વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં તેજીનું વાતાવરણ ફરી પાછું ફર્યું હોય એમ માર્કેટ કૅપિટલાઇઝેશનમાં સોમવારે ૩.૨૭ ટકાની વૃદ્ધિ થતાં આંકડો ૨.૭૬ ટ્રિલ્યન ડૉલર પર પહોંચ્યો હતો
ક્રિપ્ટોકરન્સીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ડોઇશ બૅન્ક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બૅન્ક સહિતની વૈશ્વિક બૅન્કોનો સમૂહ હવે અમેરિકામાં ક્રિપ્ટોકરન્સીમાં કામકાજનો વિસ્તાર કરવા માટેના રસ્તા શોધી રહ્યો છે. વૉલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. બૅન્કો કઈ રીતે આ યોજનાને અમલી બનાવવા માગે છે એ હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ અમેરિકાને ક્રિપ્ટો માટે અનુકૂળ દેશ બનાવવાની પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે જાહેરાત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બૅન્કો સાથે કામ કરવા માટે બિટગો, સર્કલ, કૉઇનબેઝ અને પાક્સોસ નામની ક્રિપ્ટોસંબંધી કંપનીઓ સજ્જ થઈ છે.
દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં તેજીનું વાતાવરણ ફરી પાછું ફર્યું હોય એમ માર્કેટ કૅપિટલાઇઝેશનમાં સોમવારે ૩.૨૭ ટકાની વૃદ્ધિ થતાં આંકડો ૨.૭૬ ટ્રિલ્યન ડૉલર પર પહોંચ્યો હતો. બિટકૉઇનમાં ૪.૧૮ ટકા વધારો થઈને ભાવ ૮૮,૧૫૨ ડૉલર થઈ ગયો હતો. ઇથેરિયમમાં ૩.૧૧ ટકા વધારો થતાં ભાવ ૧૬૨૯ ડૉલરને વટાવી ગયો હતો. અન્ય વધેલા કૉઇનમાં ૩.૨૯ ટકા સાથે એક્સઆરપી, ૨.૪૧ ટકા સાથે બીએનબી અને ૧.૪૫ ટકા સાથે સોલાના સામેલ હતા.

