Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > થિયેટરમાં ધુરંધર તો શૅરબજારમાં મંદીવાળાનું રિવેન્જ પુરજોશમાં

થિયેટરમાં ધુરંધર તો શૅરબજારમાં મંદીવાળાનું રિવેન્જ પુરજોશમાં

Published : 24 March, 2026 09:14 AM | IST | Mumbai
Anil Patel

વિશ્વભરનાં શૅરબજાર સાતેક ટકા સુધી ખરડાયાં, સેન્સેક્સ ૧૮૩૭ પૉઇન્ટ ખલ્લાસ, માર્કેટકૅપની રીતે રોકાણકારોના વધુ ૧૩.૯૦ લાખ કરોડ સ્વાહા : BSEમાં એક શૅર નવા શિખરે ગયો, સામે ૧૭ શૅર નવા નીચા તળિયે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


વિશ્વબજારોનું નવું સપ્તાહ ખરાબ રીતે શરૂ થયું છે. એશિયન શૅરબજારો સોમવારે સવાબેથી સાતેક ટકા ડૂલ થયાં છે. સાઉથ કોરિયા સાતેક ટકા, ચાઇના પોણાચાર ટકા, જપાન તથા હૉન્ગકૉન્ગ સાડાત્રણ ટકા, તાઇવાન અઢી ટકા, થાઇલૅન્ડ અને સિંગાપોર અઢી ટકા નજીક, ફિલિપીન્સ બે ટકા, વિયેતનામ અઢી ટકા બગડ્યું છે. ઇન્ડોનેશિયા રજામાં છે. યુરોપ પણ રનિંગમાં ૧૫૫૨ પૉઇન્ટ કે એકાદ ટકો ઘટી ૧,૫૨,૭૪૦ ચાલતું હતું. બિટકૉઇન ૬૮,૨૬૦ ડૉલર આસપાસ હતો. બ્રેન્ડ ક્રૂડ ૧૧૦ ડૉલર થઈને ૧૦૮ ડૉલર આજુબાજુ રમતું હતું. સોના-ચાંદીમાં જબરી ખુવારી થઈ છે. કોમેક્સ ગોલ્ડ સાત ટકા તૂટી ૪૨૮૩ ડૉલર, હાજર સોનું સવાપાંચ ટકા ખરડાઈ ૪૨૫૪ ડૉલર તો કોમેક્સ સિલ્વર સવાસાત ટકાની ખુવારીમાં ૬૫ ડૉલર નીચે આવી ગઈ છે. પ્લેટિનમ સવાછ ટકા ડાઉન હતું. ઇન્ડસ્ટ્રીઅલ મેટલ વાયદા અડધાથી પોણાબે ટકા ઘટ્યા છે.

ઘરઆંગણે આજે, મંગળવારે ડેરિવેટિવ્સમાં માર્ચ સિરીઝનું સેટલમેન્ટ છે. સેન્સેક્સ આગલા બંધથી ૮૦૧ પૉઇન્ટના ઘટાડે ૭૩,૭૩૨ ખૂલી છેવટે ૧૮૩૭ પૉઇન્ટ ખરડાઈ ૭૨,૬૯૬ તથા નિફ્ટી ૬૦૨ પૉઇન્ટ ધોવાઈને ૨૨,૫૧૩, ગઈ કાલે બંધ થયો છે. આરંભથી અંત સુધી ખાસ્સા ખરાબ બજારમાં શૅર આંક ૭૩,૩૩૨ ખુલ્યો તે તેની ઇન્ટ્રા-ડે હાઈ હતી. ત્યાંથી બજાર નીચામાં ૭૨,૫૫૮ થયું હતું. નિફ્ટી પણ નીચામાં ૨૨,૪૭૧ દેખાયો હતો. બજારની ઑલરાઉન્ડ વ્યાપક ખરાબીના પગલે માર્કેટ-બ્રેડ્થ ખૂબ જ ખરડાઈ છે. NSEમાં વધેલા ૩૩૨ શૅર સામે ૩૦૦૮ શૅર ઘટ્યા છે. માર્કેટકૅપ ૧૩.૯૦ લાખ કરોડના ધોવાણમાં ૪૧૫.૨૧ લાખ કરોડ થઈ ગયું છે. BSE ખાતે ભાવની રીતે ૬૭ શૅર એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવી ટોચે ગયા હતા, સામે ૧૧૨૯ જાતોમાં નવાં ઐતિહાસિક બૉટમ બન્યાં છે. સેન્સેક્સ નિફ્ટીના અઢી ટકાના ઘટાડા સામે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ પાંચેક ટકા કે ૨૬૯૦ પૉઇન્ટ, રિયલ્ટી ઇન્ડેક્સ ૪.૮ ટકા, મેટલ ઇન્ડેક્સ ૧૭૯૪ પૉઇન્ટ કે ૪.૮ ટકા, પાવર ઇન્ડેક્સ ૨.૮ ટકા, યુટિલિટીઝ ૨.૬ ટકા, ઑટો ૩.૨ ટકા, હેલ્થકૅર ૨.૩ ટકા, ઑઇલ-ગૅસ ૩.૧ ટકા, એનર્જી અઢી ટકા, ટેલિકૉમ ચાર ટકા, FMCG ૨.૭ ટકા, નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૪.૫ ટકા, નિફ્ટી મીડિયા ચાર ટકા ધોવાયો છે. બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૧૪ શૅરના બગાડમાં ૧૯૮૯ પૉઇન્ટ કે પોણાચાર ટકા સાફ થયો છે. PSU બૅન્ક નિફ્ટી પણ ૧૨માંથી ૧૨ શૅરની બૂરાઈમાં ૪.૧ ટકા બગડ્યો છે. આઇટી ઇન્ડેક્સ આ બધા વચ્ચે માત્ર ૧૩૮ પૉઇન્ટ ઘટ્યો છે. જોકે તેના ૮૦માંથી ૭૨ શૅર ડાઉન હતા.



સેન્સેક્સ નિફ્ટીમાં HCL ટેક્નૉલૉજી ૧.૮ ટકા, પાવરગ્રીડ ૧.૪ ટકા, ઇન્ફી ૦.૩ ટકા, ટેક મહિન્દ્ર નહિવત્ પ્લસ હતા. શ્રીરામ ફાઇનૅન્સ સાડાછ ટકા તૂટી નિફ્ટીમાં ટૉપ લૂઝર હતી. ટાઇટન ૬.૨ ટકાની ખરાબીમાં સેન્સેક્સ ખાતે વર્સ્ટ પર્ફોર્મર બની છે. અદાણી પોર્ટ્સ ૪.૫ ટકા, લાર્સન ૨.૭ ટકા, મારુતિ સવાબે ટકા, મહિન્દ્ર સાડાત્રણ ટકા, જીઓ ફાઇનાન્શિયલ ૫.૪ ટકા, JSW સ્ટીલ ૪.૯ ટકા, તાતા સ્ટીલ ૪.૮ ટકા, ભારત ઇલેક્ટ્રિકલ ૪.૯ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ સાડાત્રણ ટકા ડૂલ થઈ છે. રિલાયન્સ અડધો ટકો ઘટી ૧૪૦૭ હતી. મેટ્રોપોલીસ હેલ્થકૅર ૧.૯ ટકા વધી ૪૪૭ બંધ રહી છે. ફર્સ્ટક્રાય ૧૧.૮ ટકાના કડાકામાં ૨૨૧ થઈ છે. આઇનોક્સ ગ્રીન ૧૦ ટકા, જેપી પાવર ૧૦.૪ ટકા, રેમન્ડ લાઇફ સ્ટાઇલ ૧૦.૮ ટકા ડાઉન હતા. ભારતી ઍરટેલ ૨.૭ ટકા કપાઈ છે. 


