Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બ્રૉડબેઝ્ડ રિલીફ-રૅલી કામે લાગતાં સેન્સેક્સ ૮૮૯ પૉઇન્ટ મજબૂત

બ્રૉડબેઝ્ડ રિલીફ-રૅલી કામે લાગતાં સેન્સેક્સ ૮૮૯ પૉઇન્ટ મજબૂત

Published : 30 July, 2026 12:01 PM | IST | Mumbai
Anil Patel

નબળા નફામાં આગલા દિવસે ટૉપ લુઝર બનેલી હિન્દુસ્તાન યુનિલીવર વળતા દિવસે સેન્સેક્સમાં ટૉપ ગેઇનર

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


US સેટલમેન્ટ ચાર્જિસની વન-ટાઇમ જોગવાઈના પગલે અદાણી એન્ટરપ્રાઇઝિસ ૮૮૫ કરોડના નેટ નફામાંથી ૧૧૬૦ કરોડની ચોખ્ખી ખોટમાં આવી ગઈ ઃ થંગમયિલ જ્વેલરીનો નફો ૮૬ ટકા વધીને આવ્યો, શૅર ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૭૧૮ રૂપિયા તૂટ્યો ઃ મહિન્દ્રાનું ટ્રક-બસ ડિવિઝન ૫૨૫ કરોડમાં મળી જતાં SML મહિન્દ્રામાં ૨૦ ટકાની તેજી થઈ : નબળા નફામાં આગલા દિવસે ટૉપ લુઝર બનેલી હિન્દુસ્તાન યુનિલીવર વળતા દિવસે સેન્સેક્સમાં ટૉપ ગેઇનર

સાઉથ કોરિયન શૅરબજારમાં ખુવારી ચાલુ રહી છે. આગલા દિવસના ૧૦.૮ ટકાના કડાકા પછી ગઈ કાલે પણ કોસ્પી ઇન્ડેક્સ ડબલ ડિજિટની ખરાબીમાં નીચામાં ૫૨૬૩ થયા પછી છેવટે ૬ ટકા તૂટી ૫૬૬૩ બંધ આવ્યો છે. ત્યાંનું માર્કેટકૅપ ૧૯ જૂને ૫.૨ લાખ કરોડ ડૉલર નજીક ગયું હતું. હાલ અે ૨.૯૨ લાખ કરોડ ડૉલરે આવી ગયું છે. એકાદ મહિનામાં જ રોકાણકારોના સવાબે લાખ કરોડ ડૉલર એટલે કે આશરે ૨૧૫ લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે. સ્થિતિ નાજુક બનતાં ત્યાંની સરકારે ઇમર્જન્સી મીટિંગ બોલાવી હોવાના અહેવાલ છે. તાઇવાનીઝ માર્કેટ પણ બુધવારે પોણાચાર ટકા કે વધુ ૧૫૬૪ પૉઇન્ટ અને જૅપનીઝ નિક્કી પોણાબે ટકા કે ૧૦૮૪ પૉઇન્ટ ડૂલ થયો હતો. થાઇલૅન્ડ રજામાં હતું. ઇન્ડોનેશિયા અડધો ટકો ઘટ્યું છે. સામે હૉન્ગકૉન્ગ બે ટકા મજબૂત હતું. સિંગાપોરનો સ્ટ્રેટ ઇન્ડેક્સ પોણાબે ટકા વધી ૫૭૧૩ની વિક્રમી સપાટીએ ગયો છે. ઈરાન તરફથી અણધાર્યા બેલાસ્ટિક મિસાઇલ્સના મારાના પગલે ૮૨ ડૉલર અંદર ગયેલું બ્રેન્ટ ક્રૂડ વધીને ૮૫ ડૉલર વટાવી ગયું છે. ડૉલર સામે રૂપિયો સુધારો આગળ ધપાવતાં ૯૫.૬૫ દેખાતો હતો. યુરોપ ખાતે રનિંગમાં લંડન ફુત્સી ફ્લૅટ તો અન્યત્ર અડધા ટકા જેવી નરમાઈ હતી.
ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૬૫૮ પૉઇન્ટ પ્લસ, ૭૭,૪૨૪ ખૂલી છેવટે ૮૮૯ પૉઇન્ટ વધીને ૭૭,૬૫૫ તથા નિફ્ટી ૨૬૫ પૉઇન્ટની મજબૂતીમાં ૨૪,૨૫૦ બંધ થયો છે. મક્કમ વલણમાં શૅરઆંક નીચામાં ૭૭,૩૩૩ અને ઉપરમાં ૭૭,૭૬૫ થયો હતો. મઝેદાર માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૨૪૩૦ શૅર સામે ૧૧૮૩ જાતો નરમ હતી. માર્કેટકૅપ ૪.૧૮ લાખ કરોડના ઉમેરામાં ૪૮૩.૩૫ લાખ કરોડ થઈ ગયું છે જે અેની નવી ટૉપ છે. સેન્સેક્સ નિફ્ટીના ૧.૨ ટકા જેવા વધારા સામે IT બેન્ચમાર્ક અઢી ટકા વધ્યો છે. હેલ્થકૅર ઇન્ડેક્સ ૫૦,૮૬૦ની સર્વોચ્ચ સપાટી બનાવી સવા ટકો વધી ૫૦,૮૧૦ હતો. FMCG દોઢ ટકો, ટેલિકૉમ પોણાબે ટકા, મેટલ સવાબે ટકા, નિફ્ટી મીડિયા દોઢ ટકા મજબૂત થયો છે. બૅન્ક નિફ્ટી પોણો ટકો તથા PSU બૅન્ક નિફ્ટી દોઢેક ટકા અપ હતો. 
મહિન્દ્રા અૅન્ડ મહિન્દ્રા તરફથી અેનું ટ્રક તથા બસ ડિવિઝન ૫૨૫ કરોડમાં અેની સબસિડિયરી SML મહિન્દ્રાને વેચવાનું નક્કી થતાં SML મહિન્દ્રા પાંચ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૭૬૧ રૂપિયા ઊછળી ૪૫૬૫ બંધ થઈ છે. એશિયન પેઇન્ટ્સ દ્વારા ૧૮ ટકા વધારામાં ૧૦,૫૪૨ કરોડની આવક ઉપર ૪૦ ટકા વૃદ્ધિદરથી ૧૫૩૯ કરોડ નેટ નફો દર્શાવાયો છે. શૅર ઉપરમાં ૨૮૬૪ બતાવી પોણો ટકો સુધરી ૨૭૫૯ હતો. અદાણી એન્ટરપ્રાઇઝિસની આવક ૫૦ ટકા વધીને ૩૨,૯૨૪ કરોડ થઈ છે, પણ US ઑફિસ ઑફ ફૉરિન એસેટ્સ કન્ટ્રોલ સાથે સંબંધિત વન-ટાઇમ સેટલમેન્ટ ચાર્જિસના કારણે કંપની ૮૮૫ કરોડના નફામાંથી ૧૧૬૦ કરોડની ચોખ્ખી ખોટમાં સરી પડી છે. આ ચાર્જિસની અસર બાદ કરાય તો કંપનીનો નેટ નફો ૧૨૯૫ કરોડ આવે છે. સરવાળે શૅર ત્રણેક ગણા વૉલ્યુમે નીચામાં ૨૯૭૪ થઈ પોણા ટકાના સુધારામાં ૩૦૨૪ બંધ થયો છે.



શ્રી બાલાજી માલા ટેક્સટાઇલ્સમાં ૮૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન 
ગઈ કાલે મેઇન બોર્ડ ખાતે મનીપાલ હેલ્થનો બેના શૅરદીઠ ૫૯૦ની અપરબેન્ડ સાથે કુલ ૯૨૭૫ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૨૭ ટકા સહિત કુલ ૧૫ ટકા ભરાયો છે. પ્રીમિયમ ઘટી ૯ થયું છે. SME સેગમેન્ટમાં મુંબઈના માહિમ-વેસ્ટની પ્રોપશૉપ ઇવેન્ટ્સનો ૧૦ના શૅરદીઠ ૬૯ના ભાવનો આશરે ૨૯ કરોડનો NSE SME ઇશ્યુ રીટેલમાં ૧.૮ ગણા સહિત કુલ દોઢ ગણા પ્રતિસાદમાં તથા રાજકોટની અૅડ્વાન્સ ટેકનોફોર્જનો ૧૦ના શૅરદીઠ ૯૫ના ભાવનો ૨૪ કરોડનો BSE SME IPO રીટેલમાં ૨.૭ ગણા સહિત કુલ દોઢ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. પુણેની પૂજા પ્રિસિશનનો ૧૦ના શૅરદીઠ ૩૦૧ની અપરબેન્ડ સાથે ૧૬૦ કરોડનો BSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૬૨ ગણો ભરાયો છે. જ્યારે એચ.આર. હાઇજીન પ્રોડક્ટ્સનો ૧૦ના શૅરદીઠ ૮૮ના ભાવનો ૫૪ કરોડનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૧.૪ ગણા સહિત કુલ ૧.૪ ગણો ભરાયો છે. હાલમાં પૂજા પ્રિસિશનમાં ૨૭૫, અૅડ્વાન્સ ટેકનોફોર્જમાં એક રૂપિયો, પ્રોપશૉપમાં ઝીરો તથા એચ.આર. હાઇજીનમાં બે રૂપિયા પ્રીમિયમ ગ્રેમાર્કેટમાં બોલાય છે.  મેઇન બોર્ડમાં ઇન્ડો-મીમ લિમિટેડ, લોહિયા કૉર્પ તથા એક્સ્ટ્રાનેટ ટેક્નૉલૉઝિસનું લિસ્ટિંગ આજે થવાનું છે. ગ્રેમાર્કેટ ખાતે અત્યારે ઇન્ડો-મીમમાં ૧૬૬, લોહિયા કૉર્પમાં ૧૮ અને એકસ્ટ્રાનેટમાં ૧૧ પ્રીમિયમ છે. શ્રી બાલાજી માલા ટેક્સટાઇલ શૅરદીઠ ૭૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૩૩ ખૂલી ૧૨૬ બંધ થતાં ૮૦ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. 


