ખાલી પેટ દૂધવાળી ચા પીવાના બદલે ચોમાસામાં એવા હેલ્ધી હૉટ ડ્રિન્ક્સ અપનાવો જે તાજગી આપવાની સાથે ખરાબ કૉલેસ્ટરોલ ઘટાડવામાં પણ મદદરૂપ બની શકે. આયુર્વેદિક ગુણો ધરાવતા આ પીણાં હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.
મૉન્સૂનમાં ચા પીવાની મજા જ કંઈક આૅર છે તો એવી ચા પીઓ જે ખરાબ કૉલેસ્ટરોલ ઘટાડે
ભારતીયો ચા પીવામાં અવ્વલ છે. કેટલાય લોકોની તો સવાર જ ચા વિના નથી પડતી. જોકે દૂધવાળી ઉકાળેલી ચા ખાલી પેટમાં રેડવાથી ફાયદા કરતાં નુકસાન વધુ થાય છે. જોકે મૉન્સૂનની મોસમ છે અને ચા પીવાની કોઈ ના પાડે તો કેવી રીતે ચાલે? ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં જો તાજગી આપતું ગરમાગરમ પીણું પણ મળી જાય તોય એ ચાની ગરજ સારે છે. આજે આપણે જોઈશું ચા એટલે કે હૉટ ડ્રિન્ક્સના એવા વિકલ્પો જે ચાની ગરજ સારે છે અને સાથે જ શરીરમાં જો ખરાબ કૉલેસ્ટરોલનો સંગ્રહ થયો હોય તો એને ઘટાડવામાં મદદ કરે છે.
લો-ડેન્સિટી લિપોપ્રોટીન એટલે કે ખરાબ કૉલેસ્ટરોલ વધવું એ શરીરની અનેક સમસ્યાઓનું મૂળ છે. એનાથી બ્લડ-પ્રેશર વધે છે, હાર્ટ-હેલ્થ જોખમમાં મુકાય છે, હાર્ટ-અટૅકનું જોખમ વધે છે. શરીરના આંતરિક અવયવોની કાર્યક્ષમતા ઘટે છે જે લાંબા ગાળે દરેક ઑર્ગનને અસર કરે છે. શરીરમાં જમા થતું ખરાબ કૉલેસ્ટરોલ ઓછું થાય એ માટે આયુર્વેદમાં કેટલાંક દ્રવ્યો પર રિસર્ચ થઈ છે. ઍન્ટિ-કૉલેસ્ટ્રૉલેમિયા અને ઍન્ટિ-ઓબેસિટી ગુણ ધરાવતાં દ્રવ્યોમાંથી કેટલાક કાઢાનું સૂચન આયુર્વેદમાં પણ થયું છે. આ કાઢાઓને જરાક મૉડર્ન ટચ આપીને મૉડર્ન મેડિસિને પણ એની અસરકારકતા તપાસી છે. આ કાઢાને ચાની જેમ પીવાથી એ ખરાબ કૉલેસ્ટરોલ ઘટાડવામાં પૂરક બની શકે છે. ચાલો જોઈએ કેવાં ડ્રિન્ક્સ પી શકાય એ.
૧. કાળાં મરીની ચા
ADVERTISEMENT
એક કપ પાણીને ધીમી આંચ પર ગરમ કરો. એમાં એક નાની ચમચી કાળાં મરીનો પાઉડર અને એક ચમચી હળદર નાખો. પાંચ મિનિટ ઉકાળીને એને આંચ પરથી ઉતારી લો. ગાળીને ચૂસકીઓ લઈને પીઓ. કાળાં મરીને બદલે સૂંઠ નાખીને પણ આ જ ચા બનાવી શકાય. ચોમાસામાં સૂંઠથી પાણીજન્ય તકલીફો થવાના ચાન્સ પણ ઘટી જાય છે.
૨. તજની ચા
એક કપ પાણીને ગરમ કરો. એમાં છીણેલું કે વાટેલું એક ચમચી આદું નાખો. એમાં અડધી ચમચી શુદ્ધ તજનો પાઉડર નાખો. એને પાંચ મિનિટ ગૅસ પર ધીમી આંચ પર ઢાંકીને ઉકાળો અને પછી ગાળીને પીઓ. જો તમે ઇચ્છો તો પીણું થોડુંક ઠંડું પડે એ પછી એમાં અડધી ચમચી શુદ્ધ મધ પણ નાખી શકાય.
૩. લસણની ચા
એક કપ પાણીને ગરમ કરો. લસણની એક કળીને હાથેથી જ મસળીને છૂંદી નાખો. એને પાણીમાં નાખો અને એમાં એક ચમચી જેઠીમધનો પાઉડર પણ ઉમેરો. ચારેક મિનિટ પાણી ઉકાળ્યા પછી ગાળીને પી લો. ખાલી પેટે આ ચા પીવાથી વધુ ફાયદો થાય છે. જો તમને લસણ ભાવતું હોય તો લસણનો કૂચો ચાવી જઈ શકો છો.
૪. અર્જુન છાલની ચા
આયુર્વેદમાં અર્જુન એ હૃદયની સમસ્યાઓ માટે ખૂબ જાણીતું ઔષધ છે. એક કપ પાણીને ગરમ કરવા મૂકો. એમાં એક નાની ચમચી અર્જુનની છાલનો પાઉડર અને પા ચમચી તજનો પાઉડર નાખો. પાંચ મિનિટ ઊકળે પછી ગાળીને હૂંફાળું હોય ત્યારે જ પી લો.
૫. ગળોની ચા
બે કપ પાણી ગરમ કરો. એમાં અડધી ચમચી શુદ્ધ ગળોનો પાઉડર નાખો. એમાં એક ચમચી ત્રિફળાનો પાઉડર પણ નાખી શકો છો. આ મિશ્રણને બરાબર દસેક મિનિટ માટે ઉકાળો. અડધું પાણી રહે એટલે ગાળી લો. આ ચા રાતે સૂતાં પહેલાં લેશો તો કબજિયાતની તકલીફમાં પણ રાહત મળશે.
