ભારતમાં મોટા ભાગની ટેલિકૉમ કંપનીઓ ૨૮ દિવસની સાઇકલવાળા પ્લાન ઑફર કરે છે
ટેલિકમ્યુનિકેશન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા
ભારતમાં મોટા ભાગની ટેલિકૉમ કંપનીઓ ૨૮ દિવસની સાઇકલવાળા પ્લાન ઑફર કરે છે, જેને મન્થ્લી પ્લાન કહેવામાં આવે છે. જોકે એ ખરેખર પૂરા ૩૦ દિવસ સુધી ચાલતા નથી. આમ આદમી પાર્ટીના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢાએ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યા બાદ આ મુદ્દે લોકોમાં ચર્ચા છે ત્યારે ટેલિકમ્યુનિકેશન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે સરકાર ટેલિકૉમ કંપનીઓને ૩૦ દિવસના પ્લાનને વધુ પ્રમોટ કરવા વિનંતી કરી રહી છે. ટેલિકૉમ નિયમનકાર ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI)એ પહેલેથી જ આદેશ આપ્યો છે કે દરેક કંપનીએ એના પ્લાનમાં ઓછામાં ઓછો એક ૩૦ દિવસનો વિકલ્પ ઑફર કરવો જોઈએ.
TRAIનો નિયમ શું કહે છે?
ADVERTISEMENT
TRAIએ ૨૦૨૨માં ટૅરિફ-નિયમ જાહેર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે દરેક ટેલિકૉમ ઑપરેટરે પ્રી-પેઇડ પ્લાનની દરેક શ્રેણીમાં ઓછામાં ઓછો એક ૩૦ દિવસનો પ્લાન ઑફર કરવો જોઈએ. એનો ઉદ્દેશ યુઝર્સને ૨૮ દિવસના પ્લાન ઉપરાંત એક વાસ્તવિક ૩૦ દિવસનો માસિક વિકલ્પ પ્રદાન કરવાનો હતો જેથી તેમને વારંવાર રીચાર્જ ન કરવું પડે.
૧૩ વાર રીચાર્જ કેમ?
રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે ‘૨૮ દિવસનો પ્લાન યુઝર્સને વર્ષમાં બારને બદલે ૧૩ વખત રીચાર્જ કરવાની ફરજ પાડે છે જેનાથી તેમના ખર્ચમાં વધારો થાય છે. ૨૮ દિવસનો પ્લાન દર મહિને ૨-૩ દિવસ ઓછો પડે છે. પરિણામે યુઝરને વર્ષમાં કુલ ૩૬૫ દિવસ આવરી લેવા માટે ૧૩ વાર રીચાર્જ કરાવવું પડે છે. આ અભિગમ કંપનીઓ માટે ફાયદાકારક છે, પરંતુ એ યુઝર્સ માટે મોંઘો સાબિત થાય છે.’
