Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > પ્રમાણમાં સાંકડી વધ-ઘટે બજાર સાધારણ ઘટીને બંધ, રૂપિયો નવા તળિયે

પ્રમાણમાં સાંકડી વધ-ઘટે બજાર સાધારણ ઘટીને બંધ, રૂપિયો નવા તળિયે

Published : 06 May, 2026 09:16 AM | IST | Mumbai
Anil Patel

વૉલટેમ્પનો નફો અડધો થતાં શૅર ૨૪૭૯ રૂપિયા ખરડાયો : માથે રિઝલ્ટ વચ્ચે ક્રેડિટ ઍક્સેસ ગ્રામીણ ભારે વૉલ્યુમ સાથે ૨૬ મહિનાની ટૉપ બતાવીને ૧૫૪ રૂપિયા મજબૂત: પેટીએમમાં પરિણામની પૂર્વસંધ્યાએ નબળાઈ, મારિકો રિઝલ્ટ પાછળ ઊંચકાયો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


હોર્મુઝ ખાડીમાંથી વૉર પૂર્વે કશી રોકટોક વગર રોજના સરેરાશ ૧૩૫-૧૪૦ જહાજ પસાર થતાં હતાં, ત્યાંથી હાલ એક પણ જહાજ પસાર થતું નથી. બ્રેન્ટ ક્રૂડ ૧૧૫ ડૉલર વટાવ્યા બાદ રનિંગમાં ૧૧૩ ડૉલર જેવું ક્વોટ થઈ રહ્યું છે. ગલ્ફ ખાતે અમેરિકા-ઈરાન વચ્ચે ચારેક સપ્તાહની શાંતિ પછી ફરી એક વાર મિસાઇલ્સ મારો શરૂ થયો હોવાના અહેવાલ છે. સ્થિતિ છમકલાથી આગળ ન વધે એવી દુઆ કરીએ. એશિયા ખાતે જપાન અને ચાઇના રજામાં છે, અન્ય બજાર સાંકડી વધઘટે મિશ્ર હતાં. ઇન્ડોનેશિયા એકાદ ટકો પ્લસ તો હૉન્ગકૉન્ગ એક ટકા નજીક ડાઉન હતું. સાઉથ કોરિયા રજામાં હતું. તાઇવાન ૪૦,૮૮૫ના નવા શિખરે જઈ નહીંવત્ સુધારે ૪૦,૭૬૯ રહ્યું છે. ચાલુ કૅલેન્ડર વર્ષના ચારેક મહિનામાં ત્યાં ૩૯ ટકાની તેજી થઈ ચૂકી છે. થાઇલૅન્ડ અડધો ટકો ઢીલું હતું. બિટકૉઇન ત્રણેક મહિનાના બાદ પ્રથમ વાર ૮૧,૦૦૦ વટાવી ૮૧,૨૨૦ ડૉલર થઈ સવા ટકાની આગેકૂચમાં ૮૦,૭૭૭ ડૉલર નજીક હતો. યુરોપ ખાતે લંડન ફુત્સી રનિંગમાં પોણા ટકાથી વધુ નીચે હતો. અન્ય બજાર પોણાથી એક ટકો પ્લસ દેખાયાં છે. ડૉલર સામે રૂપિયો ૯૫.૦૯ના આગલા બંધ સામે ૯૫.૪૪ થઈ ૯૫.૨૮ આસપાસ જોવાયો છે.

સેન્સેક્સ મંગળવારે આગલા બંધથી ૧૬૫ પૉઇન્ટ નરમ ૭૭,૧૦૪ ખૂલી છેવટે ૨૫૧ પૉઇન્ટ ઘટી ૭૭,૦૧૮ તથા નિફ્ટી ૮૬ પૉઇન્ટ ઘટી ૨૪,૦૩૩ બંધ થયો છે. વધ-ઘટની સાંકડી રેન્જ દાખવતા શૅર આંક નીચામાં ૭૬,૫૧૫ અને ઉપરમાં ૭૭,૧૫૧ થયો હતો. રસાકસીની માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૬૦૪ શૅર સામે ૧૬૮૦ જાતો ઘટીને બંધ હતી. માર્કેટકૅપ ૪૧,૦૦૦ કરોડ ઘટી ૪૬૬.૮૪ લાખ કરોડ થયું છે.



