Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મંત્રાલયની કૅન્ટીન કરતાં વધારે સ્વચ્છ તો ચંપલનું સ્ટૅન્ડ હોય છે

મંત્રાલયની કૅન્ટીન કરતાં વધારે સ્વચ્છ તો ચંપલનું સ્ટૅન્ડ હોય છે

Published : 01 August, 2026 09:03 AM | Modified : 01 August, 2026 09:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વકીલોની ટીમે જઈને કરેલા ઇન્સ્પેક્શનના ફોટો-વિડિયો જોઈને હાઈ કોર્ટે આ શબ્દોમાં ઝાટક્યું FDAને, કહ્યું કે તમે ૭ કલાક તપાસ કરીને ખોટો અહેવાલ આપ્યો અને અમારા વકીલોએ સાચો અહેવાલ માત્ર અડધા કલાકમાં આપ્યો.

ગઈ કાલે મંત્રાલયની કૅન્ટીનમાં ઇન્સ્પેક્શન કરતી વકીલોની ટીમ

ગઈ કાલે મંત્રાલયની કૅન્ટીનમાં ઇન્સ્પેક્શન કરતી વકીલોની ટીમ


FDAએ સવારે બૉમ્બે હાઈ કોર્ટને કહ્યું કે મંત્રાલયની કૅન્ટીન ૯૮ ટકા સ્વચ્છ છે, અદાલતને વિશ્વાસ ન બેઠો એટલે એણે બપોરે ૪ વકીલોની ટીમને તપાસ કરવા મોકલી; એ પછી જે થયું એમાં તુકારામ મુંઢેનું નાક કપાયું, સાંભળવું પડ્યું  કે... મંત્રાલયની કૅન્ટીન કરતાં વધારે સ્વચ્છ તો ચંપલનું સ્ટૅન્ડ હોય છે.

FDAને નિષ્પક્ષ કાર્યવાહી કરવાની બૉમ્બે હાઈ કોર્ટે સલાહ આપી



શહેરની અડધોઅડધ રેસ્ટોરાં બંધ કરી દેવી પડે એવાં પગલાં લઈને શું હાંસલ કરશો એવો સવાલ કર્યો?


ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા મંત્રાલયની કૅન્ટીનને ખૂબ જ સ્વચ્છ ગણાવતા ખોટા અહેવાલને પગલે શુક્રવારે બૉમ્બે હાઈ કોર્ટે એને ઝાટકી નાખ્યું હતું. ખરી તપાસ કર્યા બાદ મળેલા ફોટો અને વિડિયો જોઈને મંત્રાલયની કૅન્ટીન કરતાં તો ચંપલનું સ્ટૅન્ડ વધુ સ્વચ્છ હોય છે એવી ટકોર કરીને FDAના અહેવાલના કોર્ટે લીરેલીરા ઉડાડ્યા હતા.

હાઈ કોર્ટ પરિસરમાં આવેલી ત્રણ કૅન્ટીન તથા શહેરનાં બધાં જ ક્લબની કૅન્ટીન અને ફૂડ-સ્પેસમાં સ્વચ્છતા અને ફૂડ-સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં અેનો અહેવાલ FDA દ્વારા બૉમ્બે હાઈ કોર્ટમાં સવારના સમયે રજૂ કરવામાં આવ્યો હતો જેમાં મંત્રાલયની કૅન્ટીન ૯૮ ટકા સ્વચ્છ હોવાનું જણાવાયું હતું. જોકે બૉમ્બે હાઈ કોર્ટને FDAના અહેવાલ પર શંકા જતાં હાઈ કોર્ટે ચાર વકીલની ટીમને મંત્રાલયની કૅન્ટીનનું તાત્કાલિક ઇન્સ્પેક્શન કરવાનો આદેશ આપ્યો હતો જેનો અહેવાલ થોડા જ કલાકમાં હાઈ કોર્ટમાં રજૂ કરાયો હતો. અહેવાલ તથા મંત્રાલયની કૅન્ટીનના ફોટો અને વિડિયો મળ્યા બાદ હાઈ કોર્ટે FDAની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી તથા કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવીને નિષ્પક્ષ કાર્યવાહી કરવાની સલાહ આપી હતી તેમ જ મંત્રાલયની ત્રણ કૅન્ટીનને ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવાનો આદેશ આપ્યો હતો.


તમે ૭ કલાક શું કર્યું, અમારા વકીલોએ સાચો અહેવાલ અડધા કલાકમાં આપ્યો

વકીલો સાથે FDAની ટીમ દ્વારા કરાયેલા ઇન્સ્પેક્શનનો અહેવાલ કોર્ટમાં રજૂ કરાયા બાદ કોર્ટે FDAનો ઊધડો લીધો હતો. મંત્રાલયની કૅન્ટીનની તપાસમાં ખુલ્લી ગટર, ગંદું ફ્રિજ સહિતની અસ્વચ્છતા હોવાનું જણાયું હતું. આ ઉપરાંત નળમાંથી સતત પાણીનું ગળતર થતું હોવાનું, કૅન્ટીનની જમીન પર પાણી ભરાયેલું રહેતું હોવાનું પણ જણાયું હતું. હાઈ કોર્ટે કડક શબ્દોમાં ટીકા કરતાં FDAને કહ્યું હતું કે તમે ૭ કલાક તપાસ કર્યા પછી ૯૮ ટકા સ્વચ્છ હોવાનો અહેવાલ આપ્યો, પરંતુ અમારા વકીલોએ ફક્ત અડધો જ કલાકમાં આટલી બધી ખામીઓ શોધી કાઢી. હવે તમારી તપાસ પર ભરોસો કઈ રીતે રાખવો? 

પૂર્ણિમા રેસ્ટોરાંના ફોટો આપ્યા તો પછી મંત્રાલયની કૅન્ટીનના કેમ નહીં?

સવારે જ્યારે FDAએ હાઈ કોર્ટમાં અહેવાલ રજૂ કર્યો ત્યારે મંત્રાલયની કૅન્ટીન ૯૮ ટકા સ્વચ્છ હોવાનું જણાવ્યું ત્યારે હાઈ કોર્ટે શંકા વ્યક્ત કરતી વખતે પૂર્ણિમા રેસ્ટોરાંનો સ્વચ્છતાનો અને ફૂડ-સેફ્ટીનો અહેવાલ રજૂ કરાયો એનું ઉદાહરણ આપતાં ટકોર કરી હતી કે ‘અમને મંત્રાલયની કૅન્ટીનના ફોટો અને વિડિયો બતાવો. જ્યારે પૂર્ણિમા રેસ્ટોરાં પર કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે ઇન્સ્પેક્શન વખતના બધા જ ફોટો અને વિડિયો રજૂ કરવામાં આવ્યા હતા. FDAએ પ્રાઇવેટ પ્રૉપર્ટી પર કાર્યવાહી કરતી વખતે જ નહીં, દર વખતે નિષ્પક્ષ અને એકસમાન કાર્યવાહી કરવી જોઈએ.’ હાઈ કોર્ટે પૂર્ણિમા રેસ્ટોરાંને આપેલી સસ્પેન્શન નોટિસને રદ કરીને ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવાનું જણાવ્યું હતું.

પહેલાં ગોળી મારી અને પછી સવાલ કરો છો તમે : હાઈ કોર્ટ

હાઈ કોર્ટે FDAનો ઊધડો લેતાં કહ્યું હતું કે ‘તમે પહેલાં ગોળી મારો છો અને પછી સવાલ પૂછો છો. તમે પહેલાં ભૂલ સુધારવાની તક આપો. ખૂબ સારી કામગીરી થતી હોય તો પણ અેમાં જો પક્ષપાત થતો હોય તો અેને સારું કામ ન કહેવાય.’

આ ઉપરાંત FDA કમિશનર તુકારામ મુંઢેને તેમના અધિકારીઓએ મંત્રાલયની કૅન્ટીન ૯૮ ટકા સ્વચ્છ હોવાનો ખોટો અહેવાલ રજૂ કર્યો બદલ તેમના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો હતો. આ અહેવાલને રિવ્યુ કરવા પણ હાઈ કોર્ટે જણાવ્યું હતું. શહેરની હોટેલ, રેસ્ટોરાં, ફૂડ-સ્ટૉલ્સમાં એટલી ખરાબ હાલત હોઈ શકે કે એમાંની અડધીને બંધ કરી દેવી પડે એવાં પગલાં લઈને FDA શું હાંસલ કરશે એવો સવાલ હાઈ કોર્ટે કર્યો હતો.

આ ઉપરાંત પૂર્ણિમા રેસ્ટોરાં, મંત્રાલયની ત્રણ કૅન્ટીન સહિત જેમને ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવામાં આવી છે તેમને મંગળવાર સુધીનો સમય આપીને બુધવારે નવેસરથી ઇન્સ્પેક્શન કરવાનો આદેશ હાઈ કોર્ટે FDAને આપ્યો હતો. 

દરેક કેસમાં અલગ-અલગ વલણ કેમ?

FDA દરેક કાર્યવાહી વખતે એકસરખું વલણ ન દાખવતી હોવાની ટકોર પણ કરી હતી. હાઈ કોર્ટે FDAને સવાલ કર્યો હતો કે અમુક કેસમાં FDAએ ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ ફટકારી હતી જ્યારે અમુક કેસમાં સીધી સસ્પેન્શનની નોટિસ ફટકારી છે. 

Whatsapp-channel Whatsapp-channel

01 August, 2026 09:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK