રાહુલ ગાંધીને એક પુસ્તકમાંથી વાત ટાંકવી હતી પણ તેમને એમ કરવાની છૂટ ન મળી અને પછી સંસદમાં હોબાળો થયો
રાહુલ ગાંધી - ફાઇલ તસવીર
સોમવારે લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા ચીન મુદ્દે એક અપ્રકાશિત પુસ્તકનો સંદર્ભ આપવામાં આવતા ભારે હોબાળો થયો હતો. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીના નિવેદન પર કડક વાંધો ઉઠાવ્યો હતો. આ ઘટના બાદ સંસદના નિયમો ચર્ચામાં આવ્યા છે. સવાલ એ છે કે આખરે ગૃહમાં કોઈ પુસ્તક કે દસ્તાવેજ ટાંકવા માટેના નિયમો શું છે અને તેના ઉલ્લંઘનથી શું પરિણામ આવી શકે છે?
શું છે લોકસભાનો નિયમ 349 (I)?
ADVERTISEMENT
સંસદમાં પુસ્તક, અખબાર કે અન્ય દસ્તાવેજો ટાંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ નથી, પરંતુ તેના માટે ચોક્કસ પ્રક્રિયા અનુસરવી પડે છે. લોકસભાનો નિયમ 349 (I) સ્પષ્ટ કરે છે કે જો કોઈ પુસ્તક, અખબાર કે પત્ર ગૃહની કાર્યવાહી સાથે સીધી રીતે સંકળાયેલું ન હોય, તો તેને ટાંકી શકાતું નથી.રાજ્યસભાના પૂર્વ મહાસચિવ વી.કે. અગ્નિહોત્રીના જણાવ્યા મુજબ, કોઈપણ બહારના દસ્તાવેજનો ઉલ્લેખ કરતા પહેલા સ્પીકરને અગાઉથી નોટિસ આપવી અને તેમની મંજૂરી મેળવવી ફરજિયાત છે. પરવાનગી વગર કોઈ પણ સાહિત્યનો ઉલ્લેખ કરવો એ નિયમોનું ઉલ્લંઘન ગણાય છે.સામાન્ય સંજોગોમાં સભ્યો નોટિસ આપીને પુસ્તકો કે અહેવાલો ટાંકી શકે છે. પરંતુ રાહુલ ગાંધીના કિસ્સામાં વિવાદનું મુખ્ય કારણ એ હતું કે તેમણે એક એવા પુસ્તકના અંશો ટાંક્યા જે હજુ સુધી પ્રકાશિત જ થયું નથી (Unpublished Book). નિયમ મુજબ, સભ્ય જે પણ દાવો કરે તેનો આધારભૂત સ્ત્રોત હોવો જોઈએ. જ્યારે પુસ્તક પબ્લિશ જ નથી થયું, ત્યારે તેની સત્યતા તપાસવી મુશ્કેલ બને છે. આ જ કારણે રક્ષામંત્રીએ રાહુલ ગાંધીની વાતને `સંપૂર્ણપણે કાલ્પનિક` ગણાવી હતી અને સ્ત્રોત અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
નિયમભંગ થાય તો સભ્યપદ પર જોખમ?
સંસદના નિયમોનું ઉલ્લંઘન ગંભીર બાબત ગણાય છે. જ્યારે કોઈ સભ્ય આવા અપ્રમાણિત દસ્તાવેજો રજૂ કરે છે, ત્યારે તેમને તે માહિતી સત્યાપિત (Verify) કરવા માટે કહેવામાં આવી શકે છે.જો સભ્ય નિયમોનું ઉલ્લંઘન કરે, તો આ મામલો સંસદની વિશેષાધિકાર સમિતિ (Privilege Committee) ને સોંપવામાં આવી શકે છે. સમિતિ મામલાની તપાસ કરે છે અને જો સભ્ય ગૃહને ગેરમાર્ગે દોરવા બદલ દોષિત ઠરે, તો તેમની સદસ્યતા રદ થવા સુધીની કડક કાર્યવાહી પણ થઈ શકે છે.
2020માં LAC પર શું થયું હતું?
રાહુલ ગાંધી વર્ષ 2020માં ભારત-ચીન LAC (The Line of Actual Control (LAC) ) પર થયેલા વિવાદનો ઉલ્લેખ કરી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે ચીનની PLAના ૪ ટેન્ક કૈલાશ રિજ (Kailash Ridge) તરફથી ભારતીય સીમામાં ઘૂસ્યા હતા. તેમના આ જ નિવેદન પર સંસદમાં હોબાળો થયો હતો. હકીકતમાં, આ સમગ્ર મામલો એપ્રિલ 2020માં શરૂ થયો હતો. પહેલું ઘર્ષણ (Face off) પેંગોંગ ત્સો વિસ્તારમાં થયું, જ્યારે ચીની સેનાની ગતિવિધિઓને પારખીને ભારતીય સેનાએ પોતાનો વિરોધ નોંધાવ્યો અને તેમને અંદર પ્રવેશતા અટકાવ્યા. ત્યારબાદ બીજી અથડામણ જૂન 2020માં ગલવાન ખીણમાં થઈ હતી, જેમાં કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ સહિત 20 જવાનો શહીદ થયા હતા. ચીનને પણ મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. તેમના પણ ઘણા સૈનિકો આ અથડામણમાં માર્યા ગયા હતા. પરંતુ ચીની સેના ભારતીય સીમામાં પ્રવેશી શકી ન હતી. હા, LAC પર તણાવ ઘણો વધી ગયો હતો અને બંને સેનાઓ સામ-સામે આવી ગઈ હતી.આ દરમિયાન ઓગસ્ટ મહિનામાં સાંગુર ગેપ (Spangur Gap) થી PLAના ટેન્ક ભારત તરફ આગળ વધી રહ્યા હતા. પરંતુ ચીનની હરકત પહેલા જ તે વિસ્તારની ચોટીઓ પર કબજો જમાવીને ભારતીય સેના પહેલાથી જ સંપૂર્ણ રીતે તૈયાર હતી. ૨૪ કલાક ચીનની હરકતો પર નજર રાખવામાં આવી રહી હતી. પરંતુ ભારતીય સેનાએ ચીની ટેન્કોને રોકીને તેમને પાછા જવા માટે મજબૂર કરી દીધા. વિસ્તારની ઊંચી ચોટીઓ પર ભારતીય જવાનોની તૈનાતી જોઈને ચીન પણ ગભરાઈ ગયું અને કોર કમાન્ડર લેવલ પર વાતચીત બાદ ડિસએન્ગેજમેન્ટ (સૈન્ય પાછું ખેંચવું) કરવામાં આવ્યું. ભારતીય સેનાએ ચીનને ભારતીય સીમામાં દાખલ થવા દીધું ન હતું.