તાતા સ્ટીલ પરિણામની પૂર્વસંધ્યાએ મજબૂતીમાં બંધ 
અદાણી પોર્ટ્‌સ દ્વારા ૧૯ ટકા વધારામાં ૧૦,૮૨૧ કરોડની આવક ઉપર ૧૦ ટકા વધારામાં ૭૬૫૦ કરોડ ત્રિમાસિક નેટ નફો બતાવાયો છે. શૅર ત્રણ ગણા કામકાજમાં ૧૭૯૨ની ઇન્ટ્રા-ડે હાઈથી ગગડી ૧૭૦૧ થયા બાદ ૩.૨ ટકા ઘટી ૧૭૨૦ બંધ થયો છે લાર્સન ટુબ્રો તરફથી ૭ ટકાના વધારામાં ૬૭,૯૭૨ કરોડની આવક ઉપર ૧૪ ટકાના વૃદ્ધિદરથી ૪૧૨૩ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. વિશ્લેષકોની એકંદર ધારણા ૬૬,૫૦૦ કરોડની આવક તથા ૩૪૯૦ કરોડના નેટ નફાની હતી. ઓર્ડર બુક ૧૪ ટકા વધીને ૧.૦૮ લાખ કરોડને વટાવી ગઈ છે. શૅર ત્રણ ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૩૯૭૮ વટાવી અઢી ટકા કે ૯૮ રૂપિયા વધીને ૩૯૩૦ રહ્યો છે. રેવન્યુ ગ્રોથ સામે નબળા નફામાં આગલા દિવસે ૨૦૧૯ના સવાચાર વર્ષના તળિયે જઈ ગગડેલી હિન્દુસ્તાન યુનિલીવર વળતા દિવસે ત્રણ ગણા કામકાજે બાઉન્સબૅકમાં ઉપરમાં ૨૧૨૧ થઈ પોણાપાંચ ટકા ઊછળી ૨૧૧૮ બંધ આપી સેન્સેક્સમાં મોખરે હતી. 
ITમાં સુધારાની હૅટ-ટ્રિક સાથે મજબૂતી આગળ વધી છે. ઇન્ફોસિસ ગઈ કાલે પાંચ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૧૬૫ નજીક જઈ ૪.૫ ટકા ઊંચકાઈ ૧૧૫૧ બંધમાં સેન્સેક્સ ખાતે ઝળકીને બજારને ૧૪૬ પૉઇન્ટ ફળી છે. TCS બે ટકા, HCL ટેક્નૉલૉઝિસ ૧.૯ ટકા, ટેક મહિન્દ્રા અડધો ટકો, લાર્સન માઇન્ડ ટ્રી ૨.૪ ટકા કે ૧૦૨ રૂપિયા તથા વિપ્રો ૧.૪ ટકા પ્લસ થઈ છે. નિફ્ટીમાં જિયો ફાઇનૅન્શિયલ વૉલ્યુમમાં તગડા વધારા સાથે ઉપરમાં ૨૫૪ બનાવી સવાપાંચ ટકા વધી ૨૪૯ બંધમાં ઝળકી હતી. રિલાયન્સ ૦.૬ ટકાના સુધારામાં ૧૨૭૬ રહી છે. ભારતી અૅરટેલના પરિણામ ૪ ઑગસ્ટે આવવાના છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૯૫૭ દેખાડીને અઢી ટકાની મજબૂતીમાં ૧૯૫૦ થયો છે. 
તાતા સ્ટીલ પરિણામની પૂર્વસંધ્યાએ સવાયા કામકાજમાં ઉપરમાં ૧૮૯ થઈ અઢી ટકા વધીને ૧૮૭ બંધ આવી છે. તાતાની અન્ય કંપની ટ્રેન્ટના રિઝલ્ટ ૬ ઑગસ્ટે છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૩૦૧૦ બતાવી અઢી ટકા વધી ૩૦૦૫ રહ્યો છે. HDFC બૅન્ક તાજેતરની નબળાઈ બાદ ગઈ કાલે પોણાબે ટકા વધીને ૭૪૮ બંધમાં બજારને ૧૬૪ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. કોટક બૅન્ક સવા ટકો, અ.ક્સિસ બૅન્ક એક ટકો, ICICI બૅન્ક પોણો ટકો વધી છે. સ્ટેટ બૅન્કના રિઝલ્ટ ૭ ઑગસ્ટે આવવાના છે. શૅર ગઈ કાલે ૧૦૧૪ના લેવલે ફ્લૅટ હતો. એટર્નલ ત્રીજા દિવસની આગેકૂચમાં ઉપર ૩૧૬ વટાવી સવા ટકો વધી ૩૧૧ થઈ છે. અેની હરીફ સ્વિગી ચાર ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૯૧ વટાવી ૭ ટકાના જમ્પમાં ૨૮૭ હતી. મહિન્દ્રા દોઢ ટકા, પાવરગ્રીડ ૦.૯ ટકા, આઇશર પોણો ટકો, ભારત ઇલેક્ટ્રૉનિક્સ ૦.૪ ટકા ઢીલી થઈ છે. 

પ્રૉક્ટર-ગૅમ્બલ હાઇજીન લગભગ ૯ વર્ષના તળિયે 
પ્રૉક્ટર-ગૅમ્બલ હાઇજીનની આવક પાંચેક ટકા ઘટી ૮૯૨ કરોડ થઈ છે. અેમાં નફો ૩૪ ટકા ગગડી ૧૨૬ કરોડ રહ્યો છે. શૅર ચાર ગણા કામકાજમાં ૮૫,૦૦૦ની ૧ સપ્ટેમ્બર ૨૦૧૭ પછીની નીચી સપાટી નોંધાવી ૪.૨ ટકા કે ૩૭૩ રૂપિયા બગડી ૮૫૯૩ બંધ થયો છે. દેવયાની ઇન્ટરનૅશનલની આવક સાડાસોળ ટકા વધી ૧૫૮૧ કરોડ થઈ છે. સામે નફો ૩૭૦ લાખથી ચોવડાઈ ૧૪૬૦ લાખ આવ્યો છે. ભાવ ૧૨૪ થઈ સવાચાર ટકા વધી ૧૧૮ રહ્યો છે. કારટ્રેડની આવક સવાસોળ ટકા વધી ૧૭૩ કરોડ તથા નેટ પ્રૉફિટ ૧૯.૩ ટકા વધીને ૫૧૨૦ લાખ આવ્યો છે. ડબલ ડિજિટના ગ્રોથ છતાં શૅર ત્રણ ગણા વૉલ્યુમે નીચામાં ૨૭૪૧ થઈ ત્રણ ટકા ગગડી ૨૭૬૫ થયો છે. 
FMCG અગ્રણી કોલગેટ પામોલીવે ૧૧.૮ ટકાના વધારામાં ૧૬૦૩ કરોડની આવક ઉપર ૭ ટકા વધારામાં ૩૪૩ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. ભાવ ઉપરમાં ૨૨૧૧ થઈને દોઢ ટકો વધી ૨૧૬૬ હતો. થંગમયિલ જ્વેલરીની આવક ૭૧.૨ ટકા વધીને ૨૬૬૬ કરોડ અને નેટ પ્રૉફિટ ૮૬.૨ ટકા ઊછળી ૮૫૧૦ લાખ આવ્યો છે. આમ છતાં ભાવ ગઈ કાલે પાંચ ગણા કામકાજે ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૬૪૬૧ દેખાડી ૭૧૮ રૂપિયા ખરડાઈ ત્યાં જ બંધ થયો છે. 


મેઇન બોર્ડમાં બે સહિત આજે કુલ ચાર ભરણાં મૂડીબજારમાં
આજે, ગુરુવારે મેઇન બોર્ડમાં બે સહિત કુલ ચાર નવાં ભરણાં ખૂલવાનાં છે. નવી દિલ્હી ખાતેની જુનિયર ગ્રીન એનર્જી ૧૦ના શૅરદીઠ ૨૨૫ની અપરબેન્ડમાં ૧૮૦૦ કરોડનો ઇશ્યુ મેઇન બોર્ડમાં કરશે. QIB પોર્શન ૫૦ ટકા, રીટેલ પોર્શન ૩૫ ટકા છે. કંપની રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રણી પાવર ઉત્પાદક હોવાનો દાવો કરે છે. ૨૦૨૧માં સ્થપાયેલી આ કંપનીએ ગત વર્ષે ૪૧ ટકા વધારામાં ૮૦૫ કરોડની આવક ઉપર ૧૧ ટકા વધારામાં ૪૦૪૬ લાખ નેટ નફો કર્યો છે. એક વર્ષમાં દેવું બમણાથી વધુ વધીને ૧૨,૯૨૦ કરોડને વટાવી ગયું છે. ઇશ્યુમાંથી ૬૮૩ કરોડ દેવાની ચુકવણીમાં તથા ૭૨૯ કરોડ કેટલીક સબસિડિયરીઝમાં રોકાણમાં વપરાશે. શૅરદીઠ કમાણી માંડ ૮૩ પૈસા છે. આ ધોરણે પોસ્ટ ઇશ્યુ ઇક્વિટીના સંદર્ભમાં ઇશ્યુ પ્રાઇસ લગભગ ૩૧૭નો પી/ઇ સૂચવે છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૧૭ છે. બીજી કંપની એમ.વી. ઇલેક્ટ્રો સિસ્ટમ્સ હરિયાણાના ફરિદાબાદની છે. ૨૦૦૯માં સ્થપાયેલી આ કંપની પાંચના શૅરદીઠ ૪૨૫ની અપરબેન્ડમાં ૨૯૦ કરોડનું ભરણું કરવાની છે. QIB પોર્શન ૭૫ ટકા છે. રીટેલ પોર્શન ૧૦ ટકા છે. કંપની રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ માટેના ઇલેક્ટ્રિકલ તેમ જ પાવર ઇલેક્ટ્રૉનિક્સ ઇક્વિપમેન્ટ્સ બનાવે છે. ગત વર્ષ આવક ૨૩ ટકા ઘટી ૪૯૭૯ લાખ થતાં કંપની ૧૪૦ લાખના નફામાંથી ૧૨૬૩ લાખની ચોખ્ખી ખોટમાં સરી પડી છે. દેવું ૨૭૫૦ લાખથી વધી ૪૯૮૯ લાખ થઈ ગયું છે. ઇશ્યુમાંથી ૧૮૦ કરોડ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. ઇશ્યુ પ્રાઇસ માઇનસ ૬૯નો પી/ઇ બતાવે છે. આવી કંપનીનું ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૬૦થી શરૂ થયા પછી વધતું રહી ૧૦૦ થયા પછી હાલ ૧૦૬ બોલાય છે.
SME સેગમેન્ટમાં અમદાવાદી ધવલ પૅકેજિંગ ૧૦ના શૅરદીઠ ૯૭ની અપરબેન્ડમાં ૩૬ કરોડનો BSE SME ઇશ્યુ આજે કરવાની છે. QIB પોર્શન ૫૦ ટકા છે. ૨૦૧૫માં સ્થપાયેલી આ કંપની પ્લાસ્ટિક પૅકેજિંગ બનાવે છે. ગત વર્ષે ૨૪ ટકા વધારામાં ૬૫૨૦ લાખની આવક ઉપર ૩૩ ટકા વધારામાં ૮૦૪ લાખ નેટ નફો કર્યો છે. છેલ્લાં બે વર્ષમાં બૉટમ લાઇન ૧૫૫ લાખથી વધી ૮૦૪ લાખે કંપની લઈ ગઈ છે. દેવું વધીને ૨૪૧૩ લાખ થયું છે. ઇશ્યુમાંથી ૨૭૧૫ લાખ સાણંદ ખાતે નવા એકમની સ્થાપનામાં ખર્ચાશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૮ છે. બીજી કંપની હરિયાણાના ફરિદાબાદની વનએન્ડિંગ ટેક્નૉલૉઝિસ રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં કામકાજ કરે છે. ૨૦૧૬માં સ્થપાયેલી આ કંપની ૧૦ના શૅરદીઠ ૯૬ની અપરબેન્ડમાં ૨૮ કરોડનો BSE SME ઇશ્યુ કરશે. QIB પોર્શન ૫૦ ટકા જેવો છે. કંપનીએ માંડ બે વર્ષની જ કામગીરી દર્શાવી છે જે મુજબ ગત વર્ષે કામકાજના ૧૦ માસમાં અગાઉના વર્ષની ૪૬૧૪ લાખની સામે ૫૭૫૬ લાખની આવક ઉપર ૪૧૭ લાખ સામે ૬૧૬ લાખ નફો બતાવાયો છે. દેવું ૭ કરોડથી વધી છેલ્લા ૧૦ માસમાં ૫૦૭૭ લાખે પહોંચ્યું છે. ઇશ્યુમાંથી ૨૦ કરોડ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. ગ્રેમાર્કેટમાં હાલ પ્રીમિયમ શરૂ થયું નથી.

Whatsapp-channel Whatsapp-channel

30 July, 2026 12:01 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK