Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > કપરા સમયમાં કન્ફ્યુઝ્ડ બજેટ, બજાર ૧૫૪૭ પૉઇન્ટ સાફ થયું

કપરા સમયમાં કન્ફ્યુઝ્ડ બજેટ, બજાર ૧૫૪૭ પૉઇન્ટ સાફ થયું

Published : 02 February, 2026 12:30 PM | IST | Mumbai
Anil Patel

નિર્મલા સીતારમણના નવમા બજેટને લઈને પ્રચારતંત્રમાં મીમાંસા ચાલુ છે. કૉર્પોરેટ અને આર્થિક ક્ષેત્રના એના એ ભૂવા અને એના એ જતિ એની એ ડાહી-ડાહી વાતો માંડવામાં મશગૂલ છે.

નિર્મલા સીતારમણ

માર્કેટ મૂડ

નિર્મલા સીતારમણ


બજેટના પાર્ટ-એ દરમ્યાન આગલા બંધથી ૪૫૭ પૉઇન્ટ વધેલો સેન્સેક્સ વેરાકીય પ્રસ્તાવ જાહેર થતાં ૨૦ જ મિનિટમાં ઉપલા મથાળેથી ૨૮૨૮ પૉઇન્ટ પટકાઈને ૭૯,૯૦૦ની અંદર ઊતરી ગયો : માર્કેટકૅપની રીતે રોકાણકારોને રવિવારે ૯.૩૪ લાખ કરોડનો ફટકો : નિર્મલા સીતારમણનો સતત ૯ બજેટનો વિક્રમ, નવમાંથી ૭ વખત બજાર બજેટના દિવસે માઇનસ : ચાંદીમાં ૩૦ ટકાના કડાકા સાથે મેટલ-વાયદા બગડતાં ઘરઆંગણે મેટલ શૅરોમાં ભારે ગભરાટ : MCXમાં ૨૯૩ તો BSE લિમિટેડમાં ૨૧૯ રૂપિયાની ખરાબી

નિર્મલા સીતારમણના નવમા બજેટને લઈને પ્રચારતંત્રમાં મીમાંસા ચાલુ છે. કૉર્પોરેટ અને આર્થિક ક્ષેત્રના એના એ ભૂવા અને એના એ જતિ એની એ ડાહી-ડાહી વાતો માંડવામાં મશગૂલ છે. તારું મોં ગંધાય છે એવું વાઘને કહેવાની કોઈની હિંમત નથી. હકીકતમાં બજેટને લઈને લાંબી મલ્લીનાથી કરવાનો કશો મતલબ જ નથી. ડ્રીમ-બજેટ કે ખરેખરે ઐતિહાસિક બજેટ આપવાનું નિર્મલા સીતારમણનું કૅલિબર જ નથી. મિડિયોકર માણસ પાસે જિનિયસ-વર્કની આશા રાખી ન શકાય. આ વખતનું બજેટ પણ રાબેતા મુજબ વન ઑફ ધોઝ થિંગ્સ કે ઑલ્સો રનથી વિશેષ કંઈ નથી. વિકાસને લઈને ઘણીબધી વાતોનાં વડાં છે, ટુકડે ટુકડે રાતના ટુકડા ઇધર-ઉધર નાખી બધાને ખુશ રાખવાની કવાયત કરાઈ છે. એમાં સરવાળે કોનું, કેટલું ભલું થશે એ મોટો સવાલ છે. 



