અમેરિકાના નબળા લેબર માર્કેટના ડેટાથી ફરી પચાસ બેસિસ પૉઇન્ટ રેટ-કટના ચાન્સ વધ્યા
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
ઇઝરાયલ અને ઈરાન યુદ્ધની પરાકાષ્ઠા સતત વધી રહી હોવાથી અને રેટ-કટ વિશે પણ અનિશ્ચિતતા વધી રહી હોવાથી વર્લ્ડ માર્કેટમાં સોનું-ચાંદી રેન્જ બાઉન્ડ રહ્યાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૪૯ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૫૨૯ રૂપિયા વધ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ADVERTISEMENT
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ સતત ચાર દિવસ વધ્યા બાદ શુક્રવારે પ્રત્યાઘાતી ઘટીને ૧૦.૧૮૬ પૉઇન્ટે પહોંચ્યો હતો. અમેરિકાના નૉન ફાર્મ પે-રોલ ડેટા અગાઉ ઊંચા મથાળે પ્રૉફિટ-બુકિંગ આવતાં ડૉલર ઘટ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ વધીને ૧૦૧.૯૯ પૉઇન્ટે પહોંચ્યા બાદ શુક્રવારે ઘટીને એક તબક્કે ૧૦૧.૮૧ પૉઇન્ટ રહ્યો હતો. ડૉલરના ઘટાડાને પગલે ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ ૦.૦૮ ટકા ઘટીને ૩.૮૪૨ ટકાએ પહોંચ્યાં હતાં.
અમેરિકાના નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ૨૮ સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ૬૦૦૦ વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ ૨.૨૫ લાખે પહોંચ્યા હતા જેની ધારણા ૨.૨૦ લાખની હતી. એક્ઝિસ્ટિંગ અનએમ્પ્લૉયમેન્ટ નંબર્સ ૧૦૬૬ ઘટીને ૧.૮૦ લાખે પહોંચ્યા હતા. અમેરિકામાં સપ્ટેમ્બર મહિનામાં ૭૨,૮૨૧ લોકોએ નોકરી ગુમાવી હતી જે ઑગસ્ટ કરતાં ઓછી હતી, પણ ગયા વર્ષ કરતાં ૪૭,૪૫૭ વધુ હતી. સૌથી વધુ હેલ્થકૅર અને એન્ટરટેનમેન્ટ સેક્ટરમાં કામ કરનારાઓએ નોકરી ગુમાવી હતી. અમેરિકાના સર્વિસ સેક્ટરનો ગ્રોથ સપ્ટેમ્બરમાં વધીને એક વર્ષની ઊંચાઈએ ૫૪.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૧.૫ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૧.૭ પૉઇન્ટની હતી. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં નવા ઑર્ડરની સંખ્યા ઑગસ્ટમાં ૦.૨ ટકા ઘટી હતી તેમ જ અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સના રિપોર્ટ અનુસાર ઘટીને સપ્ટેમ્બરમાં ૫૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૪.૬ પૉઇન્ટ હતો તેમ જ માર્કેટની ધારણા ૫૪.૪ પૉઇન્ટની હતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકાના પ્રેસિડન્ટ બાઇડને ઇઝરાયલને ઈરાનનાં ઑઇલમથકો પર હુમલો કરવાની સલાહ આપી હતી એની સામે ઈરાનના સુપ્રીમો અલી ખામેનીએ વિશ્વના મુસ્લિમોને એકજૂટ થવાની હાકલ કરતાં સમગ્ર વિશ્વમા ટેન્શન વધ્યું છે ત્યારે ઇન્વેસ્ટરો હાલની સ્ફોટક સ્થિતિમાં સેફ હેવન ઍસેટ તરીકે ડૉલર ખરીદવો કે સોનું-ચાંદી ખરીદવાં એની અવઢવમાં છે. બીજી તરફ સ્થિતિ દિવસે-દિવસે વધુ પ્રવાહી બની રહી હોવાથી ભવિષ્યમાં યુદ્ધ કઈ દિશા પકડશે એ કહેવું પણ મુશ્કેલ છે. જિયોપૉલિટિકલ ટેન્શન વધવાથી સોના-ચાંદીમાં ખરીદી ધીમી ગતિએ વધી રહી છે. યુદ્ધ સ્ફોટક બની રહ્યું હોવાથી શૅરબજારમાં છેલ્લા બે દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકાની લેબર માર્કેટના ડેટા ફરી નબળા આવતાં રેટ-કટના ચાન્સિસ થોડા વધ્યા છે, પણ હજી પચીસ કે પચાસ કેટલા બેસિસ પૉઇન્ટનો રેટ-કટ આવશે એ વિશે અનિશ્ચિતતા છે. આમ તમામ રીતે હાલ અનિશ્ચિતતા વધી રહી હોવાથી તેજી કે મંદીનો મોટો વેપાર કરવો જોખમી છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૫,૯૬૪
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૫,૬૬૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૨,૨૦૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)