મે મહિનામાં વિધાનપરિષદમાંથી નિવૃત્ત થતા પોતાના ભૂતપૂર્વ બૉસ માટે એકનાથ શિંદેએ કહ્યું...
એકનાથ શિંદે
વિધાનપરિષદના સદસ્ય અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત વિધાન પરિષદના ૯ સદસ્યોને ગઈ કાલે ફેરવેલ આપતાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુભેચ્છાઓ આપી હતી. ઉદ્ધવ ઠાકરે સાથે ડૉ. નીલમ ગોર્હે, અમોલ મિટકરી, શશિકાંત શિંદે, રણજિતસિંહ મોહિતે પાટીલ, રાજીવ રાઠોડ, સંદીપ જોશી, દાદારાવ કેચે અને સંજય કેનેકર મે મહિનામાં નિવૃત્ત થઈ રહ્યાં છે. એ પહેલાંના છેલ્લા અધિવેશનમાં તેમને બધાને ફેરવેલ આપવામાં આવી હતી.
રાજ્યસભામાંથી નિવૃત્ત થયેલા સભ્યો માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી વાત ટાંકીને એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘રાજકારણમાં ક્યારેય ફુલસ્ટૉપ નથી આવતું. જે લોકોનો કાર્યકાળ પૂરો થાય છે તેમનું કાર્ય સદનની બહાર તો ચાલુ જ રહેતું હોય છે. એથી હું બધા જ નિવૃત્ત થતા સભ્યોને શુભેચ્છા આપું છું. આગળ જતાં એ લોકો ફરી સભ્ય બની શકે છે. એ માટે પણ શુભેચ્છા. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિધાન પરિષદના સભ્ય ઉદ્ધવ ઠાકરે સાહેબ વિધાન પરિષદમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમને નીરોગી દીર્ઘાયુષ્ય મળે એવી મનથી શુભેચ્છા. એ સિવાય તેમની આગળની રાજકીય કારકિર્દી માટે પણ ખૂબ-ખૂભ શુભેચ્છા આપું છું.’