BSE લિમિટેડનાં રિઝલ્ટ ૭ મેએ છે. શૅર ગઈ કાલે ૩૭૯૦ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી સાધારણ સુધારે ૩૭૩૬ બંધ થયો છે. ચાલુ કૅલેન્ડર વર્ષમાં ભાવ ૪૧.૨ ટકા વધી ગયો છે. MCXનાં પરિણામ શુક્રવારે છે. ભાવ ગઈ કાલે નહીંવત ઘટીને ૨૯૦૬ હતો. માઇક્રો ફાઇનૅન્સ કંપની ક્રેડિટ ઍક્સેસ ગ્રામીણનાં પરિણામ પણ શુક્રવારે આવવાનાં છે. શૅર ગઈ કાલે ૧૨૭ ગણા જંગી કામકાજે ૧૫૬૬ની નવી ટૉપ બનાવી ૧૧.૭ ટકા કે ૧૫૪ રૂપિયા ઊછળીને ૧૪૭૪ થયો છે. કમ્પ્યુટર એજ મૅનેજમેન્ટ સર્વિસીસ અર્થાત કેમ્સ લિમિટેડ ૧૧ ટકા વધારામાં ૩૯૫ કરોડની આવક ઉપર સવાઅગિયાર ટકા વૃદ્ધિદરમાં ૧૨૫ કરોડ નેટ નફો કર્યો છે. એમાં ભાવ ૬ ગણા વૉલ્યુમે ઉપરમાં ૮૦૦ થઈ નવ ટકાની તેજીમાં ૭૯૭ બંધ આવ્યો છે. વૉલ્ટેમ્પ ટ્રાન્સફોર્મર્સની આવક ૬૨૫ કરોડથી ઘટી ૬૧૭ કરોડ થઈ છે, પણ નફો ૯૭ કરોડથી ગગડી અડધો, ૪૮ કરોડ નોંધાયો છે. એમાં શૅર ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ૧૦,૦૪૫ થઈ ૨૪૭૯ રૂપિયા તૂટી ૧૦,૦૭૮ બંધ થયો છે.


મારિકો લિમિટેડની આવક બાવીસ ટકા વધી ૩૩૩૩ કરોડ તથા નેટ નફો ૧૪ ટકા વધી ૭૯૧ કરોડ આવતાં શૅર ૭૬૧થી ઊછળી ૮૧૨ થઈ ૩.૧ ટકા વધી ૮૦૯ બંધ થયો છે. પેટીએમ પરિણામની પૂર્વસંધ્યાએ નીચામાં ૧૦૭૫ થઈને ૧.૯ ટકા ઘટી ૧૦૯૪ હતી. સ્વિગીનાં રિઝલ્ટ ૮ મેના રોજ છે. ભાવ દોઢ ટકાની નબળાઈમાં ૨૭૪ ગઈ કાલે બંધ થયો છે. ઑલા ઇલેક્ટ્રિક ગઈ કાલે નીચામાં ૩૩.૬૦ થઈ પાંચ ટકા ગગડી ૩૪.૬૧ રહી છે. ગયા મહિનાનું તેનું વેચાણ નેગેટિવ ગ્રોથમાં જોવાયું છે.

સારાં રિઝલ્ટમાં મહિન્દ્ર બન્ને બજારમાં બેસ્ટ ગેઇનર બની


મહિન્દ્ર તરફથી માર્ચ ક્વૉર્ટરમાં ૨૯ ટકા વધારામાં ૫૪,૯૮૨ કરોડની આવક ઉપર ૪૨ ટકા વૃદ્ધિદરથી ૪૬૬૮ કરોડ નેટ નફો મેળવી શૅરદીઠ ૩૩ રૂપિયા ડિવિડન્ડ જાહેર કરાયું છે. એમાં ભાવ બમણા કામકાજે ૩૦૭૧ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઊંચકાઈ ૩૨૨૫ થઈ સાડાત્રણ ટકા વધીને ૩૨૧૨ બંધ રહ્યો છે. હિન્દાલ્કોનાં પરિણામ છેક બાવીસમીએ જાહેર થશે. શૅર ગઈ કાલે સવા ટકો વધી ૧૦૫૫ હતો. અલ્ટ્રાટેક દોઢ ટકા વધી ૧૧,૯૪૦ થયો છે. નેસ્લે ૧૪૮૦ની નવી વિક્રમી સપાટી હાંસલ કરી ૧.૪ ટકા વધી ૧૪૭૬ રહી છે. બજાજ ફીનસર્વ ૧.૧ ટકા વધી ૧૭૯૧ તો બજાજ ફાઇનૅન્સ એક ટકો પ્લસ હતી. અદાણી પોર્ટ્‍સ ૧૭૫૮ ઉપર નવી ઑલટાઇમ હાઈ નોંધાવી એક ટકો ઘટી ૧૭૨૬ થઈ છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ ૨૫૧૧ની ઇન્ટા-ડે પાવર ૨૩૪ની નવી લાઇફ ટાઇમ હાઈ હાંસલ કરીને એક ટકા તો અદાણી ગ્રીન ૧૩૩૮ની ૧૭ મહિનાની ટોચે જઈ ત્રણ ટકા વધી ૧૩૩૧ હતી. અદાણી એનર્જી પોણો ટકો વધી ૧૪૧૦ થઈ છે.

રિલાયન્સ નજીવી સુધરી ૧૪૬૪ રહી છે. જિયો ફાઇનૅન્સ પોણાબે ટકા માઇનસ હતી. ICICI બૅન્ક દોઢ ટકો ઘટીને ૧૨૫૧ બંધમાં બજારને ૧૧૮ પૉઇન્ટ નડી છે. એટર્નલ ૧.૪ ટકા ઘટી ૨૪૮ રહી છે. ટેક મહિન્દ્ર સવા ટકો ઘટી ૧૪૫૨ થઈ છે. TCS વિપ્રો અડધો ટકો નરમ હતી. ઇન્ફોસિસ પોણો તથા HCL ટેક્નૉલૉજી નજીવા સુધર્યા છે. ભારતી ઍરટેલ ૧.૧ ટકા, ટ્રેન્ટ અડધો ટકો, એશિયન પેઇન્ટ્સ ૦.૬ ટકા, મારુતિ એક ટકો નરમ હતી. કોલ ઇન્ડિયા દોઢ ટકાની નરમાઈમાં ૪૭૨ થઈ છે. લાર્સન પરિણામ પૂર્વે નીચામાં ૪૦૨૪ થઈ એક ટકા ઘટી ૪૦૫૬ બંધ આવી છે. રેલવે વૅગન્સ શૅરમાં ટીટાગર રેલ બાવીસ ગણા વૉલ્યુમે ૮૭૦ થઈ સવાનવ ટકા ઊછળી ૮૪૧ બંધ થઈ છે. જ્યુપિટર વૅગન્સ ઉપરમાં ૩૦૭ નજીક જઈ સવાત્રણ ટકા વધી ૨૯૭ નજીક તો ટેક્સમાકો રેલ પાંચેક ટકા ઊંચકાઈને ૧૧૩ ઉપર બંધ આવી છે.

વૉકહાર્ટ ખોટમાંથી નફામાં આવતાં ૧૧૨ રૂપિયાની તેજીમાં

તાતા ટેક્નૉલૉજીઝે માર્ચ ક્વૉર્ટરમાં ૨૨ ટકા વધારામાં ૧૫૭૨ કરોડ આવક ઉપર આઠ ટકા વૃદ્ધિદરથી ૨૦૪ કરોડ નેટ નફો મેળવી શૅરદીઠ ૩.૩૫ના સ્પેશ્યલ સહિત કુલ ૧૧.૭૦ રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૬૬૦ થઈ ૫.૪ ટકા ઊછળી ૬૨૩ હતો. ફાર્મા કંપની વૉકહાર્ટની ત્રિમાસિક આવક ૩૦ ટકા વધીને ૯૬૫ કરોડ થઈ છે. કંપની ૪૫ કરોડની નેટ લૉસમાંથી ૧૬૪ કરોડ નેટ નફામાં આવી છે. ભાવ ઉપરમાં ૧૬૦૨ બતાવી પોણાઆઠ ટકા ઊછળી ૧૫૩૭ થયો છે. ભેલનો નફો અઢી ગણા, ૧૨૯૦ કરોડ થતાં મૉર્ગન સ્ટૅનલી તરફથી ૪૪૪ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનું ટેરિંગ અપાયું છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૩૮૮ થઈને અડધો ટકો ઘટી ૩૭૫ હતો. અંબુજા સિમેન્ટ્સની આવક ૯ ટકા વધી ૧૦,૯૧૫ કરોડના બેસ્ટ લેવલે જવા છતાં નફો ૮૫૬ કરોડથી ઘટીને ૫૬૯ કરોડ રહેતાં HSBC તરફથી ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૫૬૦ કરાઈ છે. શૅર ગઈ કાલે પોણાત્રણ ટકા ઘટીને ૪૩૩ થયો છે.

આઇડિયા ફોર્જ ટેક્નૉલૉજીઝની ત્રિમાસિક આવક ૨૦ કરોડથી વધી ૧૪૧ કરોડ થતાં કંપની કરોડની નેટ લૉસમાંથી ૬૦ કરોડના નફામાં આવતાં શૅર આગલા દિવસે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૭૩૧ બંધ થયા પછી ગઈ કાલે ૮૦૪ની ટૉપ બનાવી દસ ટકાની આગેકૂચમાં ૮૦૪ બંધ થયો છે. ગોદરેજ પ્રૉપર્ટીઝની ત્રિમાસિક આવક ૬૩ ટકા વધી ૩૪૫૮ કરોડ તથા નેટ પ્રૉફિટ ૭૦.૨ ટકા વધીને ૬૫૦ કરોડ આવ્યો છે. જેફરીઝે ૨૭૭૫ તથા બોફ્રા દ્વારા ૨૬૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બેરિશ વ્યુ જારી થયો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૯૨૦ તથા નીચામાં ૧૮૦૬ થઈ ૪.૮ ટકા ગગડી ૧૮૦૯ બંધ હતો. શોભા લિમિટેડે ૪૧ કરોડ સામે ૯૨ કરોડ જેવો ત્રિમાસિક નફો કરી શૅરદીઠ છનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ૧૫૭૫ વટાવી અડધો ટકો સુધરી ૧૪૪૭ રહ્યો છે. 

ONEMI ટેક્નૉલૉજીઝ દસેક ગણો છલકાયો, પ્રીમિયમ ઘટ્યું

બેન્ગલોર અર્બનની અંબા ઑટો સેલ્સ ૧૦ના શૅરદીઠ ૧૩૫ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રે માર્કેટમાં ઝીરો પ્રીમિયમ સામે ગઈ કાલે NSE ખાતે ૧૩૪ ખૂલી ૧૩૫ બંધ થતાં ઝીરો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૬૫ કરોડનો આ SME IPO રીટેલમાં ૭૦ ટકા સહિત માંડ ૧.૨ ગણો કુલ ભરાયો હતો. મેઇન બોર્ડમાં મુંબઈના કુર્લા (વેસ્ટ)ની ONEMI ટેક્નૉલૉજીસ સૉલ્યુશન્સનો એક રૂપિયાના શૅરદીઠ ૧૭૧ના ભાવનો કુલ ૯૨૬ કરોડનો ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં બે ગણા સહિત કુલ ૯.૯ ગણો ભરાયો છે. ગ્રે માર્કેટમાં સાડાસાત રૂપિયાથી શરૂ થયેલું પ્રીમિયમ હાલ બે રૂપિયા છે. SME કંપની રીકોડ સ્ટુડિયોઝનો ૧૦ના શૅરદીઠ ૧૫૮ની અપરબૅન્ડ સાથે કુલ ૪૪૫૯ લાખનો BSE SME IPO પ્રથમ દિવસે રીટેલમાં પોણાનવ ગણા સહિત કુલ ૭.૫ ગણો ભરાયો છે. પ્રીમિયમ સુધરીને ૪૨ ચાલે છે. નવી દિલ્હીની વૅલ્યુ ૩૬૦ કમ્યુનિકેશન્સનો ૧૦ના શૅરદીઠ ૯૮ના ભાવનો આશરે ૪૨ કરોડનો NSE SME ઇશ્યુ આજે, બુધવારે બંધ થશે. ભરણું અત્યાર સુધીમાં કુલ ૫૮ ટકા ભરાયું છે.

ગાઝિયાબાદની અગાઉ એવોન મોલ્ડ પ્લાસ્ટ તરીકે ઓળખાતી એવરો ઇન્ડિયા ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ગઈ કાલે ઉપરમાં ૧૩ રૂપિયા થઈ સવાપાંચ ટકા તૂટી ૧૨ રહી છે. એવરો ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૫૧ના ભાવે જુલાઈ ’૧૮માં ૪૫૧ લાખનો NSE SME IPO લાવી હતી. હવે એ એની સબસિડિયરી એવરો રિસાઇક્લિંગનો ઇશ્યુ લાવવાનું વિચારી રહી છે. અમદાવાદી ઍપ્ટ્સ ફાર્મા બે શૅરદીઠ ત્રણ બોનસમાં ૧૨ મેના રોજ એક્સ-બોનસ થશે. શૅર ગઈ કાલે ૪૨૨ની ટૉપ બતાવી ૩.૪ ટકા વધી ત્યાં જ હતો. કંપની સપ્ટેમ્બર ૨૦૨૫માં ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવથી ૧૩ કરોડનો BSE SME IPO લાવી હતી.

નફામાં ઘટાડો થવા છતાં IIFL કૅપિટલ વધીને બંધ

તાતા કેમિકલ્સની આવક બે ટકા ઘટીને ૩૪૩૮ કરોડ થઈ છે. કંપનીની નેટ લૉસ ૫૬ કરોડથી વધી ૧૮૩૭ કરોડની વન ટાઇમ પ્રોવિઝન સાથે કુલ ૨૧૩૨ કરોડે પહોંચી છે. કંપનીએ શૅરદીઠ ૧૧નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ભાવ નીચામાં ૭૭૯ થઈ એક ટકો ઘટી ૭૯૬ બંધ થયો છે. આરતી ઇન્ડસ્ટ્રીઝે સવાતેર ટકા વધારામાં ૨૨૦૬ કરોડ આવક ઉપર ૪૨.૭ ટકા વધારામાં ૧૩૭ કરોડ નેટ નફો કર્યો છે. શૅર નીચામાં ૪૭૫ થઈ પાંચેક ટકા તૂટીને ૪૮૮ હતો. IIFL કૅપિટલની આવક ૨૦ ટકા વધી ૬૪૪ કરોડ થઈ છે પણ ચોખ્ખો નફો સવાદસ ટકા ઘટી ૧૧૫ કરોડ નોંધાયો છે. શૅર ઉપરમાં ૩૩૩ થઈ ૪.૫ ટકા વધી ૩૨૭ હતો. KEI ઇન્ડસ્ટ્રીઝે ૧૯.૩ ટકા વધારામાં ૩૪૭૬ કરોડ આવક ઉપર ૨૫.૫ ટકા વધારાથી ૨૮૪ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવ્યો છે. શૅર નીચામાં ૪૭૨૨ થઈ પોણો ટકો ઘટીને ૫૦૨૦ હતો.

મણપ્પુરમ ફાઇનૅન્સ ૧૧ ટકા વધારામાં ૨૬૨૬ કરોડની આવક મેળવી ૧૯૧ કરોડની ચોખ્ખી ખોટમાંથી ૪૦૪ કરોડના નેટ નફામાં આવી છે. શૅર નીચે ૨૯૬ થઈ ૦.૭ ટકા સુધરી ૩૦૭ હતો. પેટ્રોનેટ CNGની આવક ૧૫.૪ ટકા ઘટી ૯૪૪૨ કરોડ થવા છતાં નેટ નફો ૫૭.૬ ટકા વધીને ૧૩૭૧ કરોડ આવ્યો છે. શૅર ઉપરમાં ૨૮૭ થઈ ૨.૧ ટકા વધી ૨૮૨ બંધ થયો છે. CSB બૅન્કની ત્રિમાસિક આવક ૨૫ ટકા વધી ૪૬૪ કરોડ તથા નેટ પ્રૉફિટ છ ટકા વધીને ૨૦૨ કરોડ થયો છે. શૅર નીચામાં ૩૮૪ થઈ સવા ટકો ઘટી ૩૮૭ હતો. આદિત્ય બિરલા કૅપિટલની આવક ૧૨ ટકા વધીને ૧૫,૮૭૭ કરોડ તથા નેટ પ્રૉફિટ ૩૦ ટકા વધીને ૧૧૨૪ કરોડ નોંધાયો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૩૬૩ બતાવી પોણાચાર ટકા વધી ૩૬૧ બંધ રહ્યો છે. 

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2026 09:16 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK