Kubbawala Mustafa: UAEમાં બેસીને સીબીઆઈએ સિન્થેટિક ડ્રગ કેસના મુખ્ય આરોપી કુબ્બાવલા મુસ્તફાને યુએઈથી ભારત પ્રત્યાર્પણ કર્યો છે; મુસ્તફા મુંબઈ પોલીસનો વોન્ટેડ ગુનેગાર છે જે વિદેશથી સાંગલીમાં સિન્થેટિક ડ્રગ ફેક્ટરી ચલાવતો હતો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (Central Bureau of Investigation - CBI)એ સિન્થેટિક ડ્રગ કેસ (Synthetic Drug Case)ના મુખ્ય આરોપી કુબ્બાવાલા મુસ્તફા (Kubbawala Mustafa)ને સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates)થી ભારત (India) પ્રત્યાર્પણ કર્યો છે. CBIએ શુક્રવારે આ માહિતી આપી હતી.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ શુક્રવારે જારી કરેલી એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, ‘એજન્સીએ ઇન્ટરપોલ ચેનલો દ્વારા કુબ્બાવાલા મુસ્તફાને UAEથી પરત લાવવાનું સફળતાપૂર્વક સંકલન કર્યું છે. કુબ્બાવાલા મુસ્તફા મુંબઈ પોલીસ (Mumbai Police)નો વોન્ટેડ ગુનેગાર છે. CBIના ઇન્ટરનેશનલ પોલીસ કોઓપરેશન યુનિટ (International Police Cooperation Unit - IPCU) એ એનસીબી - અબુ ધાબી (NCB - Abu Dhabi) સાથે સહયોગથી તેને ભારત લાવ્યો છે. મુસ્તફા સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ડ્રગ ફેક્ટરીના માસ્ટરમાઇન્ડ કુબ્બાવાલા મુસ્તફાને ભારત પરત લાવવા માટે સીબીઆઈની ચાર સભ્યોની ટીમ ૭ જુલાઈના રોજ દુબઈ (Dubai) જવા રવાના થઈ હતી. ત્યારબાદ, ટીમ શુક્રવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પહોંચી. સીબીઆઈએ જણાવ્યું હતું કે, ઇન્ટરપોલ દ્વારા સીબીઆઈએ એનસીબી-અબુ ધાબી સાથે મળીને નજીકથી ફોલોઅપ કર્યું હતું અને આ વ્યક્તિનું સ્થાન સંયુક્ત આરબ અમીરાત (UAE)માં પહેલેથી જ મળી ગયું હતું.
મુસ્તફા પર સાંગલી (મહારાષ્ટ્ર)માં વિદેશથી સિન્થેટિક ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ચલાવવાનો આરોપ છે અને મુંબઈ પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. કુર્લા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. સીબીઆઈએ એક મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું કે, ‘કુબ્બાવલા મુસ્તફા અને અન્ય લોકો સાથે જોડાયેલી ફેક્ટરીમાંથી ૨.૫૨૨ મિલિયન રૂપિયાના કુલ ૧૨૬.૧૪૧ કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. મુસ્તફા સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને કોર્ટે તેની વિરુદ્ધ ઓપન વોરંટ પણ જારી કર્યું છે. મુંબઈ પોલીસની વિનંતી પર, સીબીઆઈએ ૨૫ નવેમ્બર, ૨૦૨૪ના રોજ ઇન્ટરપોલ દ્વારા આ કેસમાં રેડ નોટિસ પ્રકાશિત કરી હતી.’
૧૯ જૂન, ૨૦૨૫ના રોજ NCB-અબુ ધાબીએ માહિતી આપી કે, તેમના અધિકારીઓએ મુસ્તફાને ભારત પાછા મોકલવા માટે UAE માં સુરક્ષા મિશનની વિનંતી કરી હતી અને ત્યારબાદ તેને UAE થી લાવવા માટે મુંબઈ પોલીસની એક ટીમ બનાવવામાં આવી હતી.
કુબ્બાવલા મુસ્તફાને શુક્રવારે સીબીઆઈ, ઇન્ટરપોલ અને મુંબઈ પોલીસના નેતૃત્વમાં એક સંકલિત કામગીરીમાં યુએઈથી ભારત મોકલવામાં આવ્યો હતો. રાજ્ય પોલીસની ચાર સભ્યોની ટીમ દ્વારા કથિત ડ્રગ્સ ઉત્પાદક કુબ્બાવલા મુસ્તફાને યુએઈથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (Chhatrapati Shivaji Maharaj International Airport) પર લાવવામાં આવ્યો હતો. રાત્રે લગભગ કડક સુરક્ષા વચ્ચે તે મુંબઈ પહોચ્યો હતો હવે આગળની કાર્યવાહી થશે.

