મૅન્ચેસ્ટરમાં ડેબ્યુ કરીને શફાલી વર્મા અને સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ તોડ્યો
વાઇસ-કૅપ્ટન તિલક વર્માએ વૈભવ સૂર્યવંશીને 122 નંબરની T20 કૅપ આપી
મૅન્ચેસ્ટરમાં બીજી T20 મૅચ પહેલાં ભારતીય વાઇસ-કૅપ્ટન તિલક વર્માએ વૈભવ સૂર્યવંશીને 122 નંબરની T20 કૅપ આપીને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં તેનું સ્વાગત કર્યું હતું. આઉટ ઑફ ફૉર્મ ચાલી રહેલાં ઓપનર સંજુ સૅમસનને ડ્રૉપ કરીને વૈભવને તક આપવામાં આવી હતી. ૨૦૨૪માં પણ રાજસ્થાન રૉયલ્સે ઇન્જર્ડ સંજુ સૅમસનને સ્થાને વૈભવને IPL ડેબ્યુ કરાવ્યું હતું.
૧૫ વર્ષ ૯૯ દિવસે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર વૈભવ સૂર્યવંશી ભારત માટે રમનાર યંગેસ્ટ ક્રિકેટર બન્યો છે. ઉપલબ્ધ આંકડા અનુસાર શફાલી વર્માએ અગાઉ ૧૫ વર્ષ ૨૩૯ દિવસની ઉંમરે ડેબ્યુ કર્યું હતું.
તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરનો ૩૭ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. સચિને ૧૯૮૯માં કરાંચીમાં પાકિસ્તાન સામે ૧૬ વર્ષ ૨૦૫ દિવસની ઉંમરે ભારતીય મેન્સ ટીમ માટે ડેબ્યુ કર્યું હતું. અગાઉ વૉશિંગ્ટન સુંદર શ્રીલંકા સામે ૨૦૧૭માં પહેલી વખત રમીને ૧૮ વર્ષ ૮૦ દિવસની ઉંમરે રમીને ભારતનો યંગેસ્ટ મેન્સ T20 ડેબ્યુડન્ટ હતો.
ADVERTISEMENT
ફુલ મેમ્બર ટીમો વચ્ચે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર વૈભવ સૂર્યવંશી બીજો યંગેસ્ટ ખેલાડી બન્યો છે. અગાઉ ૧૯૯૬માં ઝિમ્બાબ્વે સામે પાકિસ્તાનના હસન રઝાએ ૧૪ વર્ષ ૨૨૭ દિવસની ઉંમરે પહેલી વખત ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પગ મૂક્યો હતો. ફુલ મેમ્બર ટીમો વચ્ચે T20 કરનાર વૈભવ સૌથી યંગેસ્ટ ખેલાડી છે.
વૈભવે બે સિક્સ ફટકારીને ૧૦ બૉલમાં ૧૪ રન કર્યા
વૈભવ સૂર્યવંશીએ પોતાની પહેલી મૅચમાં ૧૪૦ના સ્ટ્રાઇટ-રેટથી બે સિક્સ ફટકારીને ૧૦ બૉલમાં ૧૪ રન કર્યા હતા. સ્પિનર વિલ જૅક્સની ઓવરમાં આગળ આવીને સિક્સ ફટકારવાના ચક્કરમાં વન્ડર-બૉય વૈભવ વિકેટકીપર જૉસ બટલરને હાથે સ્ટમ્પિંગ આઉટ થયો હતો.
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વૈભવે પોતાના પહેલા બૉલ પર ઇંગ્લૅન્ડ માટે પહેલી વખત T20 મૅચ રમી રહેલા ફાસ્ટ બોલર જૉશ ટન્ગનો સામનો કર્યો હતો. પહેલા બે બૉલે સ્વિંગને કારણે બૉલ મિસ થયા અને તે રન લઈ શક્યો નહોતો. ત્રીજો બૉલ યૉર્કરનો સામનો કરીને વૈભવે પહેલો રન લીધો હતો.
મુખ્ય ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર સામે પહેલો અને મૅચનો ચોથો બૉલ રમતા સમયે વૈભવે સિક્સ ફટકારી હતી. પાંચમા બૉલે ઝીરો અને છઠ્ઠા બૉલે એક રન જોવા મળ્યો હતો. જૉશ ટન્ગ સામે સાતમા બૉલનો સામનો કરતા સમયે વૈભવે સિક્સ ફટકારી હતી. આઠમા બૉલે વૈભવ એક રન દોડ્યો પણ લેગ બાયનો રન માત્ર ભારતને મળ્યો. વિલ જૅક્સ સામે નવમો બૉલ મિસ કર્યો અને ૧૦મા બૉલે સ્ટમ્પિંગ આઉટ થયો હતો.
