આજથી નેટફ્લિક્સ પર આવેલી વેબ-સિરીઝ ધ રૉયલ્સમાં દેખાશે ઈશાન ખટ્ટર અને ભૂમિ પેડણેકર સાથે.
ધ રૉયલ્સ
વેબ-સિરીઝ ‘ધ રૉયલ્સ’ આજથી નેટફ્લિક્સ પર આવી ગઈ છે આ સિરીઝમાં ઈશાન ખટ્ટર, ભૂમિ પેડણેકર, નોરા ફતેહી, સાક્ષી તન્વર અને ચંકી પાંડે જેવાં ઘણાં સ્ટાર્સ સ્ક્રીન શૅર કરી રહ્યાં છે, પણ આ સિરીઝનું સૌથી મોટું આકર્ષણ છે ૭૦-૮૦ના દાયકાનાં સુપરસ્ટાર ઝીનત અમાન. ‘ધ રૉયલ્સ’ ઝીનત અમાનની પહેલી OTT સિરીઝ છે એટલે તેમના ફૅન્સમાં આ સિરીઝ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
‘ધ રૉયલ્સ’થી ૭૩ વર્ષનાં ઝીનત અમાન પાંચ વર્ષ બાદ ફરીથી કૅમેરા સામે પાછાં ફર્યાં છે. ૨૦૧૯માં ‘પાનીપત’માં કૅમિયો રોલ બાદ ઝીનત અમાને હવે OTTમાં કામ કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે. વેબ-સિરીઝ સાથે ઍક્ટ્રેસ ભૂમિ પેડણેકર પણ OTTની દુનિયામાં ડેબ્યુ કર્યું છે.
ઝીનત અમાન માટે કેવો રહ્યો અનુભવ?
હાલમાં એક ઇન્ટરવ્યુમાં ઝીનત અમાને આ સિરીઝ માટે શૂટિંગ કરવાનો પોતાનો અનુભવ શૅર કર્યો છે. ઝીનતે કહ્યું હતું કે ‘આ સિરીઝનું મારું પાત્ર સાવ અલગ છે. મેં આવું પાત્ર મારી કરીઅરમાં નથી ભજવ્યું. શોમાં મારું માજીસાહિબાનું પાત્ર થોડું ચંચળ અને થોડું વિચિત્ર છે. તેમના વ્યક્તિત્વમાં આ બન્ને ગુણ જોવા મળે છે. આ સિરીઝ માટે ૧૦થી ૧૨ કલાકના શૂટ-શેડ્યુલથી હું થોડી થાકી જતી હતી. મેકઅપ માટે થકવી નાખનારો સમય, ભારે પોશાક અને ઘરેણાં તથા શૂટિંગની પ્રતિકૂળતાઓને કારણે પગ સૂજી જતા હતા અને આંખો નમી જતી હતી, પણ કામ કરવાનો સંતોષ અનોખો છે. મને આ શૂટના સેટ પર બધાએ બહુ સપોર્ટ કર્યો છે. આ સિરીઝ માટે ઈશાન ખટ્ટરે બહુ મહેનત કરી છે અને સેટ પર પણ મારું બહુ ધ્યાન રાખ્યું છે.’
શું છે વાર્તા?
આ એક રોમૅન્ટિક-કૉમેડી સિરીઝ છે. ‘ધ રૉયલ્સ’માં ઈશાન ખટ્ટર નવા યુગના રાજકુમાર અવિરાજ સિંહની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે ભૂમિ પેડણેકર એક ટેક્નૉલૉજી સ્ટાર્ટઅપની મુખ્ય અધિકારી સોફિયા શેખરની ભૂમિકા નિભાવી રહી છે. બન્ને એક જૂની હવેલીને નવી સુવિધાઓથી સજ્જ લક્ઝરી મહેલમાં ફેરવવા માટે હાથ મિલાવે છે.
બીજું શુ?
ઝીનત અમાન ‘બન ટિક્કી’ નામની ફિલ્મમાં પણ આવવાનાં છે. એમાં તેમની સાથે શબાના આઝમી અને અભય દેઓલ છે.