ઇનોવિઝનમાં નીચલી સર્કિટ સાથે ૧૪૬ રૂપિયાની લિસ્ટિંગ લૉસ

નવી દિલ્હીની ઇનોવિઝન ૧૦ના શૅરદીઠ ૫૧૯ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રે માર્કેટમાં ૬૬થી શરૂ થયેલું પ્રીમિયમ ઇશ્યુ પુરો થયા બાદ ૯૦ના ડિસ્કાઉન્ટમાં ફેરવાયા પછી છેલ્લે બોલાતા ૭૮ના ડિસ્કાઉન્ટ સામે ગઈ કાલે ૪૬૬ ખૂલી ઉપરમાં ૪૬૮ અને નીચામાં ૩૭૩ની અંદર જઈ ૩૭૩ બંધ થતાં એમાં ૨૮.૨ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. અમદાવાદી GSP ક્રૉપ સાયન્સિસનું લિસ્ટિંગ આજે થવાનું છે. પ્રીમિયમ હમણાંથી બે રૂપિયાથી શરૂ થઈ હાલ બે ચાલે છે. કોલ ઇન્ડિયાની ૧૦૦ ટકા માલિકીની સેન્ટ્રલ માઇન પ્લાનિંગનો બેના શૅરદીઠ ૧૭૨ની અપરબેન્ડ સાથે ૧૮૪૨ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૨૭ ટકા ભરાયો છે. પ્રીમિયમ ૨૪થી શરૂ થયા બાદ તૂટીને ૫૦ પૈસા થયા બાદ હાલ તે ઝીરો ચાલે છે. દવાઓનું વેચાણ કરતી અમદાવાદી સ્પેશ્યાલિટી મેડિસિન્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૪ની અપરબેન્ડ સાથે ૨૯ કરોડનો BSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૯૫ ટકા ભરાયો છે. હરિયાણાના સોનિપતની ટિપ્કો એન્જિનિયરિંગનો ૧૦ના શૅરદીઠ ૮૯ની અપરબેન્ડ સાથે ૬૧ કરોડનો BSE SME IPO પ્રથમ દિવસે રીટેલમાં એક ટકા સહિત કુલ ૨૯ ટકા ભરાયો છે. હાલ સ્પેશ્યાલિટીમાં ઝીરો તથા ટિપ્કો એન્જિનિયરિંગમાં પણ ઝીરો પ્રીમિયમ બોલાય છે.


નવી મુંબઈની ગુજ્જુ કંપની ક્લીચ ડ્રગ્સ શૅરદીઠ એક બોનસમાં મંગળવારે બોનસ બાદ થવાની છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૩૪૬ થઈ એકાદ ટકો સુધરી ૩૧૮ હતો. તો હૈદરાબાદની ટાઇમ્સ ગ્રીન એનર્જી શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસની પૂર્વસંધ્યાએ ઉપર ૮૬ થઈ પાંચ ટકા તૂટી ૮૦ બંધ થઈ છે. અમદાવાદી સનરેસ્ટ લાઇફ સાયન્સ એક શૅરદીઠ એકના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૩૫ના ભાવે રાઇટમાં એક્સ રાઇટ થતાં ગઈ કાલે સવાદસ ટકા તૂટીને ૪૦ થઈ છે. કલકત્તાની ટીઆઇએલ લિમિટેડ ૬૪ શૅરદીઠ ૧૧ના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૧૬૫ના ભાવે ૨૦૦ કરોડના રાઇટ ઇશ્યુમાં એક્સ રાઇટ થતાં ગઈ કાલે ઉપરમાં ૧૮૧ બતાવી ૮.૮ ટકા ગગડી ૧૬૮ બંધ આવી છે. 

સેન્સેક્સ નિફ્ટીના ૧૭ શૅરોમાં એકથી સાડાછ વર્ષનાં નવાં બૉટમ

ગઈ કાલે સેન્સેક્સ નિફ્ટીના ૧૭ શૅરમાં નવાં ઐતિહાસિક બૉટમ બન્યાં છે. HDFC બૅન્ક ૭૪૧ની લગભગ માસની નીચી સપાટીએ જઈ ૪.૭ ટકા ગગડી ૪૪૪ નજીક બંધમાં બજારને ૪૭૨ પૉઇન્ટ નડી છે. ICICI બૅન્ક ૧૨૧૮ની વર્ષની નવી બૉટમ બાદ ૧.૮ ટકા ઘટીને ૧૨૨૨ના બંધમાં ૧૩૮ પૉઇન્ટ નડી હતી. કોટક મહિન્દ્ર બૅન્કમાં ૩૫૫નું સવા વર્ષનું તળિયું દેખાયા પછી ૨.૯ ટકાની નરમાઈમાં ૩૫૬ બંધ આવ્યો છે. ઍક્સિસ બૅન્ક ૨.૮ ટકા તથા સ્ટેટ બૅન્ક અઢી ટકા ડાઉન થઈ છે. ઇન્ડિગો ફેમ ઇન્ટરગ્લોબ એવિએશન ૩૮૯૫નું ૧૫ માસનું વર્સ્ટ લેવલ દેખાડી ૪.૯ ટકાની ખરાબીમાં ૩૯૪૬ રહી છે. અલ્ટ્રાટેક સિમેન્ટ્સ ૧૦,૩૨૯ની ૧૭ માસની નીચી સપાટીએ જઈ ૫.૨ ટકા કે ૫૬૮ રૂપિયા તરડાઈને ૧૦,૩૭૦ બંધ થઈ છે. તાતાની ટ્રેન્ટ ૩૩૪૦ની પચીસ માસની નવી બૉટમ બનાવી ૫.૯ ટકા બગડી ૩૩૫૫ રહી છે. અદાણીની ફ્લેગશિપ અદાણી એન્ટરપ્રાઇસીસ ૧૮૨૧નું ૩૪ માસનું તળિયું બતાવી ૪.૯ ટકાની બૂરાઈમાં ૧૮૩૨ રહી છે. HDFC લાઇફ ૫૮૪ની ૧૪ માસની નીચી સપાટી નોંધાવી ૫.૧ ટકાના ઘટાડે ૫૯૨ હતી.

એશિયન પેઇન્ટ્સ ૨૧૧૬ના બીજી નવે. ૨૦૨૦ પછીના તળિયે જઈ ૩.૪ ટકા ઝંખવાઈ ૨૧૨૦ રહી છે. આઇટીસી ૨૮૯ના આશરે ૪૫ માસના નીચલા લેવલે જઈ ૩.૨ ટકા બગડી ૨૯૦ રહી છે. તાતા મોટર્સ પૅસેન્જર ૩૦૪ માસનું તળિયું દેખાડી ૨.૯ ટકા ગગડી ૩૦૫ થઈ છે. બજાજ ફાઇનૅન્સ ૭૮૮ની ૧૪ માસની બૉટમ બાદ ૨.૨ ટકાની નબળાઈમાં ૮૧૨ હતી. સિપ્લા ૧૨૧૬ની લગભગ સવાબે વર્ષની નીચી સપાટી નોંધાવી અઢી ટકા લથડી ૧૨૨૩ રહી છે. બજાજ ફીનસર્વ ૧૬૬૦ની ૧૪ મહિનાની નીચી સપાટી બનાવી ૨.૯ ટકા ઘટી ૧૬૬૦ થઈ છે. વિપ્રો ૧૮૭નું ૩૫ માસનું તળિયું બતાવી ૧.૯ ટકા ઘટીને ૧૮૮ નજીક હતી. ટીસીએસ ૨૩૫૦નું ૧ સપ્ટેમ્બર ૨૦૨૦ પછીના ૬૭ માસનું વર્સ્ટ લેવલ દેખાડી ૦.૩ ટકા ૨૩૮૩ થઈ છે. હિન્દુસ્તાન યુનિલીર ૨૦૩૩ના ચાર વર્ષના તળિયે જઈ ૧.૪ ટકાની ખરાબીમાં ૨૦૫૪ થઈ છે.

