Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > દેશમાં કેસની સંખ્યા વધતી હોવા છતાં એક વર્ષમાં અપાયેલ વૅક્સિનેશનના ૧૫૭ કરોડ ડોઝને કારણે આપણી નિઃસહાયતા ઘટી

દેશમાં કેસની સંખ્યા વધતી હોવા છતાં એક વર્ષમાં અપાયેલ વૅક્સિનેશનના ૧૫૭ કરોડ ડોઝને કારણે આપણી નિઃસહાયતા ઘટી

17 January, 2022 03:38 PM IST | Mumbai
Jitendra Sanghvi

દેશની નજર ગણતરીના દિવસોમાં પેશ કરાનાર કેન્દ્રીય અંદાજપત્ર પર

પ્રતીકાત્મક તસવીર/આશિષ રાજે

પ્રતીકાત્મક તસવીર/આશિષ રાજે


દેશમાં મહામારીની ત્રીજી લહેર વણથંભી આગળ વધી રહી છે. સતત બીજે દિવસે કુલ નવા કેસ ૨.૬૫ લાખથી વધુ નોંધાયા છે. તો પણ છેલ્લા ૧૯ દિવસમાં બીજી વાર આ કેસમાં ઘટાડો થયો છે (૧૪ જાન્યુઆરીના  ૨.૬૯  લાખમાંથી ૧૫ જાન્યુઆરીના ૨.૬૬ લાખ).  મહારાષ્ટ્ર  (૪૨,૦૦૦ ઉપર) અને મુંબઈમાં (૧૦,૦૦૦ ઉપર). જ્યાં પણ કેસ ઘટે છે તે મુખ્યત્વે ટેસ્ટની સંખ્યાના ઘટાડાને લીધે. 
એટલે ત્રીજી લહેર ટોચ પર પહોંચી છે તેમ કહી શકાય તેમ નથી કે ક્યારે પહોંચશે તે પણ કહી શકાય તેમ નથી, પણ નવા કેસમાં સતત વધારો થવાને બદલે તે કોઈક દિવસ ઘટે પણ છે એટલે એ ધારવા જેવી ઘાતક (ફેલાવાની બાબતે) ન પણ નીવડે.
રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથેની મિટિંગોમાં વડા પ્રધાન સતત એ વાત પર ભાર મૂકે છે કે રાજ્યો જે પણ પ્રતિબંધ મૂકે તેને કારણે આર્થિક પ્રવૃત્તિના ક્ષેત્રોને અને લોકોની રોજી-રોટીને સૌથી ઓછી અસર પહોંચે તે ધ્યાનમાં રહેવું જોઈએ. સ્વાસ્થ્ય માટેની માળખાકીય સવલતો અને વૅક્સિનેશનની ઝડપ વધારવા દ્વારા જ મહામારી સામેનો જંગ જીતી શકાય.
અમેરિકા અને ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ભાવવધારો આર્થિક રિકવરી સામેનું સૌથી મોટું જોખમ સાબિત થઈ શકે તેમ છે. એને રોકવા માટે આર્થિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા સિવાય અન્ય વિકલ્પ નથી. ક્રૂડના વધતા ભાવ પણ પાર્ટીના રંગમાં ભંગ પાડી શકે.
મહામારી અંગેના નિષ્ણાતોનો અભ્યાસ ગૂંચવાડો ઊભો કરે છે  
એક અભ્યાસ પ્રમાણે ઓમાઇક્રોનથી દેશની મોટા ભાગની (૮૫ ટકા) વસ્તી અસરગ્રસ્ત થશે. તે ગંભીર ભલે ન હોય પણ તે મટ્યા પછી ઊથલો મારવાની સંભાવના બહુ મોટી છે અને અસરગ્રસ્ત થયેલને લાંબા ગાળા સુધી નાની-મોટી તકલીફોનો સામનો કરવો પડે છે. બીજો અભ્યાસ 
એમ પણ સૂચવે છે કે ઓમાઇક્રોનથી અસરગ્રસ્ત થયા પછી ઊભી થતી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) જીવનભર ટકી રહે છે અને બીજા વેરિઅન્ટ સામે રક્ષણ પૂરું પાડે છે એ ઓમાઇક્રોનનું જમા પાસું ગણાય.
છેલ્લા એક અઠવાડિયામાં વિશ્વમાં નોંધાયેલ કેસમાં ૫૫ ટકાના વધારા સાથે કોરોનાના કુલ દોઢ કરોડ નવા કેસ નોંધાયા છે અને ઓમાઇક્રોન તેની વિક્રમ ઝડપે ફેલાવાની ક્ષમતાને કારણે   લગભગ વિશ્વની પૂરી વસ્તીને ઓછેવત્તે અંશે ગ્રસ્ત કરશે. માર્ચ સુધીમાં ત્રીજી લહેરનું જોર નરમ પડી શકે.
ઓમાઇક્રોનનો ફેલાવો જે ઝડપે વધે છે એટલી જ ઝડપે ઘટવાનો પણ ખરો. બ્રિટનમાં તો નવા કેસ ટોચ ઉપર પહોંચ્યા પછી ઘટાડાની શરૂઆત પણ થઈ છે (રોજના બે લાખની ટોચ પર પહોંચ્યા પછી હવે તે ૧.૪ લાખ પર આવી ગયા છે અને આગળ ઘટાડો ચાલુ છે). અમેરિકામાં પણ એમ બનવાની તૈયારી છે. જોકે આ બે દેશોમાં ઘટાડો શરૂ થયો છે એ જ સમયે અને એ જ સ્પીડમાં અન્ય દેશોમાં એમ બની રહ્યું નથી. નવા કેસ ઘટવાના તબક્કે પણ તે કેટલાય નવા લોકોને તેના ઝપાટામાં લેશે જ.
સોશ્યલ મીડિયામાં ભલામણ કરાયા પ્રમાણે પોતાની જાતે આ મહામારીની સારવાર કરવી જોખમરૂપ ગણાય
ભલે ઓમાઇક્રોનની ગંભીરતા ઓછી હોય અને તે ફેફસાં સુધી ન પહોંચતો હોય તો પણ અમુક ચિહ્‌નોવાળા દરદી નિષ્ણાત ડૉક્ટરની સલાહ સિવાય સોશ્યલ મીડિયાના પ્રચાર  પ્રમાણે સારવાર કરે તો તે ભારે પડી શકે.હૉસ્પિટલાઇઝેશનના કેસમાં ૯૦ ટકા ઉપરના વૅક્સિન ન લીધી હોય તેવાનો સમાવેશ થતો હોઈ વૅક્સિનેશનની ઝડપ દ્વારા મહામારીની ગંભીરતા ઘટાડવાનો અન્ય વિકલ્પ નથી.
વૅક્સિનેશનની શરૂઆતને એક વર્ષ પૂરું થયું, પુખ્ત વયના ૮ કરોડ લોકોના બન્ને ડોઝ બાકી છે
વૅક્સિનેશનની શરૂઆતને એક વર્ષ પૂરું થયું છે (૧૫ જાન્યુઆરી). આ એક વર્ષમાં  વૅક્સિનેશનના  ૧૫૬ કરોડ ડોઝ અપાયા છે. પુખ્ત વયની ૬૮ ટકા (૬૪ કરોડ) વસ્તીએ બન્ને ડોઝ લીધા છે અને ૯૨ ટકા (૨૨ કરોડ) વસ્તીએ એક ડોઝ. એટલે એક ડોઝ લીધો હોય તેના બન્ને ડોઝ પર અને આઠેક કરોડની વસ્તી (જેણે એક પણ ડોઝ લીધો નથી) તેના બન્ને ડોઝ અપાવા પર ભાર મુકાવો જોઈએ. તેમાં દોઢ કરોડ જેટલા તો વરિષ્ઠ નાગરિકો છે. લગભગ ૧૯ લાખ લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે અને ૧૫થી ૧૭ વર્ષના તરુણોના ૪૦ ટકાએ (૩.૪ કરોડ) પહેલો ડોઝ લીધો છે.
વરિષ્ઠ નાગરિકો માટેના બૂસ્ટર ડોઝ અને ફ્રન્ટલાઇન વર્કરો, પોલીસ કર્મચારીઓ અને મેડિકલ સ્ટાફ માટેના પ્રિકોશન ડોઝની ઝડપ વધારીને કોરોનાની મહામારી પર કન્ટ્રોલ મેળવી શકાય. બે ડોઝ વચ્ચેનો ગાળો ઘટાડીને પણ વૅક્સિનેશનની ઝડપ વધારી શકાય.
પ્રતિબંધોનો આધાર નવા નોંધાતા કેસ નહીં, પણ હૉસ્પિટલની બેડની ઑક્યુપન્સી હોવો જોઈએ
ઓમાઇક્રોનને કારણે વધી રહેલ કેસને ઘટાડવા અનેક રાજ્યોએ આખા રાજ્ય માટે એક જ જાતના પ્રતિબંધો મૂકવા માંડ્યા છે, એને કારણે આર્થિક રિકવરીને મોટી બ્રેક લાગી શકે. આમ કરવાને બદલે વડા પ્રધાને જ્યાં નવા કેસ વધુ નોંધાતા હોય તેવા મર્યાદિત પ્રદેશો માટે સ્થાનિક સ્તરના પ્રતિબંધો મૂકવાની ભલામણ રાજ્ય સરકારોને કરી છે. આમ કરીને આર્થિક પ્રવૃત્તિઓ પર અને લોકોની રોજી-રોટી પર ઓછામાં ઓછી અસર પડે તેવા પગલાં જ લેવા જોઈએ. આપણી પાસે (૨૦૨૨માં) આજે મહામારી સામે લડવાનો બે વર્ષનો અનુભવ છે એટલે પૂરા રાજ્ય માટે એકસરખા પ્રતિબંધો કે સંપૂર્ણ લૉકડાઉનની જરૂર નથી. આજે આપણે ૨૦૨૦ જેટલા નિ:સહાય પણ નથી જ. દેશના અગ્રગણ્ય ઔદ્યોગિક સંગઠનોએ પણ સરકારને ભલામણ કરી છે કે નવા નોંધાતા અને ઝડપથી વધી રહેલ કેસને આધારે નહીં, પણ હૉસ્પિટલની બેડની ઑક્યુપન્સીને આધારે નવા પ્રતિબંધો મુકાવા જોઈએ.
દેશમાં લગભગ આઠ મહિના પછી રોજના ૨.૭ લાખ જેટલા નવા કેસ નોંધાવાને પગલે સરકાર, ઉદ્યોગજગત અને અર્થશાસ્ત્રીઓ બીજી લહેર પછી ધીમી ગતિએ શરૂ થયેલ આર્થિક રિકવરી રૂંધાઈ ન જાય એ દૃષ્ટિએ ભવિષ્યનાં પગલાઓનો વિચાર કરવા માંડ્યા છે.
ઔદ્યોગિક ઉત્પાદન નવ મહિનાનું સૌથી નીચું, છૂટક ભાવવધારો છ મહિનાનો સૌથી ઊંચો
નવેમ્બર મહિને ઔદ્યોગિક ઉત્પાદનનો ૧.૪ ટકાનો વધારો નવ મહિનાનો સૌથી નીચો હતો. નવેમ્બર ૨૦૨૦ના નીચા બેઇઝ (૧.૬ ટકાનો ઘટાડો) છતાં નવેમ્બર ૨૦૨૧નો નીચો દર ઔદ્યોગિક ઉત્પાદન ધીમું પડ્યું હોવાની શાખ પૂરે છે.
બીજી તરફ ડિસેમ્બર મહિને ૫.૬ ટકાનો છૂટક ભાવવધારો છેલ્લા છ મહિનાનો સૌથી ઊંચો છે (નવેમ્બરમાં ૪.૯ ટકા). આ વધારો મુખ્યત્વે કરીને ખાદ્ય ચીજોના ઊંચા ભાવવધારા (૪.૧ ટકા)ને આભારી છે (નવેમ્બર ૧.૯ ટકા). આમ જોતાં આ ભાવવધારો છ મહિનાથી રિઝર્વ બૅન્કના ઉપરના લક્ષ્યાંક (છ ટકા)થી નીચો છે, પણ હાલના દરે તે ગમે ત્યારે છ ટકાની મર્યાદા ઓળંગી શકે.
ઓમાઇક્રોનના ઝડપી ફેલાવાને લીધે આર્થિક રિકવરી માટે ઊભી થયેલ અનિશ્ચિતતાને કારણે રિઝર્વ બૅન્ક ફેબ્રુઆરી ૨૦૨૨ની મૉનેટરી પૉલિસીમાં રિવર્સ રેપોનો દર નહીં વધારે તે લગભગ નિશ્ચિત ગણાય. આર્થિક વિકાસના દરમાં ઘટાડો ન થાય એ માટે પણ વ્યાજના દર વધારાશે કે નહીં તેનો આધાર ત્રીજી લહેરની ગંભીરતા અને તેને કારણે આર્થિક પ્રવૃત્તિઓ પર મુકાતા પ્રતિબંધો પર રહેશે. તેમ નહીં થાય તો પૉલિસી નોર્મલાઇઝેશન (પૉલિસી રેટનો વધારો) જૂન ૨૦૨૨ સુધી મુલતવી રહી શકે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના (બેરલ દીઠ ૮૫ ડૉલરના) ભાવ બે મહિનાના સૌથી ઊંચા છે. એની અસર આપણા આયાતના બિલ પર, રૂપિયાની બાહ્ય કિંમત પર અને આપણા ઓવરઓલ ભાવવધારા પર પડે જ.
ક્રૂડના ભાવવધારા છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લા બે મહિનાથી વધારાયા નથી. જો તે વધવા માંડે તો ભાવવધારો સર્વવ્યાપી બને અને કાબૂ બહાર જઈ શકે. 
આવતા બાર મહિનામાં ૨૫૬ બિલ્યન ડૉલરનું વિદેશી દેવું ચૂકવવા પાત્ર બને છે ત્યારે છેલ્લાં થોડાં અઠવાડિયાંથી ઘટી રહેલ વિદેશી હૂંડિયામણ પણ ચિંતાનો વિષય ગણાય. વળી ફેડ દ્વારા અપેક્ષા કરતાં વહેલો થનાર વ્યાજદરનો વધારો પણ વિદેશી મૂડીના આઉટફલો પર અને તે દ્વારા દેશના વિદેશી હૂંડિયામણ પર અવળી અસર કરે, ખાસ કરીને તો આયાતોનું બિલ વધી રહ્યું હોય ત્યારે.
વિશ્વમાં સાડાત્રણ કરોડ લોકોએ રાજીનામાં આપ્યાં, કોરોનાની સાઇડ ઇફેક્ટ કે મેન ઇફેક્ટ?
એક બાજુ મહામારીમાં લાખો લોકોએ નોકરીઓ ગુમાવી છે તો બીજી બાજુ ૨૦૨૧ના વર્ષે વિશ્વમાં ૩.૬ કરોડ કર્મચારીઓએ રાજીનામાં આપ્યાં છે. આમાં મહિલાઓનો સમાવેશ પણ થાય છે. આ માટેનાં અનેક કારણો હોઈ શકે. આમાંના ઘણા બધાએ પોતાનાઓ સાથે ગુણવત્તાસભર જિંદગી જીવવા માટે આ પગલું ભર્યું છે. મહામારીએ લોકોના જીવન જીવવાની શૈલીના ખ્યાલને ધડમૂળથી બદલી નાખ્યા છે. ૧૯૩૦ના ‘ગ્રેટ ડિપ્રેશન’ની જેમ અર્થશાસ્ત્રીઓએ આ ઘટના માટે ‘ગ્રેટ રેઝિગ્નેશન’ જેવો શબ્દ રચ્યો છે. વિશ્વની અને ભારતની સૌથી મોટી ચિંતા આર્થિક રિકવરી કે રોજગારી વધારવાની તો છે જ, પણ  તેથીય વધુ પુરવઠાની પરિસ્થિતિ (સપ્લાય ચેન) બગડે અને વેતન વધારો કરવાના દિવસો આવે ત્યારે ભાવવધારાની હાલની સમસ્યા વણસે એ માટે શું પગલાં લઈ શકાય તેની છે.


Whatsapp-channel Whatsapp-channel

17 January, 2022 03:38 PM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK