ડૉલર ૧૦ મહિનાની ઊંચાઈએ અને બૉન્ડ યીલ્ડ ૧૭ વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનામાં વેચવાલી વધી
પ્રતીકાત્મક તસવીર
ક્રૂડ તેલ સહિતની એનર્જી પ્રોડક્ટમાં તેજીની આગેકૂચ જોવા મળતાં ફેડને ઇન્ફ્લેશનને નાથવા રેટ વધારો કરવો પડશે એવી શક્યતા વધતાં સોનાએ ૧૯૦૦ ડૉલરની સપાટી તોડી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૭૯ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૬૨૭ રૂપિયા ઘટી હતી. સોનું-ચાંદી સતત ત્રીજા દિવસે મુંબઈમાં ઘટ્યા હતા.
વિદેશ પ્રવાહ
ADVERTISEMENT
ક્રૂડ તેલમાં ફરી તેજી જોવા મળી હતી જેને પગલે ફેડને ઇન્ફ્લેશનને કાબૂમાં લેવા હજી ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની ફરજ પડશે એવી શક્યતા વધતાં ડૉલર ઇન્ડેક્સ વધીને ૧૦ મહિનાની ઊંચાઈએ ૧૦૬.૨૮ પૉઇન્ટ અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ ૧૭ વર્ષની ઊંચાઈએ ૪.૫૦ ટકાએ પહોંચ્યા હતા. ડૉલર અને બૉન્ડ યીલ્ડની તેજીને કારણે સોનામાં પ્રૉફિટ બુકકિંગ વધ્યું હતું અને નવી ખરીદીનું આકર્ષણ સાવ તળિયે પહોચતાં સોનાએ ૧૯૦૦ ડૉલરની સપાટી તોડી હતી અને ભાવ ઘટીને એક મહિનાની નીચી સપાટીએ ૧૮૯૪.૨૦ ડૉલરે પહોંચ્યા બાદ સાંજે ૧૮૯૪થી ૧૮૯૫ ડૉલરની સપાટી જોવા મળી હતી. સોનું ઘટતાં ચાંદી અને પ્લૅટિનમ પણ ઘટ્યાં હતાં. જોકે પેલેડિયમના ભાવ સુધર્યા હતા.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ચીનનો ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ ઑગસ્ટમાં ૧૭.૨ ટકા વધ્યો હતો, જે જુલાઈમાં ૬.૭ ટકા ઘટ્યો હતો. ૨૦૨૩ના પ્રથમ આઠ મહિનામાં ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ ૧૧.૭ ટકા ઘટ્યો હતો, જે ૨૦૨૨ના પ્રથમ આઠ મહિનામાં ૪ ટકા અને ૨૦૨૩ના પ્રથમ ૭ મહિનામાં ૧૫.૫ ટકા ઘટ્યો હતો. આમ, ચીનમાં હવે ઇકૉનૉમિક રિકવરી ધીમી ગતિએ આગળ વધી રહી છે. ૨૦૨૩ના આરંભથી ઘટતો આવતો ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ હવે ધીમે-ધીમે વધી રહ્યો છે.
અમેરિકામાં નવા હાઉસિંગનું સેલ્સ ઑગસ્ટમાં ૮.૭ ટકા ઘટીને ૧૧ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું, જે જુલાઈમાં આઠ ટકા વધ્યું હતું. ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં સતત થઈ રહેલા વધારાને કારણે મૉર્ગેજ રેટ વધવાની હાઉસિંગ સેલ્સ પર સીધી અસર જોવા મળી રહી છે. હાલ અમેરિકામાં આગામી ૭.૮ મહિના ચાલે એટલા હાઉસ અનસોલ્ડ છે. હાઉસિંગ સેલ્સ ઘટતાં અનસોલ્ડ હાઉસની સંખ્યા વધી હતી.
અમેરિકામાં હાઉસિંગ સેલ્સ ઘટ્યું હતું છતાં ઑગસ્ટમાં બિલ્ડિંગ પરમિટ ૬.૮ ટકા વધીને ૧૦ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી. સિંગલ ફૅમિલી બિલ્ડિંગની પરમિટ ૧.૯ ટકા અને મલ્ટિ સેગમેન્ટ બિલ્ડિંગની પરમિટ ૧૫.૬ ટકા વધી હતી.
ઑસ્ટ્રેલિયાનું ઇન્ફ્લેશન ઑગસ્ટમાં વધીને ૫.૨ ટકાએ પહોંચ્યું હતું, જે જુલાઈમાં ૪.૯ ટકા હતું. છેલ્લા ચાર મહિનામાં ઇન્ફ્લેશન પહેલી વખત વધ્યું હતું. ખાસ કરીને ટ્રાન્સપોર્ટ પ્રાઇસ ઑગસ્ટમાં ૭.૪ ટકા વધતાં એની સીધી અસર ઇન્ફ્લેશન પર જોવા મળી હતી. ફ્યુઅલ પ્રાઇસનો વધારો છેલ્લા ૧૦ મહિનાનો સૌથી ઊંચો હતો તેમ જ કમ્યુનિકેશન, એજ્યુકેશન, ઇન્શ્યૉરન્સ, ફાઇનૅન્શિયલ સર્વિસ ઑગસ્ટમાં મોંઘી બની હતી.
જપાનમાં જૉબ ઑફર અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટને બતાવતો લીડિંગ ઇન્ડેક્સ ઑગસ્ટમાં ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ ૧૦૮.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે જુલાઈમાં ૧૦૮.૮ પૉઇન્ટ હતો, જ્યારે ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ, એમ્પ્લૉયમેન્ટ અને રીટેલ સેલ્સને બતાવતો કોઇન્સિડન્ટ ઇન્ડેક્સ ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૧૧૪.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે જુલાઈમાં ૧૧૫.૬ પૉઇન્ટ હતો. જપાનનું ઇન્ફ્લેશન સતત વધી રહ્યું હોવાથી ઇકૉનૉમિક ઍક્ટિવિટી પર મોટી અસર પહોંચી રહી છે.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
વર્લ્ડમાં તમામ દેશ છેલ્લાં બે વર્ષથી ઇન્ફ્લેશનના કાબૂમાં લેવા ઇન્ટરેસ્ટ રેટમાં બેફામ વધારો કરી રહ્યા છે, પણ એક પણ સેન્ટ્રલ બૅન્કના ટાર્ગેટ સુધી ઇન્ફ્લેશન પહોંચ્યું નથી. અમેરિકાનું ઇન્ફ્લેશન ઘટ્યા બાદ છેલ્લા બે મહિનાથી ફરી વધી રહ્યું છે. બ્રિટન અને યુરોપિયન દેશોનું ઇન્ફ્લેશન પણ ફરી વધવા લાગ્યું છે. ઑસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લગાવી, તો ઇન્ફ્લેશન ફરી વધવા લાગ્યું છે. ઇન્ફ્લેશનને કાબૂમાં લેવાની મોહિમમાં હાલમાં તમામ દેશ ઇકૉનૉમિક સ્લોડાઉનનો સ્વીકાર બન્યો છે ત્યારે ૨૦૨૪માં ઇન્ફ્લેશનને કાબૂમાં લેવો કે ઇકૉનૉમિક ગ્રોથ પર ધ્યાન કેન્દ્રિત કરવું, બેમાંથી કઈ બાબતને પ્રાધાન્ય આપવું એના પર ગહન વિચાર દરેક દેશના પૉલિસી મેકરે કરવો પડશે. કોઈ પણ દેશ લાંબા સમય સુધી ઇકૉનૉમિક ગ્રોથની અવગણના કરી શકે નહીં ત્યારે ઇન્ફ્લેશનને ઘટાડવાને બદલે ઇકૉનૉમિક ગ્રોથ પર તમામે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જપાનની નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસીથી ઇન્ફ્લેશન વધી રહ્યું છે અને ઇકૉનૉમિક ગ્રોથ પર ઊંચા ઇન્ફ્લેશનની અસર પડી રહી છે. આવી વિકટ પરિસ્થિતિમાં અમેરિકા, બ્રિટન, યુરો એરિયા, ઑસ્ટ્રેલિયા અને અન્ય વેસ્ટર્ન દેશો ઇન્ટરેસ્ટ રેટ વધારો આગળ વધારશે કે એને બ્રેક લગાવશે? જપાન નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી પૂરી કરીને ઇન્ટરેસ્ટ રેટ વધારવા તરફ આગળ વધશે કે નહીં? એ બન્ને પ્રશ્નનો જે ઉત્તર મળશે એના પરથી સોનાની તેજીની દિશા નક્કી થશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૫૮,૪૫૪
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૫૮,૨૨૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૭૦,૯૩૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