મેઇનબોર્ડમાં ત્રણ સહિત કુલ ૪ કંપની મૂડીબજારમાં આવશે

આજે, મંગળવારે મેઇનબોર્ડમાં એકસાથે ત્રણ આઇપીઓ ખૂલવાના છે, જે ૩ ડિસેમ્બર પછી લગભગ પોણાચાર માસની પ્રથમ ઘટના છે. મુંબઈના નરીમાન પૉઇન્ટ ખાતેની પાવરિકા લિમિટેડ પાંચના શૅરદીઠ ૩૯૫ની અપરબેન્ડમાં કુલ ૧૧૦૦ કરોડનો ઇશ્યુ કરશે. એમાંથી ૪૦૦ કરોડ FS પેટે પ્રમોટર્સ લઈ જશે. ઇશ્યુમાં કર્મચારીઓ માટે શૅરદીઠ ૩૭નું ડિસ્કાઉન્ટ છે. કંપની વિવિધ રેન્જમાં ડીઝલ જનરેટર સેટ બનાવે છે, ગુજરાત ખાતે વિન્ડ પાવર પ્રોજેક્ટ ચલાવે છે. કંપની ૧૯૮૪માં સ્થપાઈ ત્યારથી ક્યુમિન્સ માટે OEM (ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુ) તરીકે કામ કરે છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર લગભગ ઝીરો છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધી ૬૩૨૭ લાખ થશે. કંપનીએ ગત વર્ષે ૧૫ ટકા વધારામાં ૨૭૧૧ કરોડની આવક ઉપર ૨૨ ટકા ઘટાડામાં ૧૭૬ કરોડ નેટ નફો કર્યો છે. ચાલુ વર્ષના છ માસમાં આવક ૧૪૭૫ કરોડ તથા નફો ૧૩૪ કરોડ થયો છે. દેવું દોઢ વર્ષ પૂર્વે ૧૭૭ કરોડ હતું એ વધી હાલ ૫૭૨ કરોડ થઈ ગયું છે. ઇશ્યુમાંથી ૫૨૫ કરોડ દેવાની પરત ચુકવણીમાં વપરાશે. ગ્રે માર્કેટમાં ૧૩થી શરૂ થયેલું પ્રીમિયમ ઘટતું રહી ૬ થયા પછી હાલ ઝીરો થઈ ગયું છે.

બીજી કંપની હૈદરાબાદની સાંઈ પેરન્ટલ્સ પાંચના શૅરદીઠ ૩૯૨ની અપરબેન્ડમાં ૧૨૪ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૪૦૯ કરોડનું ભરણું કરવાની છે. ૨૦૦૧માં સ્થપાયેલી આ કંપની બ્રાન્ડેડ જેનરિક દવાઓ બનાવે છે તથા અન્ય કંપનીઓ માટે કૉન્ટ્રૅક્ટ ડેવલપમેન્ટ ઍન્ડ મૅન્યુફૅક્ચરિંગ પણ કરે છે. ઇશ્યુ બાદ ઇક્વિટી ૧૮૪૫ લાખથી વધીને ૨૨૦૯ લાખ થશે. પ્રમોટર્સ હોલ્ડિંગ ૫૧.૨ ટકા રહશે. ઇશ્યુમાંથી ૧૧૧ કરોડ વિસ્તરણ અને આધુનિકીકરણ પાછળ વપરાશે. ૧૪૩૦ લાખ દેવાની પરત ચુકવણીમાં જશે. કંપનીએ ગત વર્ષે ૫.૮ ટકા વધારામાં ૧૬૪ કરોડ જેવી આવક ઉપર ૭૧.૪ ટકા વૃદ્ધિદરથી ૧૪૪૩ લાખ નફો બતાવ્યો છે. ચાલુ વર્ષે પ્રથમ છ માસમાં આવક ૮૯૪૩ લાખ તથા નેટ નફો ૭૭૬ લાખ કર્યો છે. દેવું ૭૬૦૭ લાખ છે. ગત વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૧૨૦ નજીકનો તો ચાલુ વર્ષના છ માસની કમાણીની રીતે એ ૧૧૧.૭ નો અતિ ઊંચો પીઈ બતાવે છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી. બીજી કંપની નવી દિલ્હી ખાતેની અમીરચંદ જગદીશ કુમાર (એક્સપોર્ટ્સ) લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૨૧૨ રૂપિયાની અપરબેન્ડમાં ૪૪૦ કરોડનો ઇશ્યુ આજે કરશે. કંપનીને વર્કિંગ કૅપિટલ પેટે ૫૦૦ કરોડની જરૂર છે માટે તે ૪૪૦ કરોડનો આઇપીઓ લાવી રહી છે, એમ એનું કહેવું છે. કંપની મુખ્યત્વે બાસમતી ચોખાનો વેપાર કરે છે. ૯૯ ટકા આવક બાસમતી ચોખામાંથી મેળવે છે. ૪૦ ટકા રેવન્યુ નિકાસમાંથી આવે છે. કંપનીએ ચાવલ (રાઇસ)ની સાથે-સાથે હમણાંથી સોજી, આટા, બેસન, ખાંડ, મીઠું એવું બધું વેચવાનું પણ ચાલુ કર્યું છે. ૨૦૦૭માં સ્થપાયેલી આ કંપનીએ ગત વર્ષે ૨૯ ટકા વધારામાં ૨૦૦૪ કરોડની આવક ઉપર ૧૦૦ ટકા વૃદ્ધિદરથી ૬૦૮૨ લાખ નેટ નફો બતાવ્યો છે. ચાલુ વર્ષે છ માસમાં આવક ૧૦૨૪ કરોડ તથા નફો ૪૮૬૫ લાખ થયો છે. દેવું ૭૪૦ કરોડ જેવું છે. ઇશ્યુ બાદ ઇક્વિટી ૮૨૮૦ લાખથી વધી ૧૦,૩૫૫ લાખ રૂપિયાની થશે. ઇશ્યુ પ્રાઇસ ગત વર્ષની કમાણી પ્રમાણે ૩૬.૧નો તથા ચાલુ વર્ષના છ માસની અર્નિંગની રીતે ૨૨.૬નો પીઈ બતાવે છે. સામે વર્ષે દહાડે ૮૨૦૦ કરોડ જેવી આવક ઉપર ૫૮૩ કરોડ નફો કરતી એલટી ફૂડ્સ હાલ ૨૦.૨ના, વર્ષે ૫૬૦૦ કરોડની આવક ઉપર ૪૭૬ કરોડ નફો રળતી કે આરબીએલ ૧૦.૨ ટકા, વર્ષે ૧૫૦૦ કરોડની આવક ઉપર ૧૦૩ કરોડ નફો કરતી ચમનલાલ સેટિયા ૧૧.૫ના પીઈમાં મળે છે. અમીરચંદમાં ગ્રેમાર્કેટ ખાતે ૪થી શરૂ થયેલું પ્રીમિયમ ઉપરમાં ૬ થઈ અત્યારે ત્યાં જ ચાલે છે.

અંધેરી-ઈસ્ટની હાઇનેસ માઇક્રો ઇલેક્ટ્રૉનિક્સ ૧૦ના શૅરદીઠ ૧૨૦ની અપરબેન્ડમાં કુલ બાવીસ કરોડનો BSE SME ઇશ્યુ આજે કરવાની છે. એમાંથી બે કરોડ OFS પેટે પ્રમોટર્સ લઈ જશે. ઇશ્યુમાં QIB પોર્શન ૪૭.૨ ટકા, રીટેલ પોર્શન ૩૩.૪ ટકા છે. ગત વર્ષે ૧૪૧૭ લાખની આવક તથા ૨૫૨ લાખના નફા સામે કંપનીએ ચાલુ વર્ષે નવ માસમાં ૧૪૪૧ લાખ આવક અને ૩૪૧ લાખ નફો બતાવી દીધો છે. દેવું સતત વધી ૮૨૦ લાખ થઈ ગયું છે. ગ્રેમાર્કેટમાં ૪થી શરૂ થયેલું પ્રીમિયમ વધી ૧૩ થયા પછી હાલમાં એ ઘટી ૧૦ બોલાય છે.

Whatsapp-channel Whatsapp-channel

24 March, 2026 09:14 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK