામાં આવેલા ઇનવૉઇસ સંબંધે કરદાતા ૧૦ નવેમ્બર, ૨૦૨૦ના રોજ ડેબિટ નોટ ઇશ્યુ કરે છે. સેક્શન ૧૬(૪)ની ૧ જાન્યુઆરી, ૨૦૨૧થી સુધારિત જોગવાઈ મુજબ આ કિસ્સામાં ડેબિટ નોટ પર આઇટીસી ક્લેમ કરવા માટે ૨૦૨૦-૨૧ સંબંધિત નાણાકીય વર્ષ ગણાશે. પરિણામે, રજિસ્ટર્ડ વ્યક્તિ આ ડેબિટ નોટ પર સપ્ટેમ્બર ૨૦૨૧ માટે જીએસટીઆર-૩બી દાખલ કરવા માટે સૂચિત અંતિમ તારીખ (૨૦ ઑક્ટોબર, ૨૦૨૧) અથવા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ સંબંધી વાર્ષિક રિટર્ન દાખલ કરવા માટેની સૂચિત અંતિમ તારીખ (૩૧ ડિસેમ્બર, ૨૦૨૧) – આ બે તારીખમાંથી જે વહેલી હોય એ તારીખ પહેલાં આઇટીસી ક્લેમ કરી શકશે.

પ્રશ્ન ૨ : જો સપ્લાયરે સીજીએસટી રુલ્સ, ૨૦૧૭ના રુલ ૪૮(૪) હેઠળ ‘ઈ-ઇનવૉઇસ’ ઇશ્યુ કર્યું હોય તો માલની હેરફેર દરમિયાન ઇનવૉઇસની ફિઝિકલ કૉપી સાથે હોય એ આવશ્યક છે?

સ્પષ્ટીકરણ : બોર્ડે આ મુદ્દે સીજીએસટી રુલ્સ, ૨૦૧૭ના રુલ ૧૩૮એ(૧) તથા રુલ ૧૩૮એ(૧) તથા રુલ ૧૩૮એ(૨)ની ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૦થી સુધારિત જોગવાઈની નોંધ લીધી હતી. બોર્ડે ત્યાર બાદ સ્પષ્ટ કર્યું છે કે જે સપ્લાયર ૪૮(૪) અંતર્ગત ઈ-ઇનવૉઇસ ઇશ્યુ કરે છે, એણે માલની હેરફેર દરમિયાન ઇનવૉઇસની ફિઝિકલ કૉપી સાથે રાખવાની આવશ્યકતા નથી. સંબંધિત કરઅધિકારીની ચકાસણી અર્થે ઇલેક્ટ્રોનિક ‘ઇનવૉઇસ રેફરન્સ નંબર’ (આઇઆરએન) ધરાવતા ‘ક્વિક રિસ્પોન્સ કોડ’ (ક્યુઆર કોડ) બતાવવામાં આવે એ પણ પર્યાપ્ત લેખાશે.

બોર્ડે પ્રસ્તુત પરિપત્ર તથા તાજેતરમાં ઇશ્યુ કરેલાં અન્ય પરિપત્રો સંબંધે અનેક મુદ્દે સ્પષ્ટતાઓ કરી છે, જે અંગે ભવિષ્યમાં અભ્યાસ કરીશું.

Whatsapp-channel Whatsapp-channel

15 October, 2021 04:08 PM IST | Mumbai | Shailesh Sheth

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK