ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ચાલુ કરેલા પ્રયાસ છતાં સોના-ચાંદી વધ્યાં
સોના-ચાંદીની ફાઈલ તસવીર
અમેરિકાનું કન્ઝ્યુમર ઇન્ફ્લેશન ધારણા કરતાં ઊંચુ આવતાં સોનામાં હેજિંગ ડિમાન્ડ વધી હતી, કારણ કે ઇન્ફ્લેશનના વધારા સામે સોના અને ચાંદી બેસ્ટ હેજિંગ ટૂલ્સ છે. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૯૨૨.૯૦ ડૉલર અને ચાંદી વધીને ૩૨.૫૧ ડૉલરે પહોંચ્યાં હતાં.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૯૦૩ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૩૬૦ રૂપિયા વધ્યો હતો.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનું જાન્યુઆરીનું હેડલાઇન કન્ઝ્યુમર ઇન્ફ્લેશન સતત પાંચમા મહિને વધીને આઠ મહિનાની ઊંચાઈએ ત્રણ ટકાએ પહોંચ્યું હતું જે ડિસેમ્બરમાં ૨.૯ ટકા, નવેમ્બરમાં ૨.૭ ટકા, ઑક્ટોબરમાં ૨.૬ ટકા અને સપ્ટેમ્બરમાં ૨.૪ ટકા હતું. હેડલાઇન ઇન્ફ્લેશન સતત વધી રહ્યું છે. વળી માર્કેટની ૨.૯ ટકાની ધારણા કરતાં પણ ઇન્ફ્લેશન વધીને આવ્યું હતું. અમેરિકામાં એનર્જી કોસ્ટ છ મહિના પછી પ્રથમ વખત અને એ પણ એક ટકો વધી હોવાથી ઇન્ફ્લેશનમાં મોટો વધારો થયો હતો. ફેડના ઇન્ટરેસ્ટ-રેટ ડિસિઝન માટે મહત્ત્વનું એવું કોર ઇન્ફ્લેશન પણ વધીને ૩.૩ ટકાએ પહોંચ્યું હતું. સતત ત્રણ મહિના સુધી ૩.૨ ટકાએ સ્થિર રહેનારું કોર ઇન્ફ્લેશન ઘટીને ૩.૧ ટકા આવવાની ધારણા હતી એની બદલે વધ્યું હતું. મોટર વેહિકલ ઇન્શ્યૉરન્સ અને રેક્રીએશનના દરમાં મોટો વધારો થતાં કોર ઇન્ફ્લેશન ઘટવાને બદલે વધ્યું હતું.
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ ઇન્ફ્લેશનના ડેટા બાદ ઘટીને ૧૦૭.૫૧ પૉઇન્ટે પહોંચ્યો હતો. ઇન્ફ્લેશન ધારણા કરતાં વધતાં હવે રેટ-કટના ચાન્સિસ મોટા પ્રમાણમાં ઘટ્યા હતા. જોકે ટ્રમ્પે વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં ઇન્ટરેસ્ટ-રેટ નીચા લાવવાની અપીલ અગાઉ કરી હોવાથી અને અન્ય દેશોની સેન્ટ્રલ બૅન્કો દ્વારા રેટ-કટનો સિલસિલો સતત આગળ વધી રહ્યો હોવાથી ડૉલર ઇન્ડેક્સમાં મર્યાદિત ઘટાડો નોંધાયો હતો. ડૉલર ઇન્ડેક્સ ઘટતાં ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ પણ ઘટ્યા હતા.
અમેરિકાની બજેટ ડેફિસિટ જાન્યુઆરીમાં વધીને ૧૨૯ અબજ ડૉલરે પહોંચી હતી જે એક વર્ષ પહેલાં માત્ર બાવીસ અબજ ડૉલર હતી અને માર્કેટની ધારણા ૮૮.૧ અબજ ડૉલર ડેફિસિટની હતી. અમેરિકાની ટ્રેઝરી આવક જાન્યુઆરીમાં ૮ ટકા વધી હતી, પણ એક્સપેન્સિસમાં તોતિંગ ૨૯ ટકાનો વધારો થતાં ડેફિસિટ વધી હતી. ચાલુ ફાઇનૅન્શિયલ વર્ષના પ્રથમ ચાર મહિનામાં ડેફિસિટ વધીને ૮૪૦ અબજ ડૉલરે પહોંચી હતી જે ગત ફાઇનૅન્શિયલ વર્ષના પ્રથમ ચાર મહિનાની ડેફિસિટ કરતાં ૫૮ ટકા વધુ હતી.
અમેરિકાના જાન્યુઆરી મહિનાના રીટેલ સેલ્સના ડેટા ભારતીય ટાઇમ પ્રમાણે આજે સાંજે ૭ વાગ્યે જાહેર થશે. ડિસેમ્બરમાં રીટેલ સેલ્સ ઘટીને ૩.૯ ટકા રહ્યું હતું જે નવેમ્બરમાં ચાર ટકા હતું. જાન્યુઆરીમાં રીટેલ સેલ્સ ઘટીને ૩.૭ ટકા રહેવાની માર્કેટની ધારણા છે. જો માર્કેટની ધારણા પ્રમાણે રીટેલ સેલ્સ ઘટીને આવશે તો અમેરિકન ઇકૉનૉમિક ક્રાઇસિસ વધી રહી હોવાના સંકેતથી સોનામાં સેફ હેવન બાઇંગ વધશે. આ ઉપરાંત ભારતીય સમય પ્રમાણે સાંજે ૭.૪૫ વાગ્યે અમેરિકાના જાન્યુઆરીના ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનના ડેટા જાહેર થશે જે ૦.૯ ટકાથી ઘટીને ૦.૩ ટકા એટલે કે નબળા આવવાની ધારણા છે.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
ડોનલ્ડ ટ્રમ્પે બુધવારે સવારે રશિયન પ્રેસિડન્ટ પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ જાહેરાત કરી હતી કે પુતિન રશિયા અને યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા સહમત થયા હોવાથી તાત્કાલિક મંત્રણા ચાલુ થશે અને આ મંત્રણામાં યુક્રેન પ્રેસિડન્ટ ઝેલેનસ્કીને પણ સામેલ કરીને તાત્કાલિક યુદ્ધ સમાપ્ત કરવા પગલાં લેવાશે. રશિયા અને યુક્રેન વચ્ચે ૨૦૨૨ની ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થયેલું યુદ્ધ સમાપ્ત કરવાની ખાતરી ટ્રમ્પે ઇલેક્શન કૅમ્પેનમાં આપી હોવાથી હવે ટ્રમ્પ તાત્કાલિક પગલાં ભરી રહ્યાં છે. અમેરિકાનું હેડલાઇન અને કોર ઇન્ફ્લેશન વધીને આવ્યા બાદ સોના-ચાંદીના ભાવ વધવાના શરૂ થયા હતા, પણ ટ્રમ્પની જાહેરાત બાદ સોના-ચાંદીમાં તેજીની ગતિ ધીમી પડી હતી. ટ્રમ્પની જાહેરાત અનુસાર જો ખરેખર રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્તિની મંત્રણામાં પ્રગતિ થશે તો સોના-ચાંદીમાં તેજીને થોડો વિરામ મળશે, પણ ટ્રેડ-વૉરને કારણે વધી રહેલું ઇન્ફ્લેશન અને ઇકૉનૉમિક ક્રાઇસિસની અસર ચાલુ હોવાથી સોના-ચાંદીમાં તેજીની આગેકૂચ અટકશે નહીં,
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૫,૭૪૮
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૫,૪૦૫
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૫,૫૪૯
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