ટ્રમ્પના ટેરિફ અને વેનેઝુએલા, ગ્રીનલૅન્ડ, ઈરાન જેવા ઉધામાને લઈને જિયોપૉલિટિક્સ ટેન્શનનો પારો વધવા માંડ્યો છે. વિશ્વ-વેપારનું વાતાવરણ ભારે ડહોળાયું છે. FII ભારતીય બજારમાં છેક જુલાઈથી એકધારા વેચવાલ છે. ડૉલર ઇન્ડેક્સની રીતે અમેરિકન ડૉલર વર્ષમાં ૧૪ ટકા ગગડ્યો છે અને આવા ડૉલર સામે ભારતીય રૂપિયો નવી નીચી લાઇફટાઇમ બૉટમ બતાવતો રહી ૯૨ પાર થઈ ચૂક્યો છે. ગ્રોસ કૅપિટલ ફૉર્મેશનની હાલત ખરાબ છે. પ્રાઇવેટ મૂડીરોકાણની સરવાણી સુકાઈ ગઈ છે અને જે સરકારી મૂડીરોકાણ થાય છે એમાં ભ્રષ્ટાચારનો ભારે લુણો લાગેલો હોઈ એફિશિયન્સી ખાડે ગઈ છે. સરકારી આંકડા કહે છે કે આર્થિક વિકાસ ૭ ટકા પ્લસનો છે, ફુગાવો દોઢ-બે ટકાના તળિયે છે, બેરોજગારીનો દર ઘટી ગયો છે, ખેડૂતોની આવક લગભગ બમણી થઈ છે. વી. અનંત નાગેશ્વરન સરકારનો વડો આર્થિક સલાહકાર છે. આ માણસ વિકાસના મામલે વિશ્વમાં ભારતની હેસિયત રણમાં મીઠી વીરડી સમાન ગણાવે છે. સામે પક્ષે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ કે આઇએમએફ તરફથી ભારતના આંકડા સી કૅટેગરીના હોવાનું લેબલ લગાવાયું છે. મતલબ કે સરકાર તરફથી જે આંકડા જાહેર થાય છે એ શંકાસ્પદ હોવાની જાણ કરાઈ છે અને આ વાત બહુ સાચી છે. તમારા ઘરખર્ચના છેલ્લા બાર મહિનાના આંકડા તપાસી જુઓ તો ફુગાવો કેટલો છે એ ખબર પડી જશે. મોદી સરકાર આવી ત્યારથી સતત ઇલેક્શન મોડમાં રહી છે. વિકાસ યોજનાના નામે જેકંઈ નાણાં ખર્ચાય છે એમાં નક્કર ઓછું ને દેખાડો ઝાઝો છે. સમાજમાં વિભાજન અને વિઘટન વિકરાળ બની રહ્યું છે. યુવાનો પાસે વાર-તહેવારે ધાર્મિક સ્થળોએ જ નાચવા સિવાય બીજો કોઈ કામધંધો નથી. નોકરી મળતી નથી એટલે છોકરીના પણ વાંધા છે. રેપિસ્ટ માનસિકતા વધવા માટેનાં કારણોમાં આ પણ એક કારણ છે. સરકાર એક બાજુ દાવો કરે છે કે અમે પચીસ કરોડ લોકોને દારુણ ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. બીજી બાજુ કહે છે કે ૮૦ કરોડ લોકોને તે ૫-૧૦ કિલો રૅશન આપીને જિવાડે છે.


