અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ-વાટાઘાટોમાં પ્રગતિ થવાથી સપ્લાયની ચિંતા હળવી થતાં જ બ્રેન્ટ ક્રૂડ ઘટીને ૭૦.૩૩ ડૉલરના સ્તરે પહોંચ્યું
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઑઇલના ભાવમાં ગુરુવારે સતત ત્રીજા દિવસે આશરે બે ટકાનો ઘટાડો નોંધાયો છે. કતરના વિદેશમંત્રાલયે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર સત્તાવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે હોર્મુઝની ખાડીમાંથી તેલપુરવઠાને સુરક્ષિત રાખવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી પરોક્ષ વાટાઘાટોમાં સકારાત્મક પ્રગતિ થઈ છે. આ સમાચારને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલની સપ્લાય ખોરવાઈ જવાનો ડર ઓછો થતાં વૈશ્વિક બજારમાં કિંમતો ગગડી છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો ૧.૭૩ ટકા ઘટીને ૭૦.૩૩ ડૉલર પ્રતિ બૅરલ અને અમેરિકાનું વેસ્ટ ટેક્સસ ઇન્ટરમીડિયેટ (WTI) ૨.૦૧ ટકા ઘટીને ૬૭.૨૦ ડૉલર પ્રતિ બૅરલ પર આવી ગયું છે જે ફેબ્રુઆરી પછીનું સૌથી નીચું સ્તર છે. બન્ને પક્ષો વચ્ચે હવે પછીની આગામી બેઠક ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયતોલ્લા અલી ખામેનેઈની ૯ જુલાઈએ યોજાનારી અંતિમ વિધિ બાદ યોજાશે.
કૉમોડિટી ઍનલિસ્ટ્સના જણાવ્યા અનુસાર હોર્મુઝની ખાડીમાંથી સાઉદી અરેબિયાનાં એક કરોડ બૅરલ તેલ ભરેલાં પાંચ સુપરટૅન્કર્સ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયાં છે. બીજી તરફ ચીન તરફથી ક્રૂડ તેલની વૈશ્વિક માગણીમાં હજી ધારી ઝડપે સુધારો થયો નથી જેને લીધે ભાવો દબાણ હેઠળ આવ્યા છે. આ બદલાયેલી સ્થિતિને કારણે વૈશ્વિક બૅન્ક USBએ ત્રીજા અને ચોથા ક્વૉર્ટર માટે બ્રેન્ટ ક્રૂડના ભાવનો અંદાજ ઘટાડીને ૮૦ ડૉલર પ્રતિ બૅરલ કરી દીધો છે. આ દરમ્યાન આફ્રિકાનો સૌથી મોટો તેલ-ઉત્પાદક દેશ નાઇજીરિયા ઇન્ટરનૅશનલ એનર્જી એજન્સી (IEA)માં અસોસિએટ સભ્ય તરીકે જોડાનાર પ્રથમ OPEC દેશ એટલે કે ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝનો દેશ બન્યો છે.
