બ્રોકરેજ હાઉસિસના બુલિશ-વ્યુ વચ્ચે ભારત ઇલેક્ટ્રિકમાં ૪ ટકાનું ગાબડું: નફો ઘટતાં ગૉડફ્રે ફિલિપ્સ લથડી
પ્રતીકાત્મક તસવીર
સાઉથ કોરિયન માર્કેટમાં બ્લૅક ટ્યુઝડે, કોસ્પી ઇન્ડેક્સ પોણાઅગિયાર ટકા સાફ, જપાન ૨૭૨૫ પૉઇન્ટ અને તાઇવાન ૨૦૩૧ પૉઇન્ટ ડૂલઃ ટાઇટન, સનફાર્મા, બજાજ ઑટોમાં નવા બેસ્ટ લેવલ, TVS મોટર રિઝલ્ટનો કરન્ટ જાળવી રાખતાં ૪૦૦૦ના શિખરે ગઈ ઃ TCS બન્ને બજારમાં ટૉપ ગેઇનર બનીને બજારને ૮૮ પૉઇન્ટ લાભદાયી નીવડી ઃ પરિણામ પાછળ ઓરિયન-પ્રો સવાઅગિયાર ટકા તૂટી, કોફોર્જમાં ડબલ ડિજિટની તેજી ઃ બ્રોકરેજ હાઉસિસના બુલિશ-વ્યુ વચ્ચે ભારત ઇલેક્ટ્રિકમાં ૪ ટકાનું ગાબડું ઃ નફો ઘટતાં ગૉડફ્રે ફિલિપ્સ લથડી
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સેક્ટરમાં અતિ ઊંચા વૅલ્યુએશનના પગલે સ્પેન્ડિંગ-કટની દહેશત વ્યાપક બની છે. અેના લીધે સેમિકન્ડક્ટર્સ ચિપ્સ સહિતના અન્ય ટેક્નોલોજી શૅરોમાં ભારે વેચવાલી ઊપડી છે. એશિયા ખાતે ગઈ કાલે હૉન્ગકૉન્ગના સામાન્ય સુધારાને બાદ કરતાં તમામ અગ્રણી માર્કેટ બગડ્યાં છે. સાઉથ કોરિયન કોસ્પી માટે ગઈ કાલનો મંગળવાર ભારે ખુવારીનો હતો. આંક નીચામાં ૫૯૯૩ થઈ ૧૦.૮ ટકાના કડાકામાં ૬૦૨૪ બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં બજાર થંભાવી દેવાની ફરજ પડી હતી. તાતેજરમાં ૧૯ જૂને કોસ્પી ઇન્ડેક્સ ૯૩૮૫ની સર્વાચ્ચ સપાટીએ ગયો હતો. તાઇવાનીઝ ટ્વેસી ઇન્ડેક્સ ૪.૭ ટકા કે ૨૦૩૧ પૉઇન્ટ, જૅપનીઝ નિક્કી સવાચાર ટકા કે ૨૭૨૫ પૉઇન્ટ, ચાઇના સવા ટકો ગઈ કાલે ધોવાયું છે. થાઇલૅન્ડ રજામાં હતું. યુરોપ રનિંગમાં સાધારણથી અડધા ટકા જેવું પ્લસ દેખાયું છે. ડૉલર સામે રૂપિયો ૯૫.૮૯ના આગલા બંધ સામે સુધારો આગળ વધારતાં ઉપરમાં ૯૫.૬૨ થઈ રનિંગમાં ૯૫.૮૫ હતો. ટ્રમ્પને વળી પાછી ઈરાન સાથે ડીલ કરવાની ચળ ઊપડી છે. અે સાચી છે કે ખોટી એની ખબર નથી, પરંતુ ક્રૂડ અેમાં વધુ ઘટીને ૮૪.૫૦ ડૉલરની અંદર આવી ગયું છે. બિટકૉઇન અડધા ટકા જેવી નરમાઈમાં ૬૩,૩૯૫ ડૉલર હતો. અમેરિકન પંડની મીટિંગ ગઈ કાલથી શરૂ થઈ ગઈ છે જે બે દિવસ ચાલવાની છે. બુધવારની મોડી રાત્રે વ્યાજદર અને ઇકૉનૉમી વિશેનું અેનું આકલન જારી થશે.
ઘરઆંગણે બજાર સાંકડી રેન્જમાં અથડાયેલું રહ્યું છે. સેન્સેક્સ આગલા બંધથી ૪ પૉઇન્ટ નરમ, ૭૬,૮૩૨ ખૂલી છેવટે ૭૦ પૉઇન્ટ ઘટી ૭૬,૭૬૬ તથા નિફ્ટી ૧૧ પૉઇન્ટની ઢીલાશમાં ૨૩,૯૮૫ બંધ થયો છે. શૅરઆંક ઉપરમાં ૭૬,૯૮૮ અને નીચામાં ૭૬,૬૭૩ થયો હતો. બજારનાં મોટા ભાગનાં સેક્ટોરલ ઘટ્યાં છે, પરંતુ IT ઇન્ડેક્સ ત્રણ ટકા કે ૮૬૫ પૉઇન્ટ વધુ આગળ વધ્યો છે. FMCG ઇન્ડેક્સ સવા ટકો, યુયિલિટીઝ પોણાબે ટકા, પાવર સવાબે ટકા, કૅપિટલ ગુડ્સ અઢી ટકા ડૂલ થયો છે. બૅન્ક નિફ્ટી તથા પીએસયુ બૅન્ક નિફ્ટી ટકો ઢીલો હતો. રિયલ્ટી ૨.૨ ટકા અને ઑટો બેન્ચમાર્ક પોણો ટકો પ્લસ હતો. ખરાબ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૧૬૦ શૅર સામે ૨૧૩૩ કાઉન્ટર ઘટ્યાં છે. માર્કેટકૅપ ૧.૨૫ લાખ કરોડ ઘટી ૪૭૯.૧૭ લાખ કરોડ રહ્યો છે.
TBZ ૨૯૪ની પોણાબે વર્ષની નવી ટોચે જઈ ૩.૩ ટકાની આગેકૂચમાં ૨૮૯ હતી. થંગમયિલ જ્વેલરી ૭૪૨૯ના નવા શિખરે જઈ પોણાબે ટકા ઘટીને ૭૧૭૨ રહી છે. TVS મોટર ૪૦૦૦ની ઑલટાઇમ હાઈ હાંસલ કરી ૩ ટકાની મજબૂતીમાં ૩૯૯૨ થઈ છે. નીલકમલ લિમિટેડના પરિણામ ૧ ઑગસ્ટે છે. શૅર ૧૯૮૨ની ૨૫ માસની ટૉપ દેખાડી દસેક ટકાના જમ્પમાં ૧૯૫૩ થયો છે. બજાજ ઑટો ૧૧,૪૧૩ની ૭ ઑક્ટોબર ૨૦૨૪ પછીની ઊંચી સપાટી નોંધાવી સવા ટકો વધી ૧૧,૩૩૧ રહી છે.
ADVERTISEMENT
મનીપાલ હેલ્થનો મેગા ઇશ્યુ આજે, પ્રીમિયમ ગગડી ૧૦ રૂપિયે
આજે, બુધવારે બે નવાં ભરણાં છે. મેઇન બોર્ડ ખાતે બૅન્ગલોરની મનીપાલ હેલ્થ એન્ટરપ્રાઇસીઝ બેના શૅરદીઠ ૫૯૦ની અપરબેન્ડમાં કુલ ૯૨૭૫ કરોડનો ઇશ્યુ કરશે. અેમાંથી ૧૨૭૫ કરોડ ઑફર ફૉર સેલના છે. કર્મચારીઓ માટે ૫૬નું ડિસ્કાઉન્ટ છે. ઇશ્યુમાં QIB પોર્શન ૭૫ ટકા તથા રીટેલ પોર્શન ૧૦ ટકા છે. ૨૦૧૦માં સ્થપાયેલી મનીપાલ ગ્રુપની આ કંપની મલ્ટી-સ્પેશ્યલિટી હૉસ્પિટલ્સ, ક્લિનિક્સ તથા ડાયગ્નોસ્ટિક સેન્ટર્સના મોટા નેટવર્ક સાથે હેલ્થકૅર સેક્ટરમાં પ્રવૃત્ત છે. કંપની કુલ ૧૩,૦૩૭ બેડની ક્ષમતા સાથે ૪૯ હૉસ્પિટલ્સ ચલાવે છે. ગત વર્ષે કંપનીની આવક ૨૬ ટકા વધીને ૧૦,૫૨૦ કરોડને વટાવી ગઈ છે. નેટ નફો ૧૫ ટકા ઘટી ૯૧૬ કરોડ થયો છે. દેવું ૪૭૬૭ કરોડથી તગડું વધીને ૧૦,૫૫૩ કરોડને આંબી ગયું છે. ઇશ્યુમાંથી ૫૫૫૩ કરોડ દેવાની પરત ચુકવણીમાં તથા ૫૭૪ કરોડ સ્ટૅપ ડાઉન સબસિડિયરી સહ્યાદ્રિ હૉસ્પિટલ્સમાં નાનકડો હિસ્સો ખરીદવામાં વપરાશે. ગ્રેમાર્કેટમાં ૩૫થી શરૂ થયેલું પ્રીમિયમ ઘટી ૨૫ થયા પછી હાલ ૧૦ ચાલે છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધીને ૨૬,૩૦૭ લાખની થશે. છેલ્લાં ત્રણ વર્ષની અૅવરેજ EPS ૭.૮૨ની છે. ગત વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૮૪.૬૫નો અતિ ઊંચો પી/ઇ બતાવે છે. અેની સામે જેમા ડી-મર્જર થવાનું છે અે અગ્રણી હેલ્થકૅર કંપની અપોલો હૉસ્પિટલ્સનો શૅર હાલ ૬૫ના પી/ઇમાં મળે છે. ઇશ્યુ બાદ સેકન્ડરી માર્કેટમાં આ શૅર બેશક નીચા ભાવે છૂટથી મળવાનો છે એટલું યાદ રાખજો.
SME સેગમેન્ટમાં હાઇજીન પ્રોડક્ટ્સ, મુખ્યત્વે સેનેટરી નૅપ્કીન્સ બનાવતી રાજકોટની એચ.આર. હાઇજીન પ્રોડક્ટ્સ ૧૦ના શૅરદીઠ ૮૮ના ભાવે ૧૧ કરોડના OFS સહિત કુલ ૫૪ કરોડનો BSE SME IPO આજે કરશે. QIB પોર્શન ૫૦ ટકા તથા રીટેલ પોર્શન ૩૫ ટકા છે. ૨૦૧૬માં સ્થપાયેલી આ કંપનીએ ગત વર્ષે ૧૫ ટકા વધારામાં ૧૩૨ કરોડની આવક ઉપર ૨૬ ટકા વધારામાં ૧૧૪૧ લાખ નેટ નફો કર્યો છે. દેવું ૨૧૫૩ લાખનું છે. ઇશ્યુમાંથી ૩૧૩૬ લાખ નવા એકમની સ્થાપનામાં વપરાશે. ઇશ્યુ બાદ ઇક્વિટી ૧૭૮૧ લાખથી વધી ૨૨૭૧ લાખ થશે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર જણાવાઈ નથી. ગ્રેમાર્કેટમાં બેથી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં પણ ત્યાં જ છે.
પૂજા પ્રિસિશનના ઇશ્યુમાં ફેન્સી,
પ્રીમિયમ ઊછળીને ૩૦૦ થયું
SME સેગમેન્ટમાં ગઈ કાલે પુણેની પૂજા પ્રિસિશનનો ૧૦ના શૅરદીઠ ૩૦૧ની અપરબેન્ડ સાથે આશરે ૧૬૦ કરોડનો BSE SME IPO પ્રથમ દિવસે રીટેલમાં સાડાબાર ગણા સહિત કુલ આઠ ગણો ભરાયો છે. પ્રીમિયમ વધીને ૩૦૦ ચાલે છે. તો કેરલની સિલ્વર સ્ટૉમ પાર્ક્સનો ૧૦ના શૅરદીઠ ૧૩૩ના ભાવનો ૭૮૩૦ લાખનો BSE SME ઇશ્યુ આખરી દિવસે રીટેલમાં દોઢ ગણા સહિત કુલ બે ગણા પ્રતિસાદ સાથે પુરો થયો છે. પ્રીમિયમ પહેલેથી નથી. જ્યારે બીજા દિવસના અંતે મુંબઈના માહિમ-વેસ્ટની પ્રોપશૉપ ઇવેન્ટ્સનો ૧૦ના શૅરદીઠ ૬૯ની અપરબેન્ડ સાથે ૨૯ કરોડનો NSE SME ઇશ્યુ કુલ ૪૦ ટકા અને રાજકોટની અૅડ્વાન્સ ટેકનોફોર્જનો ૧૦ના શૅરદીઠ ૯૫ના ભાવનો ૨૪ કરોડનો BSE SME ઇશ્યુ કુલ ૪૫ ટકા ભરાયો છે. પ્રોપશૉપમાં હાલ ઝીરો તથા એડવાન્સ ટેકનોફોર્જમાં ૮ રૂપિયા પ્રીમિયમ છે.
કલકત્તાની શ્રી બાલાજી માલા ટેક્સટાઇલ્સ ૧૦ના શૅરદીઠ ૭૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ૧૯થી શરૂ થૅ નીચામાં ૧૧ થયા બાદ છેલ્લે ચાલતા ૧૫ના પ્રીમિયમ સામે લિસ્ટિંગ આજે થશે. કૉટન સાડી બનાવતી આ કંપનીનો લગભગ ૧૯ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૨૨૮ ગણા સહિત કુલ ૨૦૦ ગણો છલકાયો હતો.
રાજકોટની મેટાલિક ટેકનોફોર્જ ગઈ કાલે ૮૭ ખૂલીને ૮૩ બંધ રહી છે. ગલ્ફ લૉઇડ્સ (ઇન્ડિયા) ૯૦ના નવા તળિયે જઈ પાંચ ટકા તૂટી ૯૦ હતી. મેટાલિક ટેકનોફોર્જમાં ૮.૪ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. અેની ઇશ્યુ પ્રાઇસ ૭૭ હતી. ગ્રેમાર્કેટમાં છેલ્લે આઠનું પ્રીમિયમ બોલાતું હતું. દરમ્યાન હાર્ડવીન ઇન્ડિયા પાંચ શૅરદીઠ બે બોનસમાં બોનસ-બાદ થતાં ગઈ કાલે ઉપરમાં ૧૨ થઈને સાડાત્રણ ટકા વધી ૧૧.૫૫ રહી છે.
લોઢા ડેવલપર્સની આગેકૂચ, નૅશનલ સ્ટાન્ડર્ડ સતત મંદીમાં
IT કંપની ઓરિંન-પ્રો સૉલ્યુશન્સે સવાછ ટકાના વધારામાં ૩૫૮ કરોડની આવક ઉપર સાડાબાર ટકાની પીછેહઠમાં ૪૫ કરોડ નેટ નફો કરતાં શૅર ૧૮ ગણા વૉલ્યુમે નીચામાં ૭૩૨ થઈ ૧૧.૩ ટકા ગગડી ૭૪૦ બંધ થયો છે. સામે અન્ય IT કંપની કોફોર્જ દ્વારા ૪૯ ટકા વધારામાં ૫૫૨૮ કરોડની આવક ઉપર ૬૩ ટકાના વૃદ્ધિદરથી ૫૧૯ કરોડ નેટ નફો દર્શાવાતાં શૅર આઠ ગણા કામકાજમાં ઉપરમાં ૧૬૯૨ થઈ ૧૦.૩ ટકા કે ૧૫૭ રૂપિયાની તેજીમાં ૧૬૮૫ થયો છે. સિગારેટ કંપની ગૉડફ્રે ફિલિપ્સે ૧૯ ટકાના ઘટાડામાં ૧૨૦૫ કરોડની આવક ઉપર ૪૪.૩ ટકાના ગાબડામાં ૧૯૮ કરોડ ચોખ્ખો નફો કરતાં ભાવ નીચામાં ૨૦૧૮ થઈ ૮.૨ ટકા કે ૧૮૧ રૂપિયા ખરડાઈ ૨૦૨૧ રહ્યા છે. તાતા કેમિકલ્સની આવક ૧૪ ટકા વધીને ૪૨૫૫ કરોડ થઈ છે પણ નેટ પ્રૉફિટ ૮૧ ટકાના ગાબડામાં ૬૦ કરોડ નોંધાયો છે. શૅર નીચામાં ૬૭૦ બનાવી ૩.૪ ટકાની નરમાઈમાં ૬૭૫ હતો.
બમણાથી વધુ ત્રિમાસિક નફાનો કરન્ટ જાળવી રાખતાં લોઢા ડેવલપર્સ ત્રણ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૩૧૭ નજીક જઈ સાડાઆઠ ટકાની આગેકૂચમાં ૧૩૦૧ હતી. સામે અેની સબસિડિયરી નૅશનલ સ્ટાન્ડર્ડ નીચલી સર્કિટની હારમાળા ચાલુ રાખતાં પાંચ ટકા તૂટી ૨૯૧ની લગભગ છ વર્ષની બૉટમ બનાવી ત્યાં જ બંધ થઈ છે. વરુણ બિવરેજીસની આવક ૨૧ ટકા વધીને ૮૬૫૦ કરોડ થઈ છે. નેટ નફો ૧૫.૫ ટકા વધી ૧૫૨૧ કરોડ જોવાયો છે. પરિણામ અપેક્ષા કરતાં નબળાં રહેતાં શૅર ૪૭૦ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૪૨૩ થઈ ૭.૪ ટકા બગડી ૪૩૦ બંધ થયો છે. લાર્સન પરિણામ પૂર્વે પોણા ટકાના સુધારામાં ૩૮૩૩ નજીક બંધ આવી છે.
માર્જિનના વસવસામાં હિન્દુસ્તાન યુનિલીવર સવાચાર વર્ષના તળિયે
FMCG જાયન્ટ હિન્દુસ્તાન યુનિલીવરે ૧૦ ટકાના છેલ્લાં ૧૩ ક્વૉર્ટરના બેસ્ટ ગ્રોથ રેટ સાથે આ વેળા જૂન ક્વૉર્ટરમાં ૧૭,૧૮૪ કરોડની રેવન્યુ મેળવી છે, પરંતુ નેટ નફો ત્રણ ટકા ઘટીને ૨૬૭૩ કરોડ નોંધાયો છે. શૅર છ ગણા કામકાજે ૨૦૧૯ના સવાચાર વર્ષના તળિયે જઈ ૭ ટકા ગગડી ૨૦૨૩ બંધમાં બજારને ૧૧૪ પૉઇન્ટ નડ્યો છે. ભારત ઇલેક્ટ્રૉનિક્સની ત્રિમાસિક આવક ૨૫ ટકા વધીને ૫૫૪૭ કરોડ થઈ છે. ચોખ્ખો નફો ૯ ટકા વધી ૧૦૫૪ કરોડ રહ્યો છે. ઑર્ડર બુક વધીને ૭૨,૨૫૮ કરોડ થઈ છે. ગોલ્ડમૅન સાક્સ દ્વારા ૪૭૦, CLSA તરફથી ૫૩૨ તો મેકવાયર અને જેફરીઝે ૫૫૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ-વ્યુ જારી કર્યા છે. આમ છતાં શૅર ગઈ કાલે સાડાછ ગણા કામકાજમાં નીચામાં ૩૮૮ થઈ સાડાચાર ટકા તૂટીને ૩૮૯ બંધ આવ્યો છે.
TCS બમણા વૉલ્યુમે ૨૪૧૭ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૪.૫ ટકાના જમ્પમાં ૨૩૯૮ બંધ આપીને બન્ને બજારમાં વધવામાં મોખરે રહી છે. ઇન્ફોસિસ અઢી ટકાની આગેકૂચમાં ૧૧૦૬ બંધ આપી બજારને ૭૮ પૉઇન્ટ ફળી છે. HCL ટેક્નૉલૉજીઝ પોણાબે ટકા, ટેક મહિન્દ્રા ૩.૯ ટકા તથા લાટિમ અઢી ટકા વધુ મજબૂત બની છે. વિપ્રો પ્રમાણમાં સુસ્ત વલણ જાળવી રાખતાં દોઢ ટકો વધી ૧૮૧ રહી છે. એટર્નલ ઉપરમાં ૩૧૦ થઈ ચાર ટકાની આગેકૂચમાં ૩૦૮ બંધ આવી છે. અેની હરીફ સ્વિગી સાડાત્રણ ટકાની મજબૂતીમાં ૨૬૮ થઈ છે. ટાઇટન ૪૮૫૮ની નવી વિક્રમી સપાટી બનાવી અઢી ટકા વધીને ૪૮૫૫ હતી. સનફાર્મા ૧૯૯૩ નજીક નવી લાઇફ ટાઇમ હાઈ બનાવી નહીંવત સુધરી ૧૯૭૭ રહી છે. HDFC બૅન્ક અડધો ટકો નરમ હતી. ICICI બૅન્ક સવા ટકો બગડી છે. અૅક્સિસ બૅન્ક સાધારણ ઘટી ૧૨૨૨ તો સ્ટેટ બૅન્ક પોણો ટકો ઘટી ૧૦૧૩ હતી. મહિન્દ્રા સતત ત્રીજા દિવસના સુધારામાં એક ટકો વધી ૩૨૭૨ થઈ છે. NTPC બે ટકા, પાવરગ્રીડ સવા ટકો, રિલાયન્સ એક ટકો, ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૩ ટકા નરમ હતી. નેસ્લે ૩.૪ ટકા, સિપ્લા અઢી ટકા, બજાજ ઑટો પોણાબે ટકા વધી છે.