બજેટ પહેલાંનો ઉત્સાહ સરવાળે ઍન્ટિ કલાઇમેક્સ નીવડ્યો 

બજેટ અને બજારની ચાલ ઉપર એક નજર કરી તો બજારને ગમ્યું નથી એ વાત બહુ સાફ છે. નિર્મલા સીતારમણએ કુલ ૯ બજેટ રજૂ કર્યાં છે જે એક વિક્રમ છે, પરંતુ એમાંથી ૭ વખત બજેટના દિવસે બજાર માઇનસ થયું છે એ પણ કદાચ એક વિક્રમ છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૧૯ પૉઇન્ટ પ્લસ ખૂલી તરત ૨૭૦ પૉઇન્ટ ઘટી નીચામાં ૮૨,૧૧૯ થયા પછી ક્રમશઃ સુધારામાં ૪૩૮ પૉઇન્ટ વધી ઉપરમાં ૮૨,૫૫૭ બતાવી બજેટ પ્રવચન શરૂ થયું ત્યારે ૮૨,૫૪૭ ચાલતો હતો, નિફ્ટી ૨૫,૩૭૦ હતો. ૨૭૭ પૉઇન્ટ પ્લસ રહેલું માર્કેટ બજેટ-પ્રવચન પછી અગિયારમી મિનિટે ૮૨,૭૨૭ નજીક જોવાયું હતું, પરંતુ ત્યાર પછીની ૨૦ મિનિટ બહુ ભારે હતી. એમાં આગલા બંધથી ૪૫૭ પૉઇન્ટ વધેલો સેન્સેક્સ સાડાબાર વાગ્યે ૭૯,૮૯૯ના તળિયે પહોંચી ગયો હતો, અર્થાત્ ૨૦ જ મિનિટમાં માર્કેટ ઇન્ટ્રા-ડે હાઈથી ૨૮૨૮ પૉઇન્ટ પટકાયું હતું. નિર્મલા સીતારમણ ત્યારે બજેટનો પાર્ટ બી વાંચી રહ્યાં હતાં. STTમાં વધારો, બાયબૅક મામલે વેરામાં ફેરફાર ડાઇવેસ્ટમેન્ટ, સરકારી બૅન્કોમાં હોલ્ડિંગ વેચવાનો ઇરાદો, માર્કેટ બૉરોઇંગમાં વધારો, ધારણા કરતાં થોડીક વધુ ફિસ્કલ ડેફિસિટ આ બધી જાહેરાતો થઈ રહી હતી. બજાર દરેક જાહેરાતે તૂટતું ગયું હતું. ૨૮૨૮ પૉઇન્ટ કે આશરે સાડાત્રણ ટકાના આ જબ્બર કડાકા બાદ વીજળી વેગે માર્કેટે બાઉન્સ થવાની કોશિશ કરી હતી, નાણાં સંસ્થાઓને તૂટતા બજારને સંભાળી લેવા લાગતા વળગતાનાં ફરમાન ફાટ્યાં હશે એની આ અસર હતી. ઇલેક્ટ્રૉનિક મીડિયા અને બિઝનેસ ચૅનલો ઉપર પણ આ દરમ્યાન બજેટ કેટલું અને કેવી રીતે સારું, વિકાસવર્ધક, કાબિલે તારીફ છે એ સમજાવવા નિષ્ણાતોની ફોજ ઊતરી પડી હતી. આ બધી કવાયત છતાં શૅરઆંક છેવટ સુધી માઇનસ ઝોનમાં રહ્યો હતો. સેન્સેક્સ અંતે ૧૫૪૭ પૉઇન્ટ કે ૧.૯ ટકા તથા નિફ્ટી ૪૯૫ પૉઇન્ટ કે બે ટકા ઘટી અનુક્રમે ૮૦,૭૨૩ અને ૨૪,૮૨૫ ગઈ કાલે બંધ થયો છે. દિવસ દરમ્યાન નિફ્ટી ઉપરમાં ૨૫,૪૪૦ તથા નીચામાં ૨૪,૫૭૨ થયો હતો. નબળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૦૫૪ શૅરની સામે ૨૦૭૩ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૯.૩૪  લાખ કરોડના ઘટાડામાં ૪૫૦.૬૧ લાખ કરોડ રહ્યું છે.


બન્ને બજારનાં તમામ સેક્ટોરલ લાલ, IT અડધો ટકો પ્લસ 

બન્ને બજારનાં તમામ સેક્ટોરલ લાલ થયાં છે, IT ઇન્ડેક્સ ૦.૭ ટકા વધીને સામા પ્રવાહે હતો. એના ૭૭માંથી ૪૯ શૅર પ્લસ હતા. એલાઇડ ડિજિટલ સર્વિસિસ ૧૧ ગણા વૉલ્યુમે ૧૫ ટકા ઊછળીને ૧૪૨ બંધમાં મોખરે હતી. એનાં રિઝલ્ટ ૪થીએ છે. નેટ વેબ, ઓરિએન્ટ ટેક્નો, ઇન્ફોબીન્સ, ઑનવર્ડ ટેક્નો તથા ઓરિઅન-પ્રો જેવી જાતો ૬થી ૭ ટકા મજબૂત હતી. મૉસ્ચિપ ૭.૪ ટકા ગગડી છે. ૬૩ મૂન્સ ત્રણેક ટકા ઘટીને ૬૨૭ હતી. પીએસયુ બૅન્ક નિફ્ટી બારમાંથી બાર શૅરની ખુવારીમાં ૫.૬ ટકો તૂટ્યો છે. બૅન્ક ઑફ ઇન્ડિયા સાડાઆઠ ટકા, ઇન્ડિયન બૅન્ક ૭.૭ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર સાડાછ ટકા બગડી છે. બૅન્ક નિફ્ટી ૧૪માંથી શૅરની નબળાઈમાં ૧૯૭ પૉઇન્ટ કે બે ટકા ડૂલ થયો છે, બૅન્ક ઑફ બરોડા સાતેક ટકા સાફ થઇ છે. ઇન્ડ્સઇન્ડ બૅન્ક સાધારણ નરમ હતી. બૅન્કિંગના ૪૧માંથી ૩૫ શૅર માઇનસ થયા છે. ઇસફ સ્મૉલ બૅન્ક ૨.૮ ટકા, જના સ્મૉલ બૅન્ક ૧.૧ ટકા, ઉત્કર્ષ બૅન્ક પોણો ટકો સુધરી છે. ડીસીબી બૅન્ક ૮.૮ ટકા, કરૂર વૈશ્ય ૫.૧ ટકા, સિટી યુનિયન ૫.૨ ટકા ડાઉન થઈ છે. 

વિશ્વ બજારમાં ૧૨૧.૭૫ ડૉલરના બેસ્ટ લેવલે પહોંચેલી કૉમેક્સ સિલ્વર ૩.૧ ૪ ટકા તૂટી ૭૮.૮૩ ડૉલર તથા ૧૨૧.૬૪ ડૉલરના શિખરે ગયેલી હાજર ચાંદી વળતા દિવસે ૩૦.૩ ટકા લથડી ૮૫.૧૫ ડૉલર થઈ ગઈ છે. સોનું હાજરમાં ૫૫૯૫ની ટોચથી તૂટી ૪૮૬૫ ડૉલર તો વાયદો ૫૬૨૫ ડૉલરની વિક્રમી સપાટીથી ગગડી ૪૭૬૩ ડૉલર રહ્યો છે. પ્લૅટિનમ ૧૭ ટકા ઝંખવાઈ ૨૧૯૫ ડૉલર આવી ગયું છે. ઇન્ડસ્ટ્રિયલ મેટલ વાયદામાં ટીન પોણાછ ટકા, કૉમેક્સ કોપર સાડાચાર ટકા, લંડન કૉપર ૩.૪ ટકા, ઍલ્યુમિનિયમ સવાબે ટકા ખરડાઈ છે. સરવાળે મેટલ ઇન્ડેક્સ ૩.૯ ટકા કે ૧૪૯૬ પૉઇન્ટ ગગડ્યો છે. અહીં ૧૩માંથી ૧૨ શૅર માઇનસ હતા. હિન્દુસ્તાન ઝિન્ક સાડાનવ ટકા, નાલ્કો આઠ ટકા, હિન્દાલ્કો ૫.૬ ટકા, તાતા સ્ટીલ ૩.૯ ટકા, વેદાન્તા ૪.૧ ટકા, જિન્દલ સ્ટેનલેસ ૪.૩ ટકા, હિન્દુસ્તા કૉપર ૧૨.૮ ટકા તૂટી છે, નિફ્ટી મેટલ ૪ ટકા બગડ્યો છે. 

ઑઇલ ગૅસ ઇન્ડેક્સ ૨.૮ ટકા, એનર્જી ઇન્ડેક્સ ૩.૧ ટકા, પાવર ઇન્ડેક્સ અઢી ટકા, યુટિલિટીઝ ૩ ટકા, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૩ ટકા, ઑટો ઇન્ડેક્સ બે ટકા, રિયલ્ટી ૨.૨ ટકા, ટેલિકૉમ દોઢ ટકા, ફાઇનૅન્સ ઇન્ડેક્સ સવાબે ટકા, FMCG ૨.૨ ટકા, નિફ્ટી ડિફેન્સ ૫.૧ ટકા, નિફ્ટી કૅપિટલ માર્કેટ પોણાછ ટકા, પીએસયુ ઇન્ડેક્સ ૪.૨ ટકા, નિફ્ટી કૅપિટલ માર્કેટ પોણાછ ટકા, પીએસયુ ઇન્ડેક્સ ૪.૨ ટકા, ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્ડેક્સ ૩ ટકા ધોવાયો છે. હેલ્થકૅર ઇન્ડેક્સ સૌથી ઓછો એવો અડધો ટકો નરમ હતો. જોકે એના ૧૧૯માંથી ૫૫ શૅર સુધર્યા હતા. વિમતા લૅબ ૭.૩ ટકા ઊંચકાઈને ૪૪૧ બંધમાં મોખરે હતી. વેદાન્તા સવાછ ટકા, સ્પાર્ક ૫૭ ટકા, સુવેન લાઇફ સાયન્સ પાંચ ટકા મજબૂત રહી છે. ઍડ્વાન્સ એન્ઝાઇમ ૮ ટકા તૂટીને ૨૭૨ હતી. 

ડિફેન્સ, રેલવે, કૅપિટલ ગુડ્સ, સ્ટૉક બ્રોકિંગ, ફાઇનૅન્સમાં ખરાબી

ડિફેન્સ નિફ્ટી ૧૮માંથી ૧૭ શૅરના બ્લાસ્ટમાં ૫.૧ ટકા તૂટ્યો છે. એમટાર ટેક્નૉલૉજીઝ ૩૧૪૯ના શિખરે જઈને ૫.૧ ટકા કે ૧૫૧ની આગેકૂચમાં ૩૦૮૪ બંધ થઈ છે. અન્યથા ભારત ડાયનૅમિક્સ પોણાદસ ટકા, ગાર્ડન સાડાસાત ટકા, સિકા ઇન્ટરપ્લાન્ટ સાડાસાત ટકા, ડેટા પૅટર્ન્સ સાડાસાત ટકા, સિકા ઇન્ટ પ્લાન્ટ સાડાસાત ટકા, તનેજા ઍરોસ્પેસ ૬.૮ ટકા, મિશ્ર ધાતુ નિગમ ૬.૨ ટકા, અવાન્ટેલ ૬ ટકા, ઝેન ટેક્નૉલૉજી સાડાપાંચ ટકા, હિન્દુસ્તાન ઍરોનોટિક્સ ૫.૨ ટકા, અપોલો માઇક્રો પાંચ ટકા ડૂલ થઈ છે. રેલવે શૅરમાં ઇરોકન ઇન્ટર. સવાછ ટકા, આઇઆરએફસી સાડાપાંચ ટકા, રેલવે વિકાસ નિગમ પાંચ ટકા, રેલટેલ ૬ ટકા, રાઇટ્સ સાડાચાર ટકા, ઇન્ડિયન રેલવે કેટરિંગ પોણાત્રણ ટકા, ટીરાગર રેલવે સવાચાર ટકા, ટેકસમાકો રેલ સવા પાંચ ટકા, જ્યુપિટર વેગન્સ પોણાછ ટકા, કાર્નેક્સ માઇક્રો સાડાચાર ટકા, હિન્દુસ્તાન સેટીફાયર સવા ટકો, ભારત અર્થ મૂવર્સ છ ટકા ખરડાઈ હતી. 

કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૩૪માંથી ૨૮ શૅરની બૂરાઈમાં ૩ ટકા તૂટ્યો છે. ટીમકેન ૩ ટકા, ડાયનેસ અને સીજી પાવર ૨.૪ ટકા, એલ્જી ઇ​ક્વિપ ૧.૪ ટકા પ્લસ હતી. સામે ૧૮ શૅર અઢી ટકાથી માંડી પોણાદસ ટકા ડૂલ થયા છે. માઝગાવ ડૉક પોણાસાત ટકા, કોચીન શિપયાર્ડ સવાછ ટકા, વારિ એનર્જી પાંચ ટકા, ભેલ ૪.૨ ટકા, સિમેન્સ ૪.૧ ટકા બગડી હતી. 

ગોકળદાસ એક્સપોર્ટ્‍સ પોણાઅગિયાર ટકા ઊછળીને ૬૧૦ના બંધમાં એ-ગ્રુપમાં ઝળકી છે. જોકે ગાર્મેન્ટ્સ અને અપેરેલ્સ સેક્ટરના ૩૭માંથી ૧૭ શૅર પ્લસ હતા. અરવિંદ સાડાપાંચ ટકા વધી ૭૩૦ હતી. ટેક્સટાઇલ ઉદ્યોગમાં ૧૦૬ શૅર પ્લસ તો ૯૭ જાતો નરમ હતી. ખાતર ઉદ્યોગમાં ૮ શૅર વધ્યા હતા, સામે ૧૪ જાતો ઘટી છે. સિમેન્ટ સેક્ટરના ૩૭માંથી ફ્કત ૬ શૅર સુધર્યા છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૮૩માંથી ૩૦ શૅર પ્લસ શૅર પ્લસમાં આપી સવાબે ટકા ડાઉન હતો. જેએમફાઇ. સાડાપાંચ ટકા, નુવામા વેલ્થ સવાસાત ટકા, એન્જલવન ૮.૬ ટકા, મોનાર્ક નેટવર્થ પોણાનવ ટકા, આઇઆઇએફએલ કૅપિટલ ૮ ટકા, મોતીલાલ ઓસવાલ ૩.૬ ટકા, આનંદરાઠી શૅર ઍન્ડ સ્ટૉક બ્રોકિંગ બે ટકા, ૩૬૦ વન વામ પોણાત્રણ ટકા, શૅર ઇન્ડિયા ૩.૯ ટકા, દૌલત અલ્ગો ૩ ટકા, ગ્રોફેમ બિલ્યન બ્રેઇસ પાંચ ટકા ધોવાઈ છે. 

અદાણીના તમામ શૅર ડાઉન, રિલાયન્સ બજારને સર્વાધિક ૨૮૬ પૉઇન્ટ નડી 

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી વધેલા ૪ શૅરમાં TCS દોઢા વૉલ્યુમે ઉપરમાં ૩૨૩૫ ૧.૯ ટકા વધી ૩૧૮૫ બંધમાં મોખરે હતો. નિફ્ટી ખાતે મેક્સ હેલ્થકૅર ૨.૧ ટકા વધીને ૯૭૭ નજીકના બંધમાં ઝળકી હતી. વિપ્રો બે ટકા ઊંચકાઈને ૨૪૨ થયો છે. સનફાર્મા પોણો ટકો તથા ઇન્ફી નહીંવત્ સુધરી છે. રિલાયન્સ ૧૪૧૧ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૧૩૩૬ થઈ ૩.૬ ટકા લથડી ૧૩૪૨ બંધ થતાં બજારને સર્વાધિક ૨૮૬ પૉઇન્ટ નડી છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રા ૧.૩ ટકા, નેટવર્ક ૧૮ સવાત્રણ ટકા, જિયો ફાઇનૅન્સ ૪.૭ ટકા, જસ્ટ ડાયલ દોઢ ટકા, ડેન નેટવર્ક પોણો ટકો, આલોક ઇન્ડસ્ટ્રીઝ અડધો ટકો નરમ હતી. લોટસ ચૉકલેટ સવા ટકો તથા હેથવે કેબલ બે ટકા સુધરી છે.

હિન્દાલ્કો ૫.૭ ટકા પીગળીને ૯૦૮ના બંધમાં નિફ્ટી ખાતે તો સ્ટેટ બૅન્ક ૫.૬ ટકા ગગડી ૧૦૧૭ના બંધમાં સેન્સેક્સમાં વર્સ્ટ લૂઝર બની છે. ICICI બૅન્ક ૧.૬ ટકા, ઍક્સિસ બૅન્ક ૨.૧ ટકા, HDFC એક ટકો તથા કોટક બૅન્ક નામ પૂરતી નરમ હતી. અન્યમાં ભારત ઇલે. ૫.૪ ટકા, તાતા સ્ટીલ ૩.૯ ટકા, અલ્ટ્રાટેક સવાત્રણ ટકા, લાર્સન અને બજાજ ફાઇનૅન્સ ત્રણ ટકા આસપાસ, એશિયન પેઇન્ટ તથા NTPC ૨.૯ ટકા, મારુતિ સુઝુકી પોણાત્રણ ટકા, બજાજ ફિનસર્વ ૨.૭ ટકા, પાવર ગ્રીડ અને મહિન્દ્ર બે-બે ટકા, ONGC સાડાપાંચ ટકા, કોલ ઇન્ડિયા પોણાપાંચ ટકા, તાતા કન્ઝ્યુમર ચાર ટકા, નેસ્લે પોણાચાર ટકા, આઇશર સવાત્રણ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ સવાત્રણ ટકા નજીક, ગ્રાસિમ ૩ ટકા નજીક, શ્રીરામ ફાઇનૅન્સ સવાબે ટકા ડૂલ થઈ છે. ITC ૩૦૬ની સાડાત્રણ વર્ષની બૉટમ બનાવી ચારેક ટકા ખરડાઈને ૩૦૯ હતી. 

અદાણી ગ્રુપમાં ફ્લૅગશિપ અદાણી એન્ટર ૪.૧ ટકા તૂટી ૧૯૩૭, અદાણી પોર્ટ્સ સાડાપાંચ ટકા લથડી ૧૩૩૯, અદાણી પાવર પોણાબે ટકા, અદાણી એનર્જી સાડાપાંચ ટકા, અદાણી ગ્રીન સવાપાંચ ટકા, અદાણી ટોટલ પોણાબે ટકા, ACC એક ટકો, અંબુજા સિમેન્ટ્સ અઢી ટકા, NDTV બે ટકા, સાંધી ઇન્ડ. સાડાત્રણ ટકા, ઓરિયન્ટ સિમેન્ટ્સ ૨.૩ ટકા, પીએસપી પ્રોજેક્ટસ પોણાત્રણ ટકા તથા સેમિઇન્ડિયા પ્રોજેક્ટ્સ સવા ટકો માઇનસ હતી. 

MCX નીચામાં ૨૦૬૮ થઈ સાડાચાર ગણા વૉલ્યુમે ૧૧.૬ ટકા કે ૨૯૩ના કડાકામાં ૨૨૩૨ થઈ છે. BSE લિમિટેડ નીચામાં ૨૩૭૭ બતાવી ૭.૮ ટકા કે ૨૧૯ તૂટી ૨૫૭૮ હતી. CDSL પોણા સાત ટકા તો NSDL દોઢ ટકો ઘટી છે.

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2026 12:30 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK